આર્થિક પરિબળોની મજબૂતી વિના બજાર માત્ર વધ-ઘટ કરે મજબૂત ન બની શકે

18 November, 2019 12:34 PM IST  |  Mumbai | Jayesh Chitaliya

આર્થિક પરિબળોની મજબૂતી વિના બજાર માત્ર વધ-ઘટ કરે મજબૂત ન બની શકે

માર્કેટ

ઔદ્યોગિક ઉત્પાદન ડાઉન, ફુગાવો અપ, આર્થિક ફન્ડામેન્ટલ્સ નબળાં, સરકારનાં પગલાંની અસર નહીંવત્ અથવા દૂર, યુએસ-ચીનની ટ્રેડ-વૉરનો વિવાદ હજી લટકતો, મૂડીઝ તરફથી ભારતનું રેટિંગ આઉટલૂક નેગેટિવ, જીડીપી ગ્રોથ અંદાજ ડાઉન વગેરે જેવા નકારાત્મક માહોલ વચ્ચે માર્કેટ પાસે ઝાઝી આશા રાખી શકાય એમ નથી છતાં બજાર એકંદરે ઊંચું છે એથી એનો લાંબો ભરોસો ન થઈ શકે.

ગયા સપ્તાહની શરૂઆત નેગેટિવ થઈ, આમ પણ બજાર વધુ પડતું વધી ગયું હોવાની સ્થિતિ જણાતી હતી. આગલા શુક્રવારે પણ બજાર નેગેટિવ બંધ રહ્યું હતું, જેનું કારણ ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે રેટિંગ આઉટલૂક નેગેટિવ કર્યું હોવાનું કારણ હતું. સોમવારે એશિયન માર્કેટની નબળાઈને પરિણામે ભારતીય માર્કેટમાં મંદ મૂડ હતો. જોકે વધ-ઘટ બાદ અંતમાં નિફટી માત્ર પાંચ પૉઇન્ટ અને સેન્સેક્સ ૨૧ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. સોમવારે સાંજે ઔદ્યોગિક ઉત્પાદનના નબળા આંકડા જાહેર થયા હતા, જે છેલ્લાં આઠ વર્ષમાં સૌથી નીચા હતા. ઇકૉનૉમી સ્લો ડાઉનનો આ એક વધુ નક્કર પુરાવો ગણી શકાય. મંગળવારે બજાર ગુરુનાનક જયંતી નિમિત્તે બંધ રહ્યું હતું.  બુધવારે બજારમાં પ્રૉફિટ-બુકિંગને પરિણામે સેન્સેક્સ ૨૨૯ પૉઇન્ટ અને નિફટી ૭૩ પૉઇન્ટ નીચે ઊતરી ગયા હતા. યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પના ચીન સાથેના સંભવિત કરારમાં ટૅરિફ વિશેના  નિવેદનને કારણે ગ્લોબલ સ્ટૉકસ તૂટ્યા હતા. ટ્રમ્પે જો ચીન એના કરાર સાથે સહમત નહીં થાય તો ટૅરિફ એકદમ વધારી દેવાની જાહેરાત કરી હતી. દરમ્યાન રૂપિયો ડૉલર સામે તૂટીને ૭૨ થઈ ગયો હતો.

માર્કેટ પાસે ફિકર છે, ટ્રિગર નથી

બુધવારની સાંજે રીટેલ મોંઘવારીના આંકડા જાહેર થયા હતા, જેમાં ઇન્ફ્લેશન વધીને ૪.૫ ટકા પહોંચી ગયો હતો. ખાસ કરીને અનાજ અને શાકભાજીના વધી ગયેલા ભાવની અસરરૂપે આમ થયું હતું. આગામી ૬ મહિનામાં રીટેલ ઇન્ફ્લેશન ૩.૫થી ૩.૭ ટકા આસપાસ રહેવાની ધારણા મુકાય છે. જોકે ક્રૂડનો ભાવ બૅરલદીઠ  ૬૫થી ૭૦ ડૉલર રહેવાને આધીન આમ થઈ શકે. ફુગાવાની આ સ્થિતિ વચ્ચે પણ ગ્રોથના નીચા દરને ધ્યાનમાં રાખી રિઝર્વ બૅન્કે વ્યાજદરમાં કાપ મૂકવાની ફરજ પડશે એમ જણાય છે. ગુરુવારે બજાર સતત વૉલેટાઇલ રહીને અંતમાં સેન્સેક્સ ૧૭૦ પૉઇન્ટ પ્લસ અને નિફ્ટી ૩૧ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. શુક્રવારે બજાર સતત વધ-ઘટ કરતું રહી આખરમાં સાધારણ પ્લસ બંધ રહ્યું હતું. સેન્સેક્સ ૭૦ પૉઇન્ટ અને નિફટી ૨૩ પૉઇન્ટ પ્લસ  સાથે અનુક્રમે ૪૦૩૫૬ અને ૧૧૮૯૫ બંધ રહ્યા હતા. જોકે ઊંચામાં ૨૨૫ પૉઇન્ટ ઉપર  જઈ સેન્સેક્સ પાછો ફર્યો હતો. બજાર વધુ ઊંચે જતાં પ્રૉફિટ-બુકિંગ આવી જાય છે. અર્થાત્ આ લેવલે અથવા હજી ઘટીને ક્યાંક બજાર સ્થિર થાય એવા સંકેત ગણાય. અલબત્ત માર્કેટ પાસે કોઈ ટ્રિગર નથી. સરકારનાં પગલાં જ કંઈક બૂસ્ટ આપી શકે. જોકે સરકારી જાહેરાતોથી દોરવાઈ જઈ વધતા બજારમાં તણાઈ જવાથી સાવચેત રહેવું, કારણ કે આર્થિક પરિબળોની મજબૂતી વિના બધું જ અધૂરું રહેશે.

