ઇન્ડેક્સ હેવીવેઇટમાં નવા શોર્ટ સાથે બજારમાં તેજી અટકી ગઈ

21 February, 2020 12:58 PM IST  |  Mumbai Desk

ઇન્ડેક્સ હેવીવેઇટમાં નવા શોર્ટ સાથે બજારમાં તેજી અટકી ગઈ

મોટાભાગનું સત્ર સાંકડી વધઘટે અથડાયેલા બજારમાં નિફ્ટી ઇન્ડેક્સ ફ્યુચર્સ, રિલાયન્સ, એચડીએફસી, એચડીએફસી બૅન્ક, ટીસીએસ, હિન્દુસ્તાન યુનીલીવર જેવા ઇન્ડેક્સ હેવીવેઈટ કંપનીઓમાં નવા શોર્ટના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે બજારમાં રજા છે અને વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે ટ્રેડર્સ પોતાની પોઝિશન હળવી કરી રહ્યા હોવાથી વેચવાલી જોવા મળી હતી. નવા શોર્ટ્સની સામે બૅન્ક નિફ્ટીમાં નવા લોંગ ખરીદી વચ્ચે બજારો આજે ઘટીને બંધ આવી હતી.
જોકે નાની અને મધ્યમ કદની કંપનીઓમાં ખરીદી જોવા મળી હતી. બન્ને ઇન્ડેક્સમાં બીજા દિવસે પણ વૃદ્ધિ જોવા મળી હતી જે દર્શાવે છે કે જો વૈશ્વિક પરિબળો સ્થિર રહે તો બજાર વધી શકે છે. કૅશ સેગ્મેન્ટમાં વિદેશી સંસ્થાઓએ ૧૪૯૫ કરોડની ભારે ખરીદી કરી હતી સામે સ્થાનિક સંસ્થાઓએ ૭૦૦ કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું. સત્રના અંતે સેન્સેક્સ ૧૫૨.૮૮ પૉઇન્ટ કે ૦.૩૭ ટકા ઘટી ૪૧,૧૭૦.૧૨ અને નિફ્ટી ૪૫.૦૫ પૉઇન્ટ કે ૦.૩૭ ટકા ઘટી ૧૨,૦૮૦.૮૫ની સપાટીએ બંધ આવ્યો હતો. આજની બજારમાં રિલાયન્સ, એચડીએફસી, એચડીએફસી બૅન્ક, હિન્દુસ્તાન યુનીલીવર, ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ ઘટ્યા હતા જ્યારે સેન્સેક્સ કંપનીઓમાં ઇન્ડસઇન્ડ બૅન્ક, તાતા સ્ટીલ, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, પાવર ગ્રીડ અને ઓએનજીસી વધ્યા હતા.
કોરોના વાઇરસમાં આજે એક મહિનામાં સૌથી ઓછા નવા કેસ નોંધાયા હતા તો સામે કોરિયામાં નવા દર્દીઓ જોવા મળ્યા હતા અને ઈરાનમાં બે મૃત્યુ નોંધાયા હતા. સ્થાનિક રીતે ડિસેમ્બરના પરિણામની મોસમ લગભગ પૂર્ણ થઈ ગઈ છે, રાજકીય કે આર્થિક નવા પરિબળો છે નહીં એટલે બજારમાં વૈશ્વિક પરિબળોના આધારે જ આગામી દિવસોમાં બજારની દિશા નક્કી થશે.
આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧ ક્ષેત્રોમાંથી બૅન્કિંગ, સરકારી બૅન્કોની આગેવાની હેઠળ છ ક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળી. ઘટેલા ક્ષેત્રોમાં આઇટી, એફએમસીજી સહિત પાંચનો સમાવેશ થાય છે. એક્સચેન્જ ઉપર ૫૯ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૯૧ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૦૯ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૦૨ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ પર ૮૮ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૧૫૩ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૭૬ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૨૬માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૫૧ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૪૦ ટકા વધ્યા હતા. ગુરુવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઈઝેશન ૨૦,૩૪૬ કરોડ ઘટી ૧૫૮.૫૦ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
હેવીવેઇટમાં નવા શોર્ટથી
બજાર ઘટ્યું
