મુંબઈની લક્ઝુરિયસ હોમ્સની માર્કેટ પર એક નજર

14 May, 2022 09:59 AM IST  |  Mumbai | Ram Prasad Padhi

બૉલીવુડની હસ્તીઓ અને ક્રિકેટરો રોકાણ માટે લક્ઝુરિયસ પ્રૉપર્ટીને મહત્ત્વ આપવા લાગ્યા છે. 

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ હાલ ભારતનું સૌથી વધુ મોંઘું શહેર છે. રિયલ એસ્ટેટના વિશ્વમાં સૌથી વધુ ભાવ ધરાવતાં શહેરોમાં મુંબઈનું પણ નામ છે. તાજેતરમાં દક્ષિણ મુંબઈ, બાંદરા, જુહુ અને પવઈમાં એક ચોરસ ફુટના એક લાખ રૂપિયા કરતાં વધુના ભાવ થયેલા હાઈ પ્રોફાઇલ રિયલ એસ્ટેટ સોદાઓને કારણે હાલ આ મહાનગર સમાચારોમાં ચમકી રહ્યું છે. ધનાઢ્ય વ્યક્તિઓએ પોતાની જીવનશૈલીને અનુરૂપ ખરીદી કરી છે. 
નોંધનીય છે કે કોરોના રોગચાળા પછી લક્ઝરી ઘરનાં વેચાણમાં વેગ આવ્યો છે. જોકે રેડી ટુ મૂવ ઇન લક્ઝરી હોમ્સની કમી છે. આ સમસ્યાનો હલ લાવવા માટે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુલ્સ, કૉર્પોરેટ જગતના માંધાતાઓ જે પ્રોજેક્ટ પૂરો થવાની તૈયારીમાં હોય એમાં ખરીદી કરી રહ્યા છે. બૉલીવુડની હસ્તીઓ અને ક્રિકેટરો રોકાણ માટે લક્ઝુરિયસ પ્રૉપર્ટીને મહત્ત્વ આપવા લાગ્યા છે. 
કોરોના રોગચાળાએ રિયલ એસ્ટેટ માર્કેટને વેગ પૂરો પાડ્યો છે, જે બીજી કોઈ કટોકટી પૂરો પાડી શકી નથી. તાતા સન્સના ચૅરમૅન એન. ચંદ્રશેખરને પેડર રોડ પર ૬૦૦૦ ચોરસ ફુટનો ડુપ્લેક્ષ ખરીદ્યો છે. અત્યાર સુધી તેઓ ત્યાં દર મહિનાના ૨૦ લાખ રૂપિયાના ભાડે રહેતા હતા. તેમણે ચૂકવેલી કિંમતના આધારે ભાવ કાઢીએ તો દરેક ચોરસ ફુટના ૧.૬૦ લાખ રૂપિયા થાય છે. તાજેતરના ભૂતકાળમાં આ સૌથી મોંઘા સોદાઓમાંનો એક છે. આ જ રીતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણીએ મુંબઈના બિઝનેસ ડિસ્ટ્રિક્ટ - બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ૫૫ કરોડ રૂપિયામાં અપાર્ટમેન્ટની ખરીદી કરી છે. 
અહીં એ પણ જણાવવાનું કે મહારાષ્ટ્ર સરકારે સ્ટેમ્પ ડ્યૂટીમાં કરેલા ઘટાડાને પગલે ઘણા મોટા પ્રમાણમાં મુંબઈમાં પ્રૉપર્ટીના સોદા થયા હતા. જોકે ત્યાર બાદ પણ સારા એવા પ્રમાણમાં અમુક સેગ્મેન્ટમાં ઘરાકી ચાલી રહી છે. 
મુંબઈમાં લક્ઝરી હોમ્સની માગ પાછળનાં મુખ્ય પરિબળો :
૧. લોકેશન 
દરેક વ્યક્તિને પૉશ વિસ્તારમાં રહેવાનું ગમતું હોય છે. જોકે દરેક જણને એ જગ્યાઓ પરવડતી નથી. આવામાં જેમની પાસે સગવડ હોય એ લોકો પોતાના મનગમતા વિસ્તારમાં ઊંચા ભાવ આપીને પણ જગ્યા ખરીદવા તૈયાર થઈ જાય છે. મુંબઈમાં અલ્ટામાઉન્ટ રોડ, મલબાર હિલ, વરલી સીફેસ વગેરે જેવા પૉશ વિસ્તાર છે.
૨. આવકમાં વૃદ્ધિ
આવક વધે ત્યારે સહજ છે કે દરેકને પોતાના જીવનધોરણમાં સુધારો કરવાનું મન થાય. આ જ વાત પ્રૉપર્ટીના ઊંચા ભાવે થતા સોદાઓને લાગુ પડે છે. લોકોને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવામાં પણ રુચિ હોય છે. એક જગ્યા કાઢીને તેનાથી મોટી જગ્યા ખરીદવાનું ચલણ પહેલેથી જ ચાલતું આવ્યું છે. 
૩. મોટાં ઘરની બોલબાલા 
મહેલ જેવું ઘર હોય એ દરેકની મનોકામના હોય છે. આથી જ લોકો પ્રાઇવેટ હોમ થિયેટર, અલાયદો સ્ટડી રૂમ, ઑફિસ રૂમ, લાઇબ્રેરી વગેરે સુવિધાઓ સાથેનાં મોટાં ઘર પસંદ કરે છે. તાજેતરનાં વર્ષોમાં ડેવલપરો ત્રણથી છ હજાર ચોરસ ફુટનાં સુપર હોમ્સ બનાવવા લાગ્યા છે.
૪. વિશિષ્ટતા 
મોટી હસ્તીઓ તથા ધનકુબેરોને પોતાના રહેઠાણની જગ્યા અનેક રીતે વિશિષ્ટ હોય એ ગમતું હોય છે. આવાં ઘરની સંખ્યા ઘણી ઓછી હોય છે તેથી માગની સામે પુરવઠો ઓછો હોવાથી ભાવ વધારે રહે છે. આવાં ઘરોને મંદી નડતી નથી.
૫. ભાડાંની ઊંચી આવક 
કોઈ વ્યક્તિ દર મહિને ૨૦ લાખ રૂપિયાનું ભાડું આપતી હોય એવી કલ્પના તમે ક્યારેય કરી હતી? એન. ચંદ્રશેખરન તેનું ઉદાહરણ છે. સુપર પ્રીમિયમ સેગ્મેન્ટમાં ભાડાંના ઘરની માગ પણ વધારે છે. એચએનઆઇ આવાં ઘરમાં રોકાણ કરતા હોય છે. તેઓ પોતે રહેવા માટે વાપરી શકતા નહીં હોવાથી તે ભાડે ચડાવી દે છે. 
છેલ્લે એટલું કહેવાનું કે લક્ઝુરિયસ પ્રૉપર્ટીમાં રોકાણ કરવાનું આસાન નથી. આથી રિયલ્ટર તેમાં મદદરૂપ થઈ શકે છે.

business news