ગ્લોબલ પરિબળોની બોલબાલામાં ભારતીય બજારમાં તેજીનો ટ્રેન્ડ

23 December, 2019 01:05 PM IST  |  Mumbai | Jayesh Chitalia

ગ્લોબલ પરિબળોની બોલબાલામાં ભારતીય બજારમાં તેજીનો ટ્રેન્ડ

ભારતીય શેર બજાર

યુએસએ-ચીન, બ્રિટન, બ્રેક્ઝિટ વગેરે સમાન ગ્લોબલ મુદ્દાઓ ઘણેખરે અંશે સ્પષ્ટ થતાં વૈશ્વિક બજારોએ આગલા સપ્તાહમાં સુધારાનો ટ્રેન્ડ દર્શાવ્યો હતો. એમાં વળી ભારતીય આર્થિક ક્ષેત્રે ધરખમ સુધારા આવવાની આશાએ ઉમેરો કર્યો હતો. જોકે ગયા સોમવારે બજારે સાધારણ વધ-ઘટ સાથે સામાન્ય ઘટાડો નોંધાવ્યો હતો. ખરેખર તો આગલા સપ્તાહના સતત વધારા બાદ કરેક્શન અપેક્ષિત હતું. બજાર વધુ એક વાર ૪૧ હજારને પાર કરી ગયા બાદ પ્રૉફિટ-બુકિંગ આવ્યું હતું. સેન્સેક્સ ૭૧ પૉઇન્ટ અને નિફટી ૩૩ પૉઇન્ટ ઘટીને બંધ રહ્યા હતા, જેમાં નિફ્ટી ૧૨ હજારની ઉપર ટકી રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ ૪૧ હજારની નીચે ઊતરી ગયો હતો. મોંઘવારીનો દર હજી ઊંચો રહેવાના ભયને પરિણામે નફો બુક થયો હતો. આમ પણ હાલ માર્કેટ મુખ્યત્ત્વે ગ્લોબલ સંકેતોથી વધ્યું હતું, સ્થાનિક સ્તરે કોઈ પૉઝિટિવ ટ્રિગર બજાર પાસે નહોતું, જેને લીધે બજારને ઊંચે ટકી રહેવાનું કઠિન છે.

નાણાપ્રધાનનાં આશાવાદી નિવેદન
મંગળવારે નાણાપ્રધાનનાં લાંબા અને આશાવાદ આપતાં નિવેદનની અસર બજાર પર છવાઈ ગઈ હતી, જેને કારણે બજારે શરૂઆત જ ઉછાળા સાથે કરી હતી. આ ઉછાળો સેન્સેક્સને ૪૧૩ પૉઇન્ટ અને નિફ્ટીને ૧૧૧ પૉઇન્ટ ઉપર લઈ જઈ તેણે બન્ને ઇન્ડેકસની નવી વિક્રમી ઊંચી સપાટી બનાવી હતી. મંગળવારે ફોરેન ઇન્વેસ્ટરોની પણ ૧૨૦૦ કરોડની ઉપર લેવાલી રહી હતી. યુએસ-ચીનની પૉઝિટિવ અસર હજી ચાલુ રહી હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે કરેલા નિવેદન મુજબ સરકાર બજેટમાં ઘણાં સુધારા-રાહત-પ્રોત્સાહન લાવશે. જેમાં મૂડીબજાર માટે પણ ખાસ વેરારાહતો વિચારણા હેઠળ છે. આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રકચર, રિઅલ એસ્ટેટ, નિકાસ, સ્થાનિક ઉત્પાદન એકમોના હિતની જાળવણી જેવા મુદ્દા સામેલ હશે. ખાસ કરીને ઈક્વિટી સંબંધી કેપિટલ ગેઈન ટૅકસની રાહત વિશે વિચાર થાય છે જે બે વરસ પહેલાં નાબૂદ કરાઈ હતી. હવે નાણાં ખાતું ત્રણ વરસથી વધુ સમય માટે શૅર ધરાવી રાખનારને કેપિટલ ગેઈન ટૅકસની રાહત આપવાનું વિચારે છે, આ સાથે એક વિચાર તમામ રોકાણ-સાધનોને કેપિટલ ગેઈન બાબતે સમાન રાહત આપવાનો પણ થઈ રહ્યો છે. આમ એકંદરે આર્થિક વિકાસ, ઉત્પાદન, ખર્ચ અને મૂડીબજાર અંગેની કરરાહતો વિચારાઈ રહી હોવાનું જણાતા બજારને મંગળવારે મોટું બુસ્ટ મળી ગયું હતું. આ દિવસે યુએસ અને ચીન સહિતનાં વિવિધ બજારોમાં પણ ઉછાળો જોવાયો હતો. ભારતીય બજારમાં વોલેટિલિટી ઇન્ડેકસ પાંચ મહિનાની નીચી સપાટીએ ગયો હતો એ પણ નોંધવું રહ્યું.

