ભારતીય અર્થતંત્ર બેહાલ : જીડીપીમાં 7.3 ટકાનો ઘટાડો

01 June, 2021 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોના વાઇરસના રોગચાળાને લીધે ભારતની કુલ રાષ્ટ્રીય પેદાશ (જીડીપી) પર વિપરીત અસર થઈ છે. ગયા નાણાકીય વર્ષમાં એકંદરે વૃદ્ધિદર ૭.૩ ટકા ઘટ્યો હોવાનું સરકારી આંકડાઓ પરથી જાણવા મળે છે.

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના રોગચાળાને લીધે ભારતની કુલ રાષ્ટ્રીય પેદાશ (જીડીપી) પર વિપરીત અસર થઈ છે. ગયા નાણાકીય વર્ષમાં એકંદરે વૃદ્ધિદર ૭.૩ ટકા ઘટ્યો હોવાનું સરકારી આંકડાઓ પરથી જાણવા મળે છે. 

ગયા જાન્યુઆરીથી માર્ચના ગાળામાં એટલે કે પાછલા નાણાકીય વર્ષના ચોથા ક્વૉર્ટરમાં વૃદ્ધિદર ૧.૬ ટકા હતો. ગયા વર્ષે કોરોનાને કારણે અર્થતંત્રમાં પ્રથમ બે ક્વૉર્ટરમાં વૃદ્ધિ મંદ પડી ગઈ હતી. ઑક્ટોબર-ડિસેમ્બર ગાળામાં તેમાં સુધારો થતાં વૃદ્ધિદર ૦.૪ ટકા થયો હતો. 

દરમ્યાન સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમીના અહેવાલ મુજબ ગત ૨૩ મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં બેરોજગારીનો દર ૧૪.૭૩ ટકાના સ્તરે પહોંચ્યો હતો. 

પરિવારોની આવકમાં ઘટાડો તથા બેરોજગારીમાં વધારો એ બન્ને પરિબળોને કારણે દેશમાં માગનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

આઠ મુખ્ય ક્ષેત્રોમાં ઉત્પાદન એપ્રિલમાં ૫૬ ટકાના દરે વધ્યું
દેશનાં આઠ મુખ્ય ક્ષેત્રોમાં ગયા એપ્રિલ મહિનામાં ઉત્પાદન પાછલા વર્ષની તુલનાએ ૫૬.૧ ટકા વધ્યું હતું. નોંધનીય છે કે ગત વર્ષે એપ્રિલમાં દેશભરમાં લૉકડાઉન લાગુ હોવાથી ઉત્પાદન લગભગ ઠપ પડી ગયું હતું. પાછલા એપ્રિલમાં નૅચરલ ગૅસ, રિફાઇનરી પ્રૉડક્ટ્સ, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીનું ઉત્પાદન વધ્યું હોવાનું સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડાઓ દર્શાવે છે. આઠ મુખ્ય ક્ષેત્રોમાં કોલસો, ક્રૂડ ઑઇલ, નૅચરલ ગૅસ, રિફાઇનરી પ્રૉડક્ટ્સ, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીનો સમાવેશ થાય છે. ગયા વર્ષે એપ્રિલમાં તેના ઉત્પાદનમાં ૩૭.૯ ટકાનો ઘટાડો થયો હતો.

business news indian economy