ઝી એન્ટરટેઈનમેન્ટમાં માલિક પોતાનો અંકુશ ગુમાવશે: 16.5% હિસ્સો વેચશે

21 November, 2019 11:18 AM IST  |  Mumbai

ઝી એન્ટરટેઈનમેન્ટમાં માલિક પોતાનો અંકુશ ગુમાવશે: 16.5% હિસ્સો વેચશે

સુભાષચંદ્ર

ભારતમાં ખાનગી ટીવી ચૅનલમાં સૌથી પહેલી સ્થાપના કરનાર સુભાષચંદ્ર પોતાની સૌથી મોટી કંપની ઝી એન્ટરટેઈનમેન્ટમાં વધુ ૧૬.૫ ટકા હિસ્સો વેચી રહ્યા છે. આ હિસ્સો વેચી દીધા પછી પ્રોમોટર ચંદ્ર અને તેના એસ્સેલ ગ્રુપનો હિસ્સો કંપનીમાં માત્ર પાંચ ટકા રહી જશે. 

ઝી એન્ટરટેઈનમેન્ટમાં પ્રોમોટર પોતાનો ૧૬.૫ ટકા હિસ્સો નાણાકીય રોકાણકારોને વેચી રહી હોવાની જાહેરાત આજે કંપનીએ કરી હતી. પ્રોમોટર જૂથ દ્વારા કંપનીના શૅર ગિરવે મૂકી લોન લેવામાં આવી છે. જૂથની આ લોન ભરપાઈ કરવામાં અને તેની શાખ બચાવવા માટે આ હિસ્સો વેચવામાં આવી રહ્યો છે. આ વ્યવહારમાં કંપની ચીનની ઓએફઆઇ ચાઇના ફંડને પણ ૨.૩ ટકા હિસ્સો વેચી રહી છે. આ ઉપરાંત જૂથ હજી પણ દેવું પરત કરવા માટે મીડિયા અને અન્ય બિઝનેસમાં હિસ્સો વેચી શકે છે.

અગાઉ ગ્રુપે ઝી એન્ટરટેઈનમેન્ટમાં ૧૧ ટકા હિસ્સો વેચી ૪૨૨૪ કરોડ રૂપિયા ઊભા કર્યા હતા. સપ્ટેમ્બરની શૅરહોલ્ડિંગ અનુસાર કંપનીમાં પ્રમોટર પાસે ૨૨.૩૭ ટકા હિસો છે જેમાંથી ૯૬ ટકા શૅર ગિરવે મૂકવામાં આવેલા છે.

એક અંદાજ અનુસાર એસ્સેલ જૂથ ઉપર લગભગ ૧૭,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું છે જેમાંથી ૧૧,૦૦૦ કરોડની રકમ નોન બૅન્કિંગ કંપનીઓ અને અન્ય ફંડ્સ પાસે છે જ્યારે બાકીનાં લેણાં બૅન્કોના છે. આ મહિનાની શરૂઆતમાં ઇન્વેસકો ગ્રુપને હિસ્સો વેચી ડેટા પ્રમોટર ઉપર હવે લગભગ ૭૦૦૦ કરોડ રૂપિયાનું દેવું બાકી છે જેમાંથી ૫૦૦૦ કરોડ રૂપિયા હજુ પણ ભારતીય ફન્ડસ કે બૅન્કોના છે.

business news