વિદેશી ઇન્વેસ્ટરોનો ટ્રેન્ડ

વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય માર્કેટમાં નેટ બાયર થઈ ગયા છે, ખાસ કરીને છેલ્લા બે મહિનાથી તેઓ સક્રિય ખરીદદાર રહ્યા છે. નવેમ્બરમાં તેમણે ૬૨ કરોડ ડૉલરની ખરીદી કરી, જ્યારે ઑક્ટોબરમાં બે અબજ ડૉલરની ખરીદી કરી હતી, જે માર્ચ પછીની શ્રેષ્ઠ ખરીદી હતી. આ ગ્લોબલ ઇન્વેસ્ટરો ભારતીય માર્કેટને ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે વધુ પસંદ કરે છે, પરંતુ સાવચેતી સાથે આગળ વધવા માગે છે. તેમને હજી નોંધપાત્ર આર્થિક સુધારાની આશા છે. બીજી બાજુ ભારતીય મ્યુચ્યુઅલ ફન્ડ્સે સપ્ટેમ્બરની તુલનાએ ઑક્ટોબરમાં માર્કેટમાં ઓછું રોકાણ કર્યું હતું. 

આર્થિક મંદીના વધુ નક્કર પુરાવા

ઔદ્યોગિક ઉત્પાદનના નિરાશાજનક આંકડાએ વધુ જોરપૂર્વક સાબિત કર્યું છે કે દેશમાં આર્થિક વિકાસની ગતિવિધિ મંદ પડી છે. ૮ વર્ષનો આ સૌથી મોટો ઘટાડો છે. આ આંકડા સ્પષ્ટ કહે છે કે જીડીપી ગ્રોથનો દર પાંચ ટકા જેવો નીચો રહે તો નવાઈ નહીં. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં એ પાંચ ટકાની નીચે પણ જઈ શકે છે. જોકે ૨૦૨૦માં એ ૫.૫૦થી ૬ ટકા સુધી રિવાઇવ થવાની આશા વ્યક્ત થાય છે. ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના જીડીપી દરનો અંદાજ ૨૦૧૯ માટે ઘટાડીને ૫.૬ ટકા મૂક્યો છે. હાલના સંજોગોમાં ગ્રોથ રેટના નીચા સ્તરને ધ્યાનમાં રાખી રિઝર્વ બૅન્ક પર રેટ કટનું વધુ દબાણ આવી શકે છે. અર્થાત્ ડિસેમ્બરમાં રેટ કટ આવવાની શક્યતા પાક્કી ગણવી. ઉત્પાદનનો ઘટાડો આર્થિક નબળાઈના સ્પષ્ટ સંકેત આપે છે. મેક ઇન ઇન્ડિયાની વાત તો બાજુએ રહી, આ તો બૅડ અને સૅડ ઇન ઇન્ડિયા સાબિત થઈ રહ્યું છે. ક્યાંક ચોક્કસ સરકારની નીતિઓમાં ક્ષતિ જણાય છે, જેના વિના આ સંભવ નથી. આમાં ગ્લોબલ મંદીની અસરને પણ ગણતરીમાં લેવી પડે છતાં આપણા દેશના અથતંત્ર માટે હાલ સારા સંકેત નથી. ઇકૉનૉમી સ્લો ડાઉનનો વધુ એક નક્કર પુરાવો ઑક્ટોબરમાં પાવરની ડિમાન્ડમાં થયેલો ૧૩ ટકાનો ઘટાડો પણ છે. વધુમાં લેટેસ્ટ આંકડા મુજબ વપરાશકારના ખર્ચમાં ચાર દાયકા બાદ ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ગ્રામ્ય વપરાશમાં ૮.૮ ટકા જેટલો ઘટાડો થયો છે, જ્યારે શહેરી વપરાશમાં બે ટકા જેટલી વૃદ્ધિ થઈ છે. નાણાપ્રધાને તાજેતરમાં ફરી એક વાર કબૂલ્યું હતું કે દેશની સામે અનેક ગંભીર આર્થિક પડકાર છે. આ સમજીને રોકાણકાર ધીરજ અને સંયમ સાથે આગળ વધે એ જ સલાહભર્યું છે. અલબત્ત સરકારના તાજેતરનાં અમુક પગલાંને પરિણામે અમુક સેક્ટરમાં રિવાઇવલના સંકેત દેખાવાનું જસ્ટ શરૂ થયું છે, પણ દિલ્હી દૂર છે!

