સતત છ દિવસથી શૅરબજારમાં ઘટાડો

08 October, 2019 01:03 PM IST  |  મુંબઈ ડેસ્ક

સતત છ દિવસથી શૅરબજારમાં ઘટાડો

સેન્સેક્સ

મુંબઈ: સતત છઠ્ઠા દિવસે પણ ભારતીય શૅરબજાર ઘટાડાના વક્કરમાંથી બહાર નીકળી શક્યાં ન હતાં. શુક્રવારે રિઝર્વ બૅન્કે વ્યાજદરની સાથે દેશનો આર્થિક વિકાસ દરનો અંદાજ પણ ઘટાડ્યો હતો અને તેની બજાર ઉપર અસર જોવા મળી રહી હતી. જોકે, શુક્રવારના તીવ્ર ઘટાડા પછી આજે મુખ્ય શૅરઆંક મજબૂતી સાથે ખૂલ્યા હતા, પણ દશેરાની રજા પહેલાં અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર મંત્રણાની અનિશ્ચિતતા વચ્ચે સટોડિયાઓએ પોતાના ઓળિયા સીધા કરી દેતાં બજાર છેલ્લી ૪૦ મિનિટમાં સતત ઘટવાનું શરૂ થયું હતું અને આગલા બંધ કરતાં પણ ઘટીને બંધ આવ્યું હતું. આજના ઘટાડા સાથે નિફ્ટી અને સેન્સેક્સ બે સપ્તાહની નીચલી સપાટીએ પટકાયા હતા. 