ટૅક્સ કલેક્શન ડાઉન છતાં માર્કેટ અપ
બુધવારની શરૂઆત જીએસટી કાઉન્સિલની બેઠકને ધ્યાનમાં રાખી સાવચેતી સાથે થઈ હતી. જેમાં કોઈ અસાધારણ ફેરફારની જાહેરાત થઈ નહોતી. જોકે શરૂમાં માર્કેટ પ્લસ અને પૉઝિટિવ ટ્રેન્ડ સાથે ખૂલ્યું હતું. બુધવારે એડવાન્સ ટૅક્સ કલેકશનના આંકડા જાહેર થયા હતા, જે મુજબ ઑક્ટોબર-ડિસેમ્બર કવાર્ટરના કલેક્શનમાં પાંચ ટકાથી વધુ ઘટાડો થયો હતો, જે ઈકૉનૉમી સ્લોડાઉનની સાક્ષી પૂરે છે, જ્યારે કે વ્યક્તિગત ટૅક્સ કલેક્શન સાધારણ વધ્યું હતું. ઓવરઓલ નેટ કલેક્શન માત્ર ૦.૭ ટકા વધ્યું હતું. જોકે માર્કેટમાં સુધારાનો દોર ચાલુ રહેતા સેન્સેક્સ ૨૦૬ પૉઇન્ટ અને નિફટી ૫૬ પૉઇન્ટ પ્લસ સાથે નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યા હતા. અલબત્ત, માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી. બૅન્ક સ્ટૉક્સ પણ તૂટયા હતા.

તેજી ટકવાનો વધતો આશાવાદ
ગુરુવારે બજારનો સુધારો ગ્લોબલ કારણસર આગળ વધ્યો હતો. સેન્સેક્સ ૧૧૫ પૉઇન્ટ અને નિફટી ૩૮ પૉઇન્ટ વધીને નવા ઊંચા લેવલે બંધ રહ્યા હતા. યુરોપિયન માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ હતો. નવો આશાવાદ વધ્યો હોવાથી બજાર અન્ય પરિબળોની ઉપેક્ષા કરી રહ્યું હતું. હવે જે સુધારા આવશે તે ઈકૉનૉમી અને માર્કેટને વેગ આપનારા હશે એવો વિશ્વાસ વધતો રહેવાથી તેજી ટકાઉ બનતી જાય છે. ૨૦૨૦ના બીજા છમાસિક ગાળામાં માગ નીકળશે અને ઈકૉનૉમી રિવાઇવલ વેગ પકડશે એવો આશાવાદ જાયન્ટ કંપનીઓ તરફથી વ્યકત થઈ રહ્યો હોવાનું કારણ પણ તેજીનું પરિબળ બન્યું છે. વધુમાં ફોરેન ઇન્વેસ્ટરોની સતત લેવાલી પણ મજબૂત કારણ બની રહી છે. શુક્રવારે પણ બજારે સુધારાનું સાતત્ય જાળવી રાખ્યું હતું, જોકે અંત સુધીમાં માર્કેટમાં નફો બુક થવા લાગતા સહજ નેગેટિવ થયા બાદ તે સાધારણ પ્લસ સાથે બંધ રહ્યું હતું. સેન્સેક્સ એક સમયે ૪૧૮૦૦ સુધી જઈ પાછો ફર્યો હતો અને સાત પૉઇન્ટ વધીને ૪૧૬૮૧ અને નિફ્ટી ૧૨ પૉઇન્ટ વધીને ૧૨૨૭૧ બંધ રહ્યું હતું. હવેના સપ્તાહમાં વિદેશોમાં હોલીડે મૂડ શરૂ થશે. ફોરેન ઇન્વસ્ટરોની સામેલગીરી ઘટશે, જેને પગલે બજાર કરેક્શન સાથે કૉન્સોલિડેશન તરફ આગળ વધી શકે છે.

મોદી કહે છે, ભારત વધુ મજબૂત બનશે
શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિઝનેસમૅન વર્ગને સંબોધતા કહ્યું હતું કે હાલ આર્થિક ક્ષેત્રે મંદ પડેલું ભારત વધુ મજબૂત થઈને ઊભરશે. સરકાર આગામી વરસોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ૧૦૦ ટ્રિલ્યન (૧૦૦ લાખ કરોડ) રૂપિયા વાપરવાની છે, જે મોટું બુસ્ટ બની રહેશે. જ્યારે કે નાણાપ્રધાને પણ વિવિધ પગલાંના સંકેત દ્વારા આપેલો આશાવાદ હવે બજેટ સુધી ચાલશે. બજેટ બાદ લાંબા ગાળાની તેજીનો દોર શરૂ થાય એવી ધારણા રાખી શકાય. રોકાણકારો આ ધારણાને પોતાની વિવેકબુદ્ધિ સાથે સમજીને સારા ફંડામેન્ટલ્સના શૅરો જમા કરતા જાય એમાં શાણપણ છે.

