કાચી ખાંડની મલેશિયામાં ૪૪ હજાર ટનની નિકાસ થશે

12 February, 2019 09:07 AM IST  |  | મયૂર મહેતા

કાચી ખાંડની મલેશિયામાં ૪૪ હજાર ટનની નિકાસ થશે

કૉમોડિટી કરન્ટ

દેશમાં ખાંડનો માલભરાવો વધી રહ્યો છે ત્યારે સરકાર નિકાસ માટેના અઢળક પ્રયાસો કરી રહી છે. એમાં આંશિક સફળતા મળી છે અને મલેશિયન સરકારે ભારતમાંથી ૪૪ હજાર ટન કાચી ખાંડની આયાત કરવાનો નિર્ણય કર્યો છે.


સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે મલેશિયાએ હાલ ૪૪ હજાર ટન ખાંડની આયાતનો નિર્ણય લીધો છે, પરંતુ આગામી દિવસોમાં ડિમાન્ડ વધે એવી પણ સંભાવના છે. દેશમાંથી અત્યાર સુધીમાં કુલ ૧૫થી ૧૭ લાખ ટન ખાંડની નિકાસ થઈ છે, પરંતુ આગામી દિવસોમાં થોડી ડિમાન્ડ ચીન અને ઇન્ડોનેશિયાથી પણ આવે એવી સંભાવના છે. જોકે હજી સુધી કોઈ જ સત્તાવાર માહિતી મળી નથી.


ભારત સરકારે ખાંડની નિકાસ માટે ૨૦૧૮માં અલગ-અલગ પ્રતિનિધિમંડળોને બંગલા દેશ, મલેશિયા, ચીન, ઇન્ડોનેશિયા અને સાઉથ કોરિયામાં મોકલ્યાં હતાં અને બે સરકાર વચ્ચે ખાંડ વિશે નિકાસવેપારો થાય એવી વાતચીતો કરી હતી. ચીનનું તો એક પ્રતિનિધિમંડળ ભારત આવ્યું હતું અને અનેક શુગરમિલોની મુલાકાત લીધી હતી, પરંતુ હજી સુધી કોઈ જ નિર્ણય લેવાયો નહોતો. ઇન્ડોનેશિયા સાથે પણ છેલ્લી ઘડીની વાતચીતો ચાલી રહી છે. પરિણામે ટૂંક સમયમાં ઑર્ડર મળે એવી સંભાવના છે.

આ પણ વાંચોઃ બજારમાં નરમાઈની આગેકૂચ, લાર્જ કૅપ કરતાં રોકડું વધુ નબળું

ઇન્ડિયન શુગરમિલો અસોસિએશનના અંદાજ પ્રમાણે દેશમાં ખાંડના ઉત્પાદનનો અંદાજ ૫.૫ ટકા ઘટીને ૩૦૭ લાખ ટન થવાનો અંદાજ છે. આગામી વર્ષે એમાં પણ ઘટાડો થવાનો અંદાજ છે. દેશમાં વર્ષની શરૂઆત ૧૦૭ લાખના સ્ટૉકથી થઈ હતી. દેશની વાર્ષિક જરૂરિયાત માત્ર ૨૫૫થી ૨૬૦ લાખ ટનની છે અને ૪૦થી ૫૦ લાખ ટન નિકાસ થાય તો પણ ૧૧૨થી ૧૨૭ લાખ ટનનો સ્ટૉક બચે એવી સભાવના છે.