વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શરૂ કરેલી વેચવાલીને પગલે બજારમાં મોટો કડાકો

28 January, 2021 11:19 AM IST  |  Mumbai | Mumbai correspondent

વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શરૂ કરેલી વેચવાલીને પગલે બજારમાં મોટો કડાકો

તસવીર સૌજન્ય જાગરણ

આગામી પહેલી ફેબ્રુઆરીએ બજેટમાં એવાં કેટલાંક પગલાં ભરવામાં આવી શકે છે, જે વિદેશી સંસ્થાકીય રોકાણકારો તથા દેશના ઉદ્યોગો માટે આકરાં હોઈ શકે છે. આ ધારણાને પગલે શૅરબજારમાં હવે મંદીવાળાઓને જોર લાગવા માંડ્યું હોય એમ ઇન્ડેક્સ આ સપ્તાહે સતત બીજા દિવસે અને છેલ્લાં ચાર સત્રમાં ઘટ્યો છે. બુધવારે સેન્સેક્સમાં ૯૩૭.૬૬ પૉઇન્ટ (૧.૯૪ ટકા)નો અને નિફ્ટી૫૦ ઇન્ડેક્સમાં ૨૭૧.૪૦ (૧.૯૧ ટકા)નો ઘટાડો આવતાં ઇન્ડેક્સ અનુક્રમે ૪૭,૪૦૯.૬૬ અને ૧૩,૯૬૭.૫૦ બંધ રહ્યા હતા.
ભારતીય કંપનીઓનાં ડિસેમ્બર ક્વૉર્ટરનાં પરિણામો અત્યાર સુધી મિશ્ર સ્વરૂપનાં રહ્યાં છે અને શૅરબજાર ઘટે એટલાં નબળાં નથી, પરંતુ બજેટ પહેલાં જ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ વેચવાલી શરૂ કરવા ઉપરાંત સ્વદેશી રોકાણકારોએ ઉપલા મથાળે પ્રૉફિટ-બુકિંગ કરવાનું વલણ અપનાવતાં બજાર સતત ઘટી રહ્યું છે. બુધવારે એનએસઈ પર વિદેશી સંસ્થાકીય અને પોર્ટફોલિયો રોકાણકારોએ નેટ ૧૬૮૮.૨૨ કરોડ રૂપિયાની વેચવાલી કરી હોવાનું પ્રારંભિક આંકડાઓ પરથી જાણવા મળ્યું હતું.
એફએમસીજીને બાદ કરતાં બધાં ક્ષેત્રોમાં ઘટાડો
દેશમાં કોરોના રોગચાળાની પ્રતિકૂળતા ઘટી છે, પરંતુ વિદેશોમાં હજી વાતાવરણ પ્રોત્સાહક નથી. અમેરિકામાં નવા પ્રમુખ જો બાઇડને હજી આર્થિક પૅકેજ જાહેર કર્યું નથી. એ પૅકેજ જાહેર કરવામાં વિલંબ થવાની સંભાવનાને અનુલક્ષીને પણ બજારમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. એની અસર એશિયન બજારો પર પડતાં એમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. એને પગલે બુધવારે એફએમસીજી ક્ષેત્રને બાદ કરતાં બધાં જ ક્ષેત્રોમાં વેચવાલી થઈ હતી અને ભારતીય સેન્સેક્સમાં છેલ્લાં ચાર સત્રોમાં ૨૨૦૦ પૉઇન્ટ કરતાં વધુ ઘટાડો નોંધાયો છે. ઘટેલા અને વધેલા સ્ટૉક્સનો ગુણોત્તર બજારમાં પ્રૉફિટ-બુકિંગ થયાનું દર્શાવે છે. બુધવારે બીએસઈ પર ૬ શૅર વધ્યા હતા અને ૨૪ ઘટ્યા હતા. એનએસઈ પર ૧૨ શૅરમાં વૃદ્ધિ અને ૩૮ શૅરમાં ઘટાડો નોંધાયો હતો.
