નવા વર્ષે રોકાણ વિષયક કઈ-કઈ બાબતોને ધ્યાનમાં રાખશો?

06 January, 2020 03:30 PM IST  |  Mumbai Desk | khyati mashroo vasaani

નવા વર્ષે રોકાણ વિષયક કઈ-કઈ બાબતોને ધ્યાનમાં રાખશો?

૧. દેખાદેખી કરવી નહીં

ઍપલ કંપનીના સ્ટીવ જૉબ્સ કહી ગયા છે કે આ જીવન ઘણું ટૂંકું છે. બીજાની દેખાદેખી કરીને સમયનો બગાડ કરવો નહીં. વર્તમાન સમયમાં ઘણા લોકો બીજાઓના જીવનમાં શું ચાલી રહ્યું છે એના પર વધુ ધ્યાન આપવા લાગ્યા છે. લોકો બીજાની દેખાદેખી કરીને પોતાના ઘરમાં વણજોઈતી વસ્તુઓ વસાવી લેતા હોય છે. ખરી રીતે તો દરેકે પોતાના જીવનનાં લક્ષ્યો સ્પષ્ટપણે કાગળ પર લખીને એની પ્રાપ્તિ માટે દિલોજાનથી પ્રયાસ કરવાની જરૂર હોય છે. એ લક્ષ્યોમાં લગ્ન, સંતાનોનું શિક્ષણ, ઘરની ખરીદી વગેરેનો સમાવેશ થાય છે.
૨. તાકીદની સ્થિતિમાં કામ લાગે એવું ભંડોળ રાખવું
જીવનમાં ખરાબમાં ખરાબ કઈ પરિસ્થિતિ આવી શકે છે એનો વિચાર કરીને એને પહોંચી વળવા માટેની આર્થિક જોગવાઈ કરી રાખવી જોઈએ. તાકીદની પરિસ્થિતિમાં લોકોને અચાનક મોટી રકમની જરૂર પડી શકે છે. આથી દરેક પરિવારના ત્રણથી છ મહિના સુધીના ખર્ચ જેટલી રકમ ફિક્સ્ડ ડિપોઝિટ, લિક્વિડ ફંડ વગેરે જેવી પ્રવાહિતા ધરાવતી ઍસેટ્સમાં રોકીને રાખવી જોઈએ જેથી તાકીદના સમયે એનો ઉપયોગ કરી શકાય. દર મહિનાના મેઇન્ટેનન્સ, વીમાનાં પ્રીમિયમ, શિક્ષણની ફી વગેરે જેવી રકમ પણ ત્રણથી છ મહિનાના સમયગાળા માટે આ જ રીતે ભેગી કરીને રાખી શકાય છે.
૩. બૅન્ક-સ્ટેટમેન્ટની સમીક્ષા કરવી
નાણાકીય બાબતોની ગ્રાહકો સાથેની ચર્ચામાં હું નવા વર્ષના સંકલ્પો પણ નક્કી કરાવું છું. તેઓ પોતાના પરિવારનું દર મહિનાનું બજેટ બનાવવાનું નક્કી કરે છે, પરંતુ થોડા દિવસ વીતે કે તરત જ એ સંકલ્પ ભૂલી જાય છે અને વધુપડતો ખર્ચ કરી દેતા હોય છે. દરેક વ્યક્તિએ દર મહિને પોતાનાં બૅન્ક-ખાતાંના સ્ટેટમેન્ટ ચકાસી લેવાં જોઈએ. પરિવારમાં જરૂરિયાતો પાછળ કેટલો અને ઇચ્છાઓ પાછળ કેટલો ખર્ચ થાય છે એ બૅન્ક-સ્ટેટમેન્ટનો અભ્યાસ કરવાથી જાણી શકાય છે. જાતે બનાવેલા બજેટને અનુસરવાનો અર્થ એવો નથી કે માણસે જીવનનો આનંદ માણવો જ નહીં. ઇચ્છાઓને મર્યાદામાં રાખીને પણ જીવનનો આનંદ માણી શકાય છે. દા.ત. દર વીક-એન્ડમાં બહાર જમવા જવાને બદલે એક વીક-એન્ડમાં ઘરમાં જમી લો તો આશરે ૨૦૦૦ રૂપિયા બચી જાય. આ બે-બે હજાર રૂપિયાનું ૧૫ વર્ષ માટે ડાઇવર્સિફાઇડ ઇક્વિટી સ્કીમમાં રોકાણ કરવામાં આવે તો છેલ્લે ૧૦,૦૯,૧૫૨ રૂપિયા ભેગા થઈ જાય (અહીં ૧૨ ટકાનું વળતર અંદાજવામાં આવ્યું છે). આ જ રકમ તમને સંતાનના શિક્ષણ માટે ઉપયોગી થઈ શકે છે.