બુધવારે કંપનીઓ પોતાના જુલાઈથી સપ્ટેમ્બરના ક્વૉર્ટરનાં પરિણામ જાહેર કરવાનું ચાલુ કરશે. ઇન્ડસઇન્ડ બૅન્ક અને તાતા કન્સલ્ટન્સી સર્વિસિઝ સૌથી પહેલાં પરિણામ જાહેર કરશે. બીજું ક્વૉર્ટર પણ નબળું રહે એવી બજારના વિશ્લેષકોની ધારણા છે.
આજે સેન્સેક્સ ૧૪૧.૩૩ પૉઇન્ટ કે ૦.૩૮ ટકા ઘટી ૩૭૫૩૧.૯૮ અને નિફ્ટી ૪૮.૩૫ પૉઇન્ટ કે ૦.૪૩ ટકા ઘટી ૧૧૧૨૬.૪૦ની સપાટી ઉપર બંધ આવ્યા હતા. છેલ્લા છ દિવસમાં સેન્સેક્સ ૩.૭૪ ટકા અને નિફ્ટી ૩.૮૬ ટકા ઘટીને બંધ આવ્યા હતા. આ છ દિવસમાં રોકાણકારોની સંપત્તિ ૬,૧૯,૭૭૧ કરોડ રૂપિયા ઘટી છે જેમાં સોમવારના ૯૨,૧૭૯ કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧ સેક્ટર માત્ર ત્રણ જ વૃદ્ધિ સાથે બંધ આવ્યા હતા. ફાર્મા ઇન્ડેક્સ સૌથી વધુ ઘટ્યો હતો અને મીડિયા ઇન્ડેક્સ સૌથી વધુ વધ્યો હતો. એક્સચેન્જ ઉપર ૧૬ કંપનીઓના શૅર બાવન સપ્તાહની નવી ઊંચી સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૧૮૭ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૮૭ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૫૦માં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ ઉપર ૩૯ કંપનીઓના શૅર બાવન સપ્તાહની નવી ઊંચી સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૧૭૯ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૪૦ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૩૩૨માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મોલ કૅપ ઇન્ડેક્સ ૦.૨૪ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૭૫ ટકા ઘટ્યા હતા.
ફાર્મા કંપનીઓમાં ભારે વેચવાલી
ફાર્મા કંપનીઓમાં અમેરિકન ડ્રગ રેગ્યુલેટર તરફથી કેટલીક કંપનીઓને ચેતવણીઓ મળી હોવાથી ભારે વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ આજે ૩.૩૫ ટકા ઘટ્યો હતો.
ઓરોબિંદો ફાર્માના શૅર આજે ૧૯.૧૬ ટકા ઘટ્યા હતા જે કંપનીના એક જ દિવસના શૅરના ભાવમાં આઠ વર્ષમાં નોંધાયેલો સૌથી મોટો ઘટાડો છે. કંપનીના શૅર આજે રૂ. ૪૫૮.૫૦ ઉપર બંધ આવ્યા હતા. કંપનીના તેલંગણા ખાતેના એક પ્લાન્ટમાં ઉત્પાદન સમયે પ્રક્રિયા, દસ્તાવેજો અને સફાઈ યોગ્ય રીતે નથી જાળવવામાં આવી રહી એવી ચેતવણી અમેરિકન ડ્રગ રેગ્યુલેટર યુએસએફડીએ આપી હોવાના અહેવાલના કારણે શૅરમાં કડાકો બોલ્યો હતો. આવી જ રીતે હિમાચલ પ્રદેશના પોતના બડ્ડી એકમમાં ચેતવણી પત્ર મળ્યો હોવાથી ગ્લેનમાર્ક ફાર્માના શૅર ૯.૩૦ ટકા ઘટી રૂ. ૨૮૬.૩૦ ઉપર બંધ આવ્યા હતા. લુપીનના શૅર ૨.૫૯ ટકા ઘટી રૂ. ૬૬૮.૮૦ની સપાટીએ બંધ આવ્યા હતા. આવી જ રીતે ડૉ. રેડ્ડીઝના શૅર પણ ૦.૧૫ ટકા ઘટ્યા હતા.
સૌથી મૂલ્યવાન ૧૦ કંપનીઓમાં એક પણ સરકારી નહીં
દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં એક પણ જાહેર ક્ષેત્રની કંપનીઓ હવે ટૉપ ટેનમાં રહી નથી. કૅલેન્ડર વર્ષ ૨૦૧૯ના પ્રથમ નવ મહિનામાં આ સરકારી કંપનીઓના શૅરના ભાવમાં જોવા મળેલા ઘટાડાના કારણે હવે એક પણ કંપની આ યાદીમાં રહી નથી. દેશની સૌથી મોટી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ગત સપ્તાહ સુધી આ યાદીમાં ટકી રહી હતી હવે તેના શૅરમાં પણ ઘટાડો થતાં અને અન્ય કંપનીઓના ભાવમાં આવેલી વૃદ્ધિના કારણે હવે તે પણ બાકાત થઈ ગઈ છે. દેશની ટોચની ૧૦ કંપનીઓમાં રિલાયન્સ, ટીસીએસ, એચડીએફસી બૅન્ક, હિન્દુસ્તાન યુનીલીવર, એચડીએફસી, ઇન્ફોસીસ, આઇટીસી, કોટક મહિન્દ્રા, આઇસીઆઇસીઆઇ બૅન્ક અને બજાજ ફાઇનૅન્સનો સમાવેશ થાય છે. કૅલેન્ડર વર્ષ ૨૦૧૯માં બીએસઈ ઉપર પબ્લિક સેક્ટર કંપનીઓનો ઇન્ડેક્સ ૯.૫ ટકા ઘટ્યો છે જ્યારે સેન્સેક્સ ચાર ટકા વધ્યો છે.
આ ઇન્ડેક્સ જાન્યુઆરી ૨૦૦૮માં સર્વકાલીન ઊંચી સપાટીએ હતો ત્યારે સ્ટેટ બૅન્ક, ઓએનજીસી, એનટીપીસી, એનએમડીસી અને એમએમટીસી એમ પાંચ કંપનીઓ ટોચની ૧૦ની યાદીમાં હતી. હવે ઓએનજીસી ૧૭મા ક્રમે, એનટીપીસી ૨૫, એનએમડીસી ૮૫ અને એમએમટીસી ૪૧૯મા ક્રમે છે. ૨૦૦૮થી શુક્રવાર સુધીમાં પીએસયુ ઇન્ડેક્સ ૪૧ ટકા ઘટ્યો છે, સેન્ક્સેક્સ ૮૨ ટકા વધ્યો છે.
માઇક્રોસૉફ્ટ હિસ્સો ખરીદશે એવી આશાએ યસ બૅન્ક વધ્યો
મૂડી ઊભી કરવા માટે સતત પ્રયત્નશીલ અને સામે રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં વ્યાપક ધિરાણના કારણે ઘટી રહેલા યસ બૅન્કના શૅર આજે ૮.૧૯ ટકા વધી રૂ. ૪૫.૬૦ની સપાટીએ બંધ આવ્યા હતા. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર બૅન્ક પોતાની ૧૫ ટકા મૂડી ટેકનૉલૉજી ક્ષેત્રની
દિગ્ગજ માઇકોસૉફ્ટને વેચી શકે
છે. આ અહેવાલના કારણે બૅન્કના શૅરમાં ઉછાળો આવ્યો હતો. જોકે, બૅન્કે સત્તાવાર રીતે આવા અહેવાલ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર
કર્યો હતો.
અશોક લેલેન્ડમાં કડાકો
કમર્શિયલ વેહિકલ ક્ષેત્રે દેશની બીજા ક્રમની કંપની અશોક લેલેન્ડના શૅર આજે ૫.૫૧ ટકા ઘટીને બંધ આવ્યા હતા. કંપનીએ ઑક્ટોબરમાં પણ પોતાના પ્લાન્ટ બેથી ૧૫ દિવસ બંધ રાખવાની જાહેરાત કરતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આવી જ રીતે ઑટો પાર્ટ્સ બનાવતી જર્મન કંપની બૉશના શૅર પણ ૧.૮૩ ટકા ઘટી ગયા હતા કારણ કે કંપનીએ ડિસેમ્બર સુધી પોતાના પ્લાન્ટ દર મહિને ૧૦ દિવસ બંધ રાખવાની જાહેરાત કરી હતી.
નીચલા મથાળેથી ઝીમાં ઉછાળો
ઝી એન્ટરટેઈનમેન્ટના શૅરમાં આજે વ્યાપક વેચવાલી હતી, પણ દિવસના અંતે એટલી જ મોટી ખરીદીના કારણે શૅર શુક્રવારના બંધ કરતાં વધીને બંધ આવ્યા હતા. કંપનીના પ્રમોટર એસ્સેલ મીડિયાએ ૧૦.૨૯ કરોડ શૅર ગિરવે મૂક્યા હોવાની વાત બજારમાં આવતા શૅરનો ભાવ ૧૪ ટકા જેટલો ઘટી ગયો હતો. આ ગિરવે મુકાયેલા નવા શૅર સાથે હવે પ્રમોટરનો ૯૦ ટકા હિસ્સો ગિરવે મૂકવામાં આવ્યો છે. કંપની પોતાનું દેવું ભરપાઈ કરવા માટે શૅર ગિરવે મૂકી રહી છે. જોકે, નીચલા મથાળે આવેલી ખરીદીના કારણે શૅરનો ભાવ ૬.૨૧ ટકા વધી રૂ. ૨૫૧.૫૦ની સપાટીએ બંધ
આવ્યો હતો.

business news