રિલાયન્સમાં ૨.૨૯ ટકાનો ઘટાડો
વધુ વેઇટેજ ધરાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલા ઘટાડાની અસર ઇન્ડેક્સ પર વર્તાઈ હતી. રિલાયન્સના સ્ટૉકમાં ૨.૨૯ ટકાનો ઘટાડો થતાં બંધ ભાવ ૧૮૯૫.૨૫ રહ્યો હતો. આ ઉપરાંત ખાનગી બૅન્કો અને કેટલાક આઇટી સ્ટૉક્સમાં ઘટાડો થયો હતો. બીએસઈ પર ઍક્સિસ બૅન્ક (૪.૦૫ ટકા), એચડીએફસી બૅન્ક (૩.૬૦ ટકા), ઇન્ડસઇન્ડ બૅન્ક (૩.૬૧ ટકા), આઇસીઆઇસીઆઇ બૅન્ક (૨.૯૪ ટકા) અને કોટક બૅન્ક (૧.૮૪ ટકા) ભાવ ઘટ્યા હતા. ઘટેલા ટેક્નૉલૉજી શૅરમાં ટીસીએસ (૦.૮૯ ટકા) અને ઇન્ફોસિસ (૧.૫૮ ટકા) સામેલ હતા. એ ઉપરાંત ટાઇટન (૩.૮૮ ટકા), એચડીએફસી (૩.૩૩ ટકા), એશિયન પેઇન્ટ (૩.૧૩ ટકા), મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા (૩.૧૧ ટકા), સન ફાર્મા (૨.૮૬ ટકા), ડૉ. રેડ્ડીઝ (૩.૪૧ ટકા) મુખ્ય ઘટનારા સ્ટૉક્સ હતા.
સેન્સેક્સમાં ઇન્ટ્રાડે ધોરણે ૧૧૧૭.૬૫ પૉઇન્ટનો ઉતાર-ચડાવ
સેન્સેક્સ ઇન્ટ્રાડે ધોરણે ૪૮,૩૮૭.૨૫ની ઊપલી અને ૪૭,૨૬૯.૬૦ની નીચલી સપાટીએ રહ્યો હતો. આમ, ૧૧૧૭.૬૫ પૉઇન્ટનો ઉતાર-ચડાવ આવ્યો હતો, જે બજારની નર્વસનેસ દર્શાવે છે. નિફ્ટી૫૦ ઇન્ડેક્સ નવા વર્ષમાં પહેલી વાર ૧૪,૦૦૦ની નીચે પહોંચી ગયો છે.
એનએસઈ પર ટોચના વધનારા સ્ટૉક્સ ટેક મહિન્દ્રા (૨.૬૨ ટકા), એસબીઆઇ લાઇફ (૨.૩૪ ટકા), વિપ્રો (૨.૦૦ ટકા), આઇટીસી (૧.૪૨ ટકા) અને અલ્ટ્રાટેક સિમેન્ટ (૧.૧૫ ટકા) હતા. ઘટનારા મુખ્ય સ્ટૉક્સ તાતા મોટર્સ (૪.૪૪ ટકા), તાતા સ્ટીલ (૪.૨૮ ટકા), ટાઇટન (૪.૧૯ ટકા), ઇન્ડસઇન્ડ બૅન્ક (૪.૦૨ ટકા) અને હિન્દાલ્કો (૩.૯૭ ટકા) હતા.
નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ૩.૦૫ ટકા પડ્યો
નિફ્ટી મિડ કૅપ ઇન્ડેક્સ પણ ૧.૮૫ ટકા ઘટ્યો હતો. એની સામે નિફ્ટી સ્મૉલ કૅપ૧૦૦ ઇન્ડેક્સ ૦.૧૫ ટકા વધ્યો હતો. વૉલેટિલિટી ઇન્ડેક્સ ૪.૯૩ ટકા વધીને ૨૪.૩૯ પર પહોંચ્યો હતો. એનએસઈ પર સેક્ટોરલ ઇન્ડાઇસિસમાંથી નિફ્ટી પાઇવેટ બૅન્ક ૩.૦૫ ટકા, નિફ્ટી બૅન્ક ૨.૯૩ ટકા, નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ ૨.૭૭ ટકા, નિફ્ટી મેટલ ૨.૫૨ ટકા, નિફ્ટી રિયલ્ટી ૨.૧૭ ટકા, નિફ્ટી ઑટો ૨.૧૪ ટકા, નિફ્ટી ફાર્મા ૨.૦૪ ટકા અને નિફ્ટી પીએસયુ બૅન્ક ૧.૫૨ ટકા હતા. એક માત્ર વધનાર ઇન્ડેક્સ નિફ્ટી એફએમસીજી (૦.૩૦ ટકા) હતો.