૪. વીમો રોકાણ નથી
પરિવારની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત બનાવી લેવી જોઈએ. સ્વજનોને બીજી તકલીફો આવી શકે છે, પરંતુ નાણાકીય તકલીફ આવે નહીં એનું ધ્યાન તમે રાખી શકો છો. પરંપરાગત વીમા યોજનાઓના પ્રચાર માટે બોલાતા-કહેવાતા ‘ગૅરન્ટિડ’, ‘એશ્યૉર્ડ’ અને ‘મની બૅક’ જેવા શબ્દોથી ભરમાઈ જવું જોઈએ નહીં. આવા શબ્દોને કારણે પ્લાન આકર્ષક લાગતા હોય છે, પરંતુ તમે ગણતરી માંડો તો એમાં પાંચ ટકા કરતાં વધુ વળતર મળતું નથી. આથી પરંપરાગત પૉલિસીઓ લેવાને બદલે ટર્મ પ્લાન લેવો જોઈએ. એ ઉપરાંત તબીબી ખર્ચને પહોંચી વળવા માટે પૂરતી રકમનો મેડિક્લેમ લઈ લેવો જોઈએ. જીવન વીમો અને મેડિક્લેમ બન્નેનો ઉદ્દેશ પરિવારની આર્થિક સ્થિતિને અનિશ્ચિત પરિસ્થિતિઓમાં બગડતી અટકાવવાનો છે. ફરી એક વાર હું અહીં કહી દઉં છું કે જીવન વીમાને રોકાણનું સાધન ગણવો નહીં.
5. ધીરજવાન બનો
નાણાકીય લક્ષ્યો નક્કી કર્યાં બાદ અલગ-અલગ પ્રકારની ઍસેટમાં રોકાણ કરી લેવું જોઈએ અને એ ફાળવણીને વળગી રહેવું જોઈએ. આ કામમાં ધીરજની સૌથી વધારે જરૂર પડે છે. રોકાણમાં જેટલો વધુ વિલંબ થાય એટલું નાણાકીય લક્ષ્ય સુધી પહોંચવામાં મોડું થાય છે. મોડેથી વધારે રોકાણ કરવા લાગી જાઓ તો પણ વહેલાસરના રોકાણ જેટલું વળતર મળી શકે નહીં, કારણ કે રોકાણને ‘સમય આપવો’ ઘણો જરૂરી છે. (ઉપરના બંને બૉક્સ જુઓ આ વાત સમજવા)
૬. આંધળુકિયું રોકાણ કરવું નહીં
આપણે સાવ નાની વસ્તુ ઑનલાઇન મગાવી હોય, પણ જ્યાં સુધી એ હાથમાં આવે નહીં ત્યાં સુધી આપણને સંતોષ થતો નથી. જો એક નાની વસ્તુ માટે આપણે આટલા બધા ચિંતિત હોઈએ તો રોકાણની બાબતે કેમ કોઈકની ટિપ કે કોઈ સમાચાર પર આંધળો વિશ્વાસ મૂકીએ છીએ? રોકાણના આપણા નિર્ણયોની અસર આખા જીવન પર પડતી હોય છે. આથી એમાં ભરપૂર સાવચેતી અને સમજણ રાખવી જરૂરી છે. વીમો હોય, શૅર હોય, મ્યુચ્યુઅલ ફંડ કે બૅન્ક ડિપોઝિટ હોય, આપણે પૂરતી જાણકારી લીધા બાદ જ ખરીદી કરવી જોઈએ.
૭. યોગ્ય વૈવિધ્યકરણ
રોકાણ હંમેશાં વૈવિધ્યપૂર્ણ હોવું જોઈએ એવું કહેવાય છે, પરંતુ એ વિવિધતા પણ યોગ્ય હોવી જોઈએ. આથી પોતાનાં નાણાકીય લક્ષ્યો અને રોકાણને લગતી માનસિકતાના આધારે રોકાણનાં સાધનો પસંદ કરવાં જોઈએ.
તમે સૌ વાચકો નવા વર્ષે રોકાણનાં સમજદારીપૂર્વકનાં પગલાં ભરો એવી શુભેચ્છા.

business news