આઇટી અને ટેલિકૉમ મંત્રાલયો હેઠળ કાર્યરત એકમોનાં અકાઉન્ટ્સમાં અનેક ગેરરીતિઓ થઈ છે : કૅગ

01 December, 2021 03:58 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા (કૅગ)એ આઇટી (ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી) અને ટેલિકૉમ મંત્રાલયો હેઠળ કાર્યરત એકમોનાં અકાઉન્ટ્સમાં અનેક ગેરરીતિઓ થઈ હોવાનું જણાવ્યું છે.

મિડ-ડે

કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા (કૅગ)એ આઇટી (ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી) અને ટેલિકૉમ મંત્રાલયો હેઠળ કાર્યરત એકમોનાં અકાઉન્ટ્સમાં અનેક ગેરરીતિઓ થઈ હોવાનું જણાવ્યું છે. તેમાંથી એક ગેરરીતિ નિયમોની વિરુદ્ધ જઈને ૮૯૦ કરોડ રૂપિયાનાં હાર્ડવેર અને સોફ્ટવેરની ખરીદીની છે. 
કૅગે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ તથા ૨૦૧૮-૧૯ના ઑડિટના અહેવાલમાં કહ્યું છે કે બીએસએનએલ, સી-ડોટ, પોસ્ટ ખાતું, આઇટીઆઇ લિમિટેડ અને સીડેકે લીધેલા નિર્ણયોમાં ગરબડ છે, તેને લીધે આર્થિક નુકસાન થયું છે.
ઉક્ત અહેવાલ મુજબ નૅશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર સર્વિસિસ ઇન્ક (નિક્સી)એ જનરલ ફાઇનૅન્શિયલ રૂલ્સ, ૨૦૦૫નો ભંગ કરીને સ્ટ્રેટેજિક અલાયન્સ માર્ગે ૮૯૦.૩૪ કરોડ રૂપિયાનાં હાર્ડવેર અને સોફ્ટવેર ખરીદ્યાં હતાં. આ વ્યવહારમાં પારદર્શકતા અને સ્પર્ધાત્મકતાનો અભાવ હતો. સપ્ટેમ્બર ૨૦૧૫થી નિક્સી એક જ જગ્યાએથી બધી ખરીદી કરે છે. આ કામ એણે નિયમની વિરુદ્ધ જઈને કર્યું છે. 
કૅગના અહેવાલમાં સીડેક (સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑફ ઍડવાન્સ્ડ કમ્પ્યુટિંગ) બાબતે કહેવામાં આવ્યું હતું કે આ સ્વાયત્ત સંસ્થાએ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ માટે ૯૭.૭૦ લાખ રૂપિયાનું ઍડ-હોક બોનસ આપ્યું હતું. નાણાં ખાતાએ આવું બોનસ આપવા માટેનો કોઈ આદેશ બહાર પાડ્યો ન હોવા છતાં બોનસ આપવામાં આવ્યું હતું જે ગેરરીતિપૂર્ણ કહેવાય. 
અહેવાલ મુજબ નૅશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝને પણ ડિરેક્ટરેટ ઑફ ઍડવર્ટાઇઝિંગ ઍન્ડ વિઝ્યુઅલ પબ્લિસિટી મારફતે અખબારોમાં જાહેરખબર આપતી વખતે સરકારની સૂચનાઓનું પાલન કર્યું નહોતું.

business news