માર્કેટ કૅપમાં ૨.૬૩ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો
બીએસઈ પર માર્કેટ કૅપ ૧૯૨.૨૬ લાખ કરોડથી ઘટીને બુધવારે ૧૮૯.૬૩ લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું હતું. આમ, રોકાણકારોની સંપત્તિમાં ૨.૬૩ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો. બીએસઈ પર સેક્ટોરલ ઇન્ડાઇસિસમાંથી બેઝિક મટીરિયલ્સ ૧.૬૨ ટકા, સીડીજીએસ ૧.૯૩ ટકા, એનર્જી ૨.૧૦ ટકા, ફાઇનૅન્સ ૨.૭૨ ટકા, હેલ્થકૅર ૧.૬૮ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૦.૫૯ ટકા, આઇટી ૦.૪૪ ટકા, ટેલિકૉમ ૧.૬૬ ટકા, યુટિલિટીઝ ૧.૧૫ ટકા, ઑટો ૨.૧૧ ટકા, બૅન્કેક્સ ૨.૯૩ ટકા, કૅપિટલ ગુડ્સ ૦.૪૧ ટકા, કંઝ્યુમર ડ્યુરેબ્લસ ૧.૬૬ ટકા, મેટલ ૨.૫૪ ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ ૨.૦૫ ટકા, પાવર ૦.૯૦ ટકા, રિયલ્ટી ૨.૨૮ ટકા અને ટેક ૦.૭૫ ટકા ઘટ્યા હતા. બીએસઈના ‘એ’ ગ્રુપની ૧ કંપનીને ઊપલી અને ૫ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી, જ્યારે ‘બી’ ગ્રુપની ૨૨ કંપનીઓને ઊપલી અને ૩૦ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રુપની ૫૩૪ કંપનીઓમાંથી ૨૨૭ કંપનીઓને ઊપલી અને ૩૦૭ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.
બજાર કેવું રહેશે?
દેશના કેન્દ્રીય બજેટની પહેલાં જ મોટો ઘટાડો આવ્યો એ અસામાન્ય લક્ષણ હોવાનું વિશ્લેષકોનું કહેવું છે. આના પરથી તેમનું કહેવું છે કે બજાર હજી ઘટી શકે છે. નિફ્ટીને ૧૪,૧૦૦ અને ૧૪,૨૦૦ની સપાટીએ રેઝિસ્ટન્સ નડે છે. નીચામાં પહેલાં ૧૩,૮૫૦ અને પછી ૧૩,૭૭૨નો મોટો સપોર્ટ છે. બજારમાં આજની તારીખે નાણાંની પ્રવાહિતાની સ્થિતિએ ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે. જો પ્રવાહિતામાં ઘટાડો આવશે તો વૈશ્વિક બજારોમાં તીવ્ર ઘટાડો આવી શકે છે અને એને પગલે ભારતીય બજાર પણ ઘટી શકે છે.

business news