ખાસ યાદ રાખવા જેવી વાત

એક વાત એ પણ નોંધવા જેવી છે કે માર્કેટમાં મંદીવાળા તરફથી બજાર તૂટશે એવી ધારણા સાથે શૉર્ટ સેલ થાય છે, પણ મોદી સરકાર તરફથી અચાનક કંઈક પ્રોત્સાહક જાહેરાત (માત્ર જાહેરાત) આવી જતાં ટ્રેન્ડ બદલાઈ જાય છે, જેમાં શૉર્ટ સેલર્સે કવર કરવા ખરીદી માટે દોડવું પડે છે. હાલ પણ માર્કેટ જે રીતે ચાલે છે એમાં નવી જાહેરાત-પ્રોત્સાહનની આશા વધુ કામ કરી રહી છે.

નાની-મોટી જાણવા જેવી વાત

શૅરબજારમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગનો ખર્ચ ઘટે એ દિશામાં પગલાં લેવાનું નિયમનકાર સેબી વિચારે છે. બ્રોકર્સ અને ટ્રેડર્સ બન્નેના ખર્ચમાં ઘટાડો થવાની આશા રાખી શકાય.

નાણાં ખાતાએ સંભવતઃ પહેલી વાર  પ્રત્યક્ષ અને પરોક્ષ વેરાના ફેરફાર સંબંધી વેપાર-ઉદ્યોગ જગત પાસેથી સૂચનો માગ્યાં છે. અર્થાત્ સરકાર પોતાની કરવેરાની આવક ન ઘટે એ મુજબનું માળખું ઇચ્છે છે. મંદ અર્થતંત્રને ઉગારવાનો આ પણ એક પ્રયાસ છે.

મ્યુચ્યુઅલ ફન્ડ્સના માધ્યમથી થતું એસઆઇપી રોકાણ ઑક્ટોબરમાં ૩.૨ ટકા વધ્યું હોવાનું નોંધાયું છે, જે નાના રોકાણકારોના નિયમિત અને લાંબા ગાળાના રોકાણના અભિગમનો નિર્દેશ કરે છે.

પિરામલ ગ્રુપ આગામી માર્ચ સુધીમાં બજારમાંથી ૩૦૦૦ કરોડ રૂપિયા જેટલું ભંડોળ ઊભું કરવાનું લક્ષ્ય રાખે છે.

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા એની સબસિડિયરી એસબીઆઇ કાર્ડ્સમાંથી પોતાનો માઇનૉરિટી સ્ટેક વેચીને ૮૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાની દરખાસ્ત ધરાવે છે. 

લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશને પીએનબી હાઉસિંગ ફાઇનૅન્સમાં ૨૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

લેબર મિનિસ્ટ્રીએ મુદ્રા યોજના હેઠળ ધિરાણમર્યાદા વધારવા નાણાં મંત્રાલયને વિનંતી કરી છે, જેથી રોજગારસર્જનમાં વૃદ્ધિ થઈ શકે.

પોતાના–કંપનીના શૅર્સ ગીરવી મૂકી નાણાં ઊભાં કરવાનાં નિયમો-ધોરણો કડક કરાતાં પ્રમોટર્સ માટે હવે ધિરાણ મેળવવાનું મુશ્કેલ બની રહ્યું છે.

પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશન અને રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કૉર્પોરેશન બન્ને નિગમો માર્કેટમાંથી ૧૦-૧૦ હજાર કરોડ રૂપિયા ઊભા કરવાની યોજના ધરાવે છે.

સમજવા જેવી વાત

સરકાર કોઈ  પૉઝિટિવ જાહેરાત કરે અને માર્કેટ જબ્બર વધે તો તરત તેજી માની લેવી નહીં. કોઈ  એકાદ નેગેટિવ કારણસર માર્કેટ જબ્બર ઘટે તો તરત મંદી માની લેવી નહીં. આવી ઘટનાને સમજીને ખરીદવાની અથવા વેચવાની તક બનાવવી.

business news sensex nifty