અદાણીએ દિલ્હીના પૉશ એરિયામાં 1000 કરોડનો બંગલો 400 કરોડમાં ખરીદ્યો

23 February, 2020 12:54 PM IST  |  New Delhi

અદાણીએ દિલ્હીના પૉશ એરિયામાં 1000 કરોડનો બંગલો 400 કરોડમાં ખરીદ્યો

ગૌતમ અદાણી

અદાણી ગ્રુપને દિલ્હીના અલ્ટ્રા પૉશ એરિયા લુટિયન્સમાં ૪૦૦ કરોડ રૂપિયામાં આલીશના બંગલો મળી ગયો છે. ૩.૪ એકર જમીનમાં ફેલાયેલા આ બંગલાનો બિલ્ટ-અપ એરિયા ૨૫,૦૦૦ સ્ક્વેર ફુટ છે એમાં ૭ બેડરૂમ, ૬ ડાઇનિંગ રૂમ, એક સ્ટડી રૂમ અને ૭૦૦૦ સ્ક્વેર ફુટમાં સ્ટાફ ક્વૉર્ટર્સ બનેલાં છે. બંગલાની ચારેય બાજુ ગ્રીનરી છે. આ બે ફ્લોરનો બંગલો ભગવાનદાસ રોડ પર છે. ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિ આ બંગલો ખરીદવા માગતા હતા. આદિત્ય એસ્ટેટ્સે અમુક વર્ષો પહેલાં આ બંગલાની કિંમત ૧૦૦૦ કરોડ રૂપિયા આંકી હતી.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નૅશનલ કંપની લૉ ટ્રિબ્ય‍ુનલ (એનસીએલટી)એ ૧૪ ફેબ્રુઆરીએ અદાણી ગ્રુપની કંપની અદાણી પ્રૉપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

આદિત્ય એસ્ટેટ્સના ૯૩ ટકા લેણદારો પણ અદાણીની બોલીના પક્ષમાં હતા. એનસીએલટીના દસ્તાવેજો પ્રમાણે નાદારી પ્રક્રિયામાં બંગલાની કિંમત માત્ર ૨૬૫ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. અદાણી પ્રૉપર્ટીઝને પાંચ કરોડ રૂપિયાની ગૅરન્ટી અને ૧૩૫ કરોડ રૂપિયા કન્વર્ઝેશન ચાર્જ ચૂકવવો પડશે.

તિરુવનંતપુરમ ઍરપોર્ટ અદાણીને સોંપાતાં કેરળ સરકાર સુપ્રીમમાં

તિરુવનંતપુરમનું આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ અદાણી એન્ટરપ્રાઇઝને સોંપવાના ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એએઆઇ)ના નિર્ણયને કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી ૨૦૧૯માં અદાણી એન્ટરપ્રાઇઝ ૫૦ વર્ષ સુધી તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટના સંચાલન અને ઑપરેશનની કામગીરી માટેની બોલી જીતી લીધી હતી. કેરળ સરકારે આ સંદર્ભમાં કેરળ હાઈ કોર્ટમાં પણ અરજી કરી હતી. કેરળ હાઈ કોર્ટે રાજ્ય સરકારની આ અરજી ફગાવી દેતાં જણાવ્યું હતું કે આ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેનો વિવાદ હોવાથી અરજકર્તાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી આગામી સપ્તાહમાં થવાની શક્યતા છે. કેરળ સરકારે ત્રીજી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ વિશે અદાણી એન્ટરપ્રાઇઝનો સંપર્ક સાધવામાં આવતાં તેમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેસ કોર્ટમાં ચાલતો હોવાથી હાલમાં આ વિશે કોઈ પણ ટિપ્પણી કરી શકાય એમ નથી.

બોલી દરમિયાન અદાણીએ યાત્રી દીઠ ૧૬૮ રૂપિયા, રાજ્ય સરકારની માલિકીના કૅર સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (કેએસઆઇડીસી)એ યાત્રી દીઠ ૧૩૫ રૂપિયા અને જીએમઆર ગ્રુપે ૬૩ રૂપિયા ચૂકવવાની ઑફર કરી હતી.

business news