ટૂર ઑપરેટર કંપની થોમસ કુકને ટૂર કૅન્સલ કરવા બદલ વળતર ચૂકવવાનો આદેશ

27 October, 2019 01:44 PM IST  |  મુંબઈ

ટૂર ઑપરેટર કંપની થોમસ કુકને ટૂર કૅન્સલ કરવા બદલ વળતર ચૂકવવાનો આદેશ

થોમસ કુક

મહારાષ્ટ્રની કન્ઝ્યુમર ફૉરમે ટૂર ઑપરેટર થોમસ કુક (ઇન્ડિયા)ને ‘સેવામાં ઊણપ’ બદલ અને ‘વેપારની ગેરવાજબી રીત’ બદલ એક શહેરીજનને ચાર લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે.

અનંત કોરડેએ પોતાના માટે, પોતાનાં માતા, પત્ની અને બે બાળકો માટે ૨૦૧૪માં ‘ગ્રૅન્ડ બાર્ગેઇન યુરોપ ટૂર’ પૅકેજ બુક કરાવ્યું હતું. કોરડેએ ૨૦૧૪ની ૨૮ મેએ શરૂ થનારી ટૂર માટે ૨,૫૦,૦૦૦ રૂપિયા ઍડ્વાન્સ પેટે ચૂકવ્યા હતા. કુલ પૅકેજ ૯,૪૦,૧૩૮ રૂપિયાનું હતું.

તેઓ યુરોસ્ટાર ટ્રેન દ્વારા લંડનથી પૅરિસ ફરવા માગતા હતા, જ્યારે કંપનીએ જણાવ્યું કે મૂળ પૅકેજ હેઠળ એ આવરી શકાશે નહીં ત્યારે કોરડેએ ટૂરના આ સેગમેન્ટ માટે વધારાની ચુકવણી કરવાની તૈયારી દર્શાવી હતી.

કોરડે યુરોસ્ટાર દ્વારા પ્રવાસ ખેડવા માટેની ગોઠવણ કરવા હોટેલ અને ટ્રેનના શૅડ્યુલની વિગતો જાણવા માગતા હતા, પણ થોમસ કુકે તેમને જાણ કરી કે હોટેલ બુકિંગની વિગતો પ્રવાસના સાત દિવસ અગાઉ જ મળી શકશે.

પછીથી કંપનીએ ગ્રુપ ટૂરમાં કોઈ ફેરફાર નહીં થઈ શકે એમ જણાવ્યું હતું અને વિઝા પ્રોસેસિંગ માટે સમય ન રહેતાં ટૂર થઈ શકી નહોતી. થોમસ કુકે ઍડ્વાન્સની સમગ્ર રકમ ચૂકવવાનો ઇનકાર કરતાં કેન્સલેશન ચાર્જ કાપીને ૧,૬૨,૩૭૪ રૂપિયાનું રિફંડ આપવામાં આવશે એમ જણાવ્યું હતું.

ત્યાર બાદ કોરડે કન્ઝ્યુમર કમિશન ગયા હતા અને સમગ્ર ઍડ્વાન્સ પરત મેળવવાની માગણી કરી હતી. કમિશને ગયા સપ્તાહે તેના આદેશમાં ટૂર ઑપરેટરને ‘ખામીયુક્ત સેવા’ બદલ દોષિત ઠેરવી હતી.

તેણે ઍડ્વાન્સની સમગ્ર રકમ ૨,૫૦,૦૦૦ રૂપિયાના નવ ટકાના વ્યાજ સાથે તથા વધારાના એક લાખ રૂપિયા પરિવારે ભોગવેલી ‘માનસિક યાતના’ તથા ફરિયાદ કરવા પાછળ તેમને થયેલા ખર્ચપેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો.

business news