ફૉરેન ઇન્વેસ્ટરોનો અભિગમ મહત્ત્વનો
ભારતીય માર્કેટ માટે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો (એફપીઆઇ)નો અભિગમ બહુ જ મહત્ત્વનો છે. એપ્રિલથી ૧૦ ડિસેમ્બર સુધીમાં આ વર્ગે ભારતીય બજારમાં ૪૬ હજાર કરોડ રૂપિયાની ઇક્વિટી અને ૨૪ હજાર કરોડની ડેટ સિક્યૉરિટીઝ ખરીદી હતી. બીજી બાજુ ભારતના રેટિંગ ડાઉનગ્રેડ થવાની શકયતાએ ચિંતા ઊભી કરી છે. મૂડીઝે તો ડાઉનગ્રેડ કર્યું જ છે, હવે એસઅૅન્ડપીએ આ દિશામાં શક્યતા દર્શાવી છે ત્યારે ફોરેન ઇન્વેસ્ટરોના અભિગમમાં ફેર પડી શકે છે. ભારતીય ઈકૉનૉમીમાં સ્લોડાઉન છે એ જગજાહેર બની ગયું છે, જેથી હવે જગત પણ ભારત સરકાર આમાંથી બહાર આવવાનાં કેવાં પગલાં લે છે તેના પર નજર રાખી બેઠું છે. જો હવે પછી ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થયું તો એફપીઆઇનો ભારતમાં રોકાણપ્રવાહ ધીમો પડી શકે, એટલું જ નહીં તેઓ નાણાં પરત ખેંચવા લાગે એવું પણ બની શકે. આને લીધે મંદીને ફેલાવાનો અવકાશ મળી શકે છે એ વાત રોકાણકારોએ ખાસ ધ્યાનમાં રાખીને ચાલવી પડશે. ૨૦૧૫-૧૬માં ફોરેન ઇન્વેસ્ટરોનાં નાણાં પાછાં ખેંચાવાને લીધે નિફ્ટી ૧૦ ટકા તૂટી ગયો હતો. એફપીઆઇ ગ્લોબલ રેટિંગ એજન્સીઓના રેટિંગને ગંભીરતાથી ધ્યાનમાં લેતા હોય છે. ભારત સામે પણ આ મોટો પડકાર છે. જોકે મંગળવારે તેઓ નેટ બાયર્સ બન્યા હતા. તેમ જ નવેમ્બરમાં તેમની ૧૨ હજાર કરોડ રૂપિયાથી વધુ ખરીદી રહી હતી, જેની સામે ડિસેમ્બરમાં ૩૦૦૦ કરોડ રૂપિયાની નેટ વેચવાલી પણ હતી.

બૅન્કોની બૅડ લોન્સની રિકવરી
બૅન્કો ટૂંક સમયમાં મોટી રકમની રિકવરી મેળવનાર છે, પ્રાપ્ત અહેવાલ મુજબ ઇન્સોલવન્સી કોડને લીધે એસ્સાર સ્ટીલ, પ્રયાગરાજ પાવર, રતન ઈન્ડિયા અને રુચિ સોયા જેવી ચાર કંપનીઓની એસેટસના વેચાણથી આ મહિનાના અંત સુધીમાં ૫૪,૦૦૦ કરોડ રૂપિયાની રિકવરી થવાની આશા છે. ૨૦૨૦માં આવી ઇન્સોલવન્સી કોર્ટમાંથી વધુ રકમની રિકવરી થવાની શકયતા ઊંચી ગઈ છે. આમ ચોક્કસ બૅન્કોની બેલેન્સશીટ મજબૂત થશે, જે બૅન્કિગ સેક્ટર અને માર્કેટ માટે ગુડ ન્યુઝ છે.

સમજવા જેવી વાત
શૅરબજારમાં રોકાણ કરવા માટે નજર ભલે વર્તમાન પર રાખો, કિન્તુ દૃષ્ટિ ભાવિ તરફ રાખીને આગળ વધો. વર્તમાન બની ગયેલી ઘટનાનું પરિણામ હોઈ શકે, જ્યારે ભાવિ બનનારી ઘટનાને ધ્યાનમાં રાખી ઘડાશે.

business news bombay stock exchange national stock exchange