રિલાયન્સ જિયોને જોડાણ નહીં આપવા બદલ વોડાફોન, ઍરટેલ, આઇડિયાને દંડ

18 June, 2019 09:17 AM IST  |  નવી દિલ્હી

રિલાયન્સ જિયોને જોડાણ નહીં આપવા બદલ વોડાફોન, ઍરટેલ, આઇડિયાને દંડ

દેશમાં ફોર-જી સર્વિસ લૉન્ચ વખતે રિલાયન્સ જિયોને ઇન્ટરકનેક્શન નહીં આપવામાં દોષી ઠરેલા ભારતી ઍરટેલ, વોડાફોન અને આઇડિયાને દંડ ફટકારવા માટે ટેલ‌િકૉમ ક્ષેત્રના સૌથી મોટા ડિજિટલ કમ્યુનિકેશન કમ‌િશને મંજૂરી આપી છે. જોકે ટેલિકૉમ ક્ષેત્રની કંપનીઓની નાણાકીય હાલત અત્યારે ગંભીર હોવાથી આ કંપનીઓ પર કેટલો દંડ વસૂલવો એ નક્કી કરવા માટે કમિશને ટેલ‌િકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઇ) પાસેથી અભિપ્રાય માગ્યો છે.

અગાઉ, ટ્રાઇ દ્વારા ઑક્ટોબર ૨૦૧૬માં આ કંપનીઓ પાસેથી જિયોને જોડાણ નહીં આપવા બદલ ૩૦૫૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલવાનો આદેશ કર્યો હતો. આ દંડમાંથી ઍરટેલ અને વોડાફોન દરેકે ૧૦૫૦ કરોડ અને આઇડિયાને ૯૫૦ કરોડ રૂપિયાનો દંડ ભરવા માટે આદેશ થયો હતો. આ પછી વોડાફોન અને આઇડિયાનું મર્જર થઈ ગયું છે. ગ્રાહકોને બહુ સમસ્યા થઈ શકે એવી ગણતરી સાથે ટ્રાઇ દ્વારા ત્રણેય કંપનીઓનું લાઇસન્સ રદ્દ નહીં કરવાનો નિર્યણ લેવામાં આવ્યો હતો.

રિલાયન્સ જિયોની ફરિયાદ હતી કે આ ત્રણ કંપનીઓ પૉઇન્ટ ઑફ ઇન્ટરકનેક્શન (એક નેટવર્કમાંથી બીજા નેટવર્ક પર જોડાણ) નહીં આપી રહ્યા હોવાથી જિયોના નેટવર્ક પર, જ્યારે બહારથી કોઈ ફોન આવે તો ૭૫ ટકા કેસમાં એ જોડાઈ શકતો નથી અને ડ્રૉપ થઈ જાય છે.

આ પણ વાંચોઃ Airtel ને પછાડી Reliance Jio બન્યું બાદશાહ

દરમ્યાન, કમિશનના એક સેક્રેટરીની એવી દલીલ હતી કે રિલાયન્સ જિયો પર પણ પેનલ્ટી લાદવી જોઈએ, કારણ કે એ પણ ગ્રાહકને પોતાની સર્વિસ આપવામાં નિષ્ફળ ગઈ છે. જિયો પોતાની જવાબદારીમાંથી છટકીને બીજા ઉપર દોષનો ટોપલો ઢોળી રહી છે. જોકે કમિશને આ દલીલ માન્ય રાખી નથી. 

business news vodafone idea airtel reliance