મોદી સરકાર નહીં આવે તો બજાર ૧૫ ટકા સુધી ઘટી શકે એવો યુબીએસનો મત

17 May, 2019 11:08 AM IST  |  મુંબઈ

મોદી સરકાર નહીં આવે તો બજાર ૧૫ ટકા સુધી ઘટી શકે એવો યુબીએસનો મત

ભારતીય શૅરબજાર છેલ્લા થોડા દિવસોથી લોકસભાની ચૂંટણીનાં પરિણામો અને વૈશ્વિક પરિબળો અંગેના અનિશ્ચિત વાતાવરણથી નરમ છે ત્યારે એવી આગાહી કરવામાં આવી છે કે જો નરેન્દ્ર મોદીના નેતૃત્વની એનડીએ સરકાર ફરીથી સત્તા ઉપર નહીં આવે તો બજારમાં ૧૦થી ૧૫ ટકા સુધીનો ઘટાડો સંભવ છે.

વૈશ્વિક બૅન્ક યુબીએસના ભારત ખાતેના રિસર્ચ હેડ ગૌતમ છાછોરિયા અને બૅન્કના અન્ય ઍનૅલિસ્ટ દીપોજિત સહા અને રોહિત અરોરાએ આ અહેવાલ તૈયાર કર્યો છે. તેમના મતે ૨૦૦૪ અને ૨૦૦૯માં બજારની ધારણા કરતાં વિપરીત પરિણામ આવ્યાં ત્યારે બજારમાં મોટો વધારો કે ઘટાડો જોવા મળ્યો હતો.

યુબીએસના મતે ભારતીય જનતા પાર્ટી જો સૌથી મોટા પક્ષ તરીકે આવશે તો નિફ્ટી પાંચથી દસ ટકા વધી શકે છે અને તે એપ્રિલ, ૨૦૧૯ની સવર્‍કાલીન ઊંચી સપાટી ઓળંગી શકે તેમ છે. જો ભાજપ અને એનડીએ બન્ને મળી ૨૫૦થી વધુ બેઠકો મેળવે તો નિફ્ટીમાં પાંચ ટકાનો વધારો શક્ય છે. જોભાજપ અને એનડીએ ૨૫૦થી ઓછી બેઠકો મેળવે તો બજારમાં તીવ્ર વધઘટ જોવા મળશે અને આવી સ્થિતિ નવી સરકાર સત્તા મેળવે ત્યાં સુધી જોવા મળશે.

આ પણ વાંચોઃ ૨૦૨૧ સુધીમાં ૫૦ ટકા સ્માર્ટફોનમાં ત્રણ કે તેથી વધારે કૅમેરા હશે

બજારમાં એક સપ્તાહથી વધારાના સમય માટે આગાહી કરીએ તો અત્યારે વળતર સામે જોખમ વધારે છે. ચૂંટણી પછી બજાર નાણાખાધ કેટલી રહે છે, ધારણા કરતાં તે કેટલી વધારે છે તેના આધારે આગામી ચાલ નક્કી કરશે, એમ આ રિસર્ચમાં જણાવાયું છે.

જોકે, બજારમાં મોટા ભાગના લોકો એનડીએ ફરી સત્તા ઉપર આવશે એવી આશા રાખી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં બેઠકો ઘટે તો પણ સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની જ આવશે એવી તેમની ધારણા છે.

business news narendra modi