લક્ષ્ય આધારિત રોકાણ કર્યું હશે તો બજારની ચંચળતા વધુ અસર નહીં કરે

04 November, 2019 03:13 PM IST  |  મુંબઈ | વેલ્થ મૅનેજમેન્ટ - ખ્યાતિ મશરૂ

લક્ષ્ય આધારિત રોકાણ કર્યું હશે તો બજારની ચંચળતા વધુ અસર નહીં કરે

શૅર બજાર

જહાજ ઊપડે તેની પહેલાં જ ખલાસીને ખબર હોવી જોઈએ કે તેણે ક્યાં પહોંચવાનું છે. આ જ રીતે રોકાણ શરૂ કરતાં પહેલાં રોકાણકારને ખબર હોવી જોઈએ કે એ રોકાણ કરવા પાછળનું તેમનું લક્ષ્ય શું છે.

વર્તમાન સમયમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) મારફતે રોકાણ કરવામાં આવે છે. એ રોકાણ પણ પોતાનાં વિવિધ નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને કરવામાં આવવું જોઈએ. લક્ષ્ય સ્પષ્ટ હોય તો બજારની ચંચળતાની વધુ અસર થતી નથી.
અહીં જણાવવું રહ્યું કે ઘણા લોકો જાહેરખબરો જોઈને અને જિજ્ઞાસા ખાતર એસઆઇપીમાં રોકાણ કરવા લાગી જાય છે. થોડા વખત પછી પોર્ટફોલિયોમાં રોકાણનું મૂલ્ય ઘટેલું જોઈને ચિંતિત થઈ જાય છે અને એ નાણાં ઉપાડી લે છે. આવી સ્થિતિમાં તેમને નુકસાન થઈ જાય છે. એને કારણે એમને ધારણા બંધાઈ જાય છે કે શૅરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં નુકસાન જ થાય છે.

બીજી બાજુ કેટલાક રોકાણકારો બજાર ઊંચે જવા લાગે ત્યારે વધુ રોકાણ કરવા લાગી જાય છે અને શક્ય છે કે ભવિષ્યમાં એ રોકાણ ઓછું થઈ જાય. આ સ્થિતિમાં પણ તેમને નુકસાન થવાનું જોખમ વધારે હોય છે.

ખરી રીતે તો બજારને પોતાના વશમાં કરવાને બદલે પોતાના લક્ષ્યને અનુરૂપ રોકાણ કરવામાં જ સાર છે.

રોકાણના લક્ષ્યના આધારે તેની મુદત નક્કી થાય છે. એ ઉપરાંત રોકાણ કરવા માટેની ઍસેટ્સ, રોકાણના સાધનનો પ્રકાર વગેરેનો પણ નિર્ણય તેના આધારે જ લેવાય છે.

લાંબા ગાળે સંપત્તિસર્જન કરવા માટે લાંબી મુદતનું રોકાણ હોવું જોઈએ. સ્થાનિક અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે બજારમાં જોખમો વધી ગયાં છે, પરંતુ જો પોતાનું લક્ષ્ય નક્કી હોય તો એ જોખમની અસર ઓછી કરી શકાય છે.

યાદ કરો, સેન્સેક્સ ૧૦ જાન્યુઆરી, ૨૦૦૮ના રોજ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો અને પછી એ જ વર્ષે ઑક્ટોબર સુધીમાં તો ૬૪ ટકા ઘટીને ૭૬૯૭ પૉઇન્ટ સુધી ગયો હતો. વૈશ્વિક નાણાકીય કટોકટીને લીધે આવું બન્યું હતું. એ સ્થિતિમાં, એટલે કે ઘટેલી બજારમાં તમે ૧ ઑક્ટોબર, ૨૦૦૮ના રોજ ૧૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં તેનું મૂલ્ય વધીને ૧૩,૨૦,૦૦૦ અને ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ ૨૪,૮૨,૬૫૦ રૂપિયા થઈ ગયું હોત (સ્રોતઃ ઇન્ડેક્સ ફંડ સ્કીમ).

બજારમાં ઘણી ચંચળતા હોય ત્યારે એસઆઇપી મારફતે રોકાણ કરવામાં ભલાઈ છે, કારણ કે દર મહિને થોડી-થોડી રકમનું રોકાણ કરીને રૂપી એવરેજિંગનો લાભ લઈ શકાય છે. તેનો અર્થ એવો થાય કે સંબંધિત મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની એનએવી (નેટ ઍસેટ વેલ્યુ) વધે તો ઓછાં યુનિટ મળે અને એનએવી ઘટે તો વધુ યુનિટ મળે. બીજા શબ્દોમાં કહીએ તો, બજાર ઘટે ત્યારે તમે વધુ યુનિટ મેળવો છો અને બજાર વધે ત્યારે ઓછાં યુનિટ મળે છે. આમ, તમે બજારની સ્થિતિનો મહત્તમ લાભ લીધો કહેવાય.

રોકાણ કરતી વખતે આ પ્રકારની કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ

૧ ઈક્વિટી કે તેને સંબંધિત પ્રોડક્ટ્સમાં રોકાણ કરો ત્યારે ટૂંકા ગાળામાં લાભ રળવાનું ભૂલી જવું જોઈએ.
૨ બજાર ઘટવા લાગે ત્યારે એસઆઇપીના માસિક હપ્તા બંધ કરવા જોઈએ નહીં.
૩ એસઆઇપીમાં રૂપી કોસ્ટ એવરેજિંગ લાગુ પડે છે તેથી તેનું મહત્ત્વ ઓછું ગણવું નહીં.
૪ ફક્ત વળતરની પાછળ દોડવું નહીં.
૫ હંમેશાં ઍસેટ ઍલોકેશન કરવું, અર્થાત્ વિવિધ પ્રકારની ઍસેટ્સમાં રોકાણ ફાળવવું. બધું જ રોકાણ એક જ પ્રકારની ઍસેટમાં કરવું નહીં.
૬ અનુભવી અને નિષ્ણાત રોકાણ સલાહકારની મદદ લેવી.

business news sensex nifty bombay stock exchange national stock exchange