મુકેશ અંબાણી બન્યા વિશ્વની પાંચમી સૌથી વધુ ધનિક વ્યક્તિ

22 July, 2020 09:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુકેશ અંબાણી બન્યા વિશ્વની પાંચમી સૌથી વધુ ધનિક વ્યક્તિ

ફાઈલ તસવીર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન 63 વર્ષીય મુકેશ અંબાણી એક પછી એક નવા શીખરો સર કરતા જાય છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનરની યાદી મુજબ, મુકેશ અંબાણી 5.59 લાખ કરોડ રૂપિયા એટલે કે 5 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના પાંચમાં સૌથી વધુ ધનિક વ્યક્તિ બન્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 2,004 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોચતા મુકેશ અંબાણીની સંપત્તિમાં એક જ દિવસમાં 23,858 કરોડ રૂપિયા એટલે કે 3.2 અબજ ડોલરનો વધારો થયો છે. ફોર્બ્સની યાદી મુજબ, 22 જૂલાઈના રોજ વિશ્વમાં સૌથી વધુ વધારો મુકેશ અંબાણીની નેટવર્થમાં થયો છે.

ફોર્બ્સની દુનિયાના ટોપ-10 બિલિયોર્નસની યાદીમાં મુકેશ અંબાણી સિવાય જેફ બેજોસ, બીલ ગેટ્સ, બર્નાર્ડ આર્નોલ્ટ એન્ડ ફેમિલી, માર્ક ઝકરબર્ગ, વોરેન બફેટ, લેરી એલિસન, એલન મસ્ક, સ્ટીવ બાલ્મર અને લેરી પેજનો સમાવેશ છે.

બૉમ્બે સ્ટોક એક્સચેન્જના આંકડા પ્રમાણે, માર્ચથી લઈને આજ સુધીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં 80 ટકાનો વધારો થયો છે. માર્ચમાં શેરનો ભાવ 1,112.45 રૂપિયા હતો. જે આજે 22 જૂલાઈએ 2004.10 રૂપિયા પર બંધ રહ્યો હતો. આજના દિવસે શેરનો ભાવ 2010 રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોચ્યો હતો.

મુકેશ અંબાણી બુધવારે વિશ્વના પાંચમાં સૌથી વધુ અમીર વ્યક્તિ બન્યા છે. જોકે, આ સ્થાન તેમને એક સપ્તાહ પહેલા જ મળી ગયું હોત. પરંતુ જયારે 15 જૂલાઈએ કંપનીની વાર્ષિક સાધારણ સભા મળી ત્યારબાદ એક જ દિવસમાં કંપનીનો શેર છ ટકા તૂટી જતાં તેમની સંપત્તિમાં બે અબજ ડોલર એટલે કે અંદાજે રૂ. 14,900 કરોડનો ઘટાડો થયો હતો. તેથી એક અઠવાડિયા બાદ તેમને આ સ્થાન મળ્યું છે.

ચાલુ વર્ષના માર્ચ મહિનામાં રિલાયન્સના શેરમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો હતો અને ત્યારબાદ કંપનીએ તેના ડિજીટલ આર્મ જિયો પ્લેટફોર્મ્સની હિસ્સેદારી વેચીને લગભગ 15 અબજ ડોલર જેટલું ઇન્વેસ્ટમેન્ટ મેળવ્યું છે. તેને કારણે કંપનીના શેર પણ ઘણા વધ્યા હતા જેનો ફાયદો મુકેશ અંબાણીને થયો હતો. જિયો પ્લેટફોર્મ્સમાં ફેસબુક, સિલ્વરલેક, KKR સહિત દસ ખાનગી ઈક્વિટી કંપનીઓએ રોકાણ કરેલું છે. એક વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિ 9.64 અબજ ડોલર વધી છે.

business news reliance mukesh ambani forbes