અમેરિકા-ચીન : બુધવારે થનારા ટ્રેડ ઍગ્રીમેન્ટ પૂર્વે સોના-ચાંદીમાં નરમાઈ

14 January, 2020 09:19 AM IST  |  Mumbai

અમેરિકા-ચીન : બુધવારે થનારા ટ્રેડ ઍગ્રીમેન્ટ પૂર્વે સોના-ચાંદીમાં નરમાઈ

અમેરિકા-ચીન વચ્ચે બુધવારે ફર્સ્ટ ફેઝના ટ્રેડ ઍગ્રીમેન્ટ થવાનું નક્કી થતાં એશિયન સ્ટૉક માર્કેટ અને ડૉલરની તેજીને કારણે સોના-ચાંદીમાં નરમાઈ જોવા મળી હતી. ગયા સપ્તાહના અંતે અમેરિકાના જૉબડેટા ઘણા નબળા આવતાં સોના-ચાંદીનો ઘટાડો મર્યાદિત રહ્યો હતો. મુંબઈ માર્કેટમાં સોનું ૩ રૂપિયા ઘટ્યું હતું, તો ચાંદી ૮૫ રૂપિયા સુધરી હતી.
વિદેશી પ્રવાહો
અમેરિકા-ચીન વચ્ચે બુધવારે ફર્સ્ટ ફેઝના ટ્રેડ ઍગ્રીમેન્ટ થવાની જાહેરાતને પગલે એશિયન સ્ટૉક માર્કેટ વધીને ૧૯ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા અને ડૉલર પણ સુધર્યો હતો. ચીનનું ડેલિગેશન હાલમાં અમેરિકાના પ્રવાસે હોવાથી બન્ને દેશ વચ્ચે અનેક મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. બન્ને દેશો હાલના ટ્રેડ ડિસ્પ્યુટનું નિરાકરણ કરવા માટે સેમી ઍન્યુઅલ બિઝનેસ સમિટ યોજવા સંમત થયા હતા. આ ઉપરાંત અનેક મુદ્દાઓ પર પૉઝિટિવ ચર્ચાઓ થઈ હોવાથી અમેરિકન ડૉલર પણ સુધર્યો હતો. એશિયન સ્ટૉક માર્કેટ અને ડૉલર સુધરતાં સોનું ઘટ્યું હતું. વીતેલા સપ્તાહ દરમ્યાન સોનું ૦.૭ ટકા સુધર્યું હતું. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તનાવ ઓછો થયા બાદ સોના પર હાલમાં ટ્રેડ ઍગ્રીમેન્ટ થવાની અસર વધુ જોવા મળી રહી છે.
ઇકૉનૉમિક ફૅક્ટર
ચીન મંદીની પકડમાંથી હજી બહાર આવ્યું નથી. ચીનમાં વેહિકલ સેલ્સ ૨૦૧૯માં ૮.૨ ટકા ઘટ્યા બાદ ચાઇના અસોસિએશન ઑફ ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચર્સનું માનવું છે કે ૨૦૨૦માં વેહિકલ સેલ્સ બે ટકા આસપાસ ઘટી શકે છે. ચીને ઍમિશન સ્ટાન્ડર્ડમાં ફેરફાર કર્યા હોવાથી એની પણ અસર વેહિકલ સેલ્સ પર પડી રહી છે. અમેરિકામાં ડિસેમ્બરમાં ૧.૪૫ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી, જે નવેમ્બરમાં ૨.૫૬ લાખ અને ટ્રેડની ધારણા ૧.૬૪ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની હતી. ગયા મે મહિના પછી સૌથી ઓછી નવી નોકરીઓ ઉમેરાઈ હતી. અમેરિકામાં વર્કરોનાં વેતન ડિસેમ્બરમાં ૦.૧ ટકા વધ્યાં હતાં જે નવેમ્બરમાં ૦.૩ ટકા અને ટ્રેડની ધારણા પણ ૦.૩ ટકા વધારાની હતી. અમેરિકાનો જૉબલેસ રેટ ડિસેમ્બરમાં ૫૦ વર્ષના તળિયે ૩.૫ ટકાએ જળવાયેલો હતો. અમેરિકાની હોલસેલ ઇન્વેન્ટરી નવેમ્બરમાં ૦.૧ ટકા ઘટી હતી. ચીનના વેહિકલ સેલ્સ અને અમેરિકાના જૉબડેટા પ્રમાણમાં નબળા હોવાથી હજી સોનાના ભાવ આવનારા દિવસોમાં વધી શકે છે એવા સંકેત આપતા હતા.
ભાવિ રણનીતિ
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ઍગ્રીમેન્ટ થયા બાદ બન્ને દેશો અને વર્લ્ડના બાકીના દેશોની ઇકૉનૉમી પર આ ટ્રેડ ઍગ્રીમેન્ટની શું અસર થાય છે એ જોયા બાદ સોનાનું ભાવિ નક્કી થશે, પણ ઇકૉનૉમિક ડેટા જ્યારે પણ નબળા આવશે ત્યારે સોનામાં ઊભરા જેવા ઉછાળા જોવા મળશે. ટેક્નિકલ ટીમનું માનવું છે કે સોનામાં ૧૫૪૬ ડૉલરે રેઝિસ્ટન્સ મળવાની ધારણા છે. જો લેવલ તૂટશે તો સોનું ઝડપથી ઘટીને ૧૫૨૪ ડૉલર થશે.

બજેટમાં સોનાની ઇમ્પોર્ટ-ડ્યુટી ચાર ટકા ઘટાડવા કૉમર્સ મિનિસ્ટ્રીની દરખાસ્ત
બજેટ નજીક આવતાં સોનાની ઇમ્પોર્ટ-ડ્યુટી ઘટવા વિશેની ચર્ચા ટ્રેડમાં શરૂ થઈ ચૂકી છે. ગયા બજેટમાં નાણાપ્રધાને સોનાની ઇમ્પોર્ટ-ડ્યુટી અઢી ટકા વધારીને ૧૨.૫ ટકા કરી હતી, જેને કારણે ૨૦૧૯માં ભારતની સોનાની ઇમ્પોર્ટ ૧૨ ટકા ઘટી હતી તેમ જ ગોલ્ડ જ્વેલરીની એક્સપોર્ટ પણ નોંધપાત્ર ઘટી હોવાથી કૉમર્સ મિનિસ્ટ્રી દ્વારા નાણામંત્રાલયને સોનાની ઇમ્પોર્ટ-ડ્યુટીમાં ચાર ટકા ઘટાડો કરવાની દરખાસ્ત મુકાઈ છે. સોનાની ઇમ્પોર્ટ ડિસેમ્બરમાં ઘટીને ૩૯ ટન નોંધાઈ હતી જે નવેમ્બરમાં ૧૫૨ ટન થઈ હતી. વૅલ્યુ પ્રમાણે એપ્રિલ-નવેમ્બરમાં ભારતની સોનાની ઇમ્પોર્ટ ૨૦.૫૭ અબજ ડૉલરની થઈ હતી જે ગયા વર્ષે આ સમયગાળામાં ૨૨.૧૬ અબજ ડૉલર હતી.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૩૯,૭૫૭
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૩૯,૫૯૮
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૪૬,૨૬૫
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news