ગુરુવારે સાપ્તાહિક સિરિઝના વાયદાની પતાવટ સુધી મોટાભાગના શૅરમાં સાંકડી વધઘટ જોવા મળી હતી. જેવી પતાવટ પૂર્ણ થઈ એ પછી પ્રોફિટ બુકિંગ અને ત્રણ દિવસ બજાર બંધ હોવાથી પોઝિશન હળવી થઈ શરૂ થઈ હતી અને તેની સાથે નવા શોર્ટ પણ જોવા મળ્યા હતા. વાયદા બજારમાં રિલાયન્સ, હિન્દુસ્તાન લીવર, એચડીએફસી, એચડીએફસી બૅન્ક જેવા હેવીવેઇટમાં અને નિફ્ટી ૫૦ ફ્યુચર્સમાં શોર્ટ બિલ્ડઅપ (ભવિષ્યમાં ઘટાડો થશે એવી આશાએ વાયદામાં વેચાણ કરવું) જોવા મળ્યું હતું જેના કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સામે નિફ્ટી બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, એક્સીસ બૅન્ક અને આઇસીઆઇસીઆઇ બૅન્કમાં લોંગ બિલ્ડઅપ (ભવિષ્યમાં ભાવ વધશે એવી આશાએ વાયદામાં ખરીદી)ના કારણે બજારના ઘટાડા ઉપર બ્રેક લાગી હતી.
આઇટી શૅરોમાં ખરીદી
ડૉલર સામે નબળો પડી રહેલો રૂપિયો અને આંશિક રીતે ચીનના કોરોના વાઇરસની અસરથી બચી શકે એવા ઇન્ફર્મેશન ટેકનૉલૉજીના શૅર છેલ્લા ત્રણ દિવસથી મક્કમ હતા પણ આજે ઊંચા મથાળે તેમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ૦.૭૩ ટકા ઘટીને બંધ આવ્યો હતો. ટીસીએસ ૧.૭૫ ટકા, હેક્ઝાવેર ૧.૫૮ ટકા, ટેક મહિન્દ્રા ૧.૩૬ ટકા, વિપ્રો ૦.૮૧ ટકા, ઓરેકલ ફાઇનૅન્શિયલ ૦.૬૫ ટકા અને ઇન્ફોસિસ ૦.૫ ટકા ઘટ્યા હતા.
સરકારી બૅન્કોના શૅર વધ્યા
જાહેર ક્ષેત્રની બૅન્કોમાં આજે ખરીદી જોવા મળી હતી. એક મહિનામાં ૧૦ ટકા જેટલા ઘટી ગયા બાદ નિફ્ટી બૅન્ક બે દિવસમાં ૧.૯૧ ટકા વધ્યો છે. બૅન્ક ઑફ બરોડા ૧.૪૮ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૦.૨૮ ટકા, યુનિયન બૅન્ક ૦.૪૫ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૦.૮૯ ટકા અને યુનાઈટેડ બૅન્ક ૦.૩૯ ટકા વધ્યા હતા. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા તેની ક્રેડિટ કાર્ડ કંપનીનો પબ્લિક ઇશ્યુ લાવી રહી હોવાથી તેના શૅર પણ ૨.૩૧ ટકા વધ્યા હતા. ખાનગી બૅન્કોમાં પણ એક્સીસ, ઇન્ડસઇન્ડ બૅન્ક, ફેડરલ બૅન્ક, આઇસીઆઇસીઆઇ અને આરબીએલ બૅન્ક વધીને બંધ આવ્યા હતા. જોકે કોટક મહિન્દ્રા અને એચડીએફસી બૅન્કમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ત્રણ સરકારી કંપનીઓની
નવી ઐતિહાસિક સપાટી
ભારત સરકારની માલિકીની ત્રણ કંપનીઓના શૅર આજે એક સાથે પોતાની નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા. જોકે ઊંચા મથાળે ત્રણેયમાં પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું હતું. સતત વધી રહેલા આઇઆરસીટીસીના શૅર આજે ૧૯૭૬ રૂપિયા, મિશ્ર ધાતુ નિગમના શૅર ૨૪૮.૬૦ અને એમએસટીસી ૨૦૪.૬૫ રૂપિયાની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. આ ત્રણેય કંપનીઓના શૅર છેલ્લા એક સપ્તાહમાં ૨૦ ટકાથી વધુ ઊછળ્યા છે. આગલા બંધ સામે સત્રના અંતે આઇઆરસીટીસી ૫.૩૦ ટકા વધી ૧૯૨૭.૭૫, એમએસટીસી ૧૨.૭૩ ટકા વધી ૧૯૪.૪૦ અને મિશ્ર ધાતુ નિગમ ૪.૯૬ ટકા વધી ૨૨૮.૪૦ રૂપિયા બંધ આવ્યા હતા.
કોઈ પણ સરકારી બૅન્ક કરતાં બજાજ ફાઇનૅન્સનું મૂલ્ય વધારે
નાણકીય સેવાઓ અને નોન બૅન્કિંગ ફાઇનૅન્સ ક્ષેત્રે કાર્યરત બજાજ ફાઇનૅન્સના શૅરમાં સતત ખરીદી જોવા મળી રહી છે. ગત વર્ષે શૅરનો ભાવ એક વર્ષની નીચી સપાટી ૨૫૭૫ હતો જે આજે ૯૧ ટકા વધી ૪૯૨૩.૨૦ રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે. સુદૃઢ નાણાવ્યવસ્થા, મંદીના સમયમાં પણ લોન બુકમાં વૃદ્ધિ અને એકદમ નિયંત્રણમાં એનપીએ હોવાથી શૅરના ભાવ સતત વધી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે આ કંપની દેશની સૌથી મોટી સરકારી બૅન્ક કરતાં પણ વધારે મૂલ્યવાન બની ગઈ છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનું માર્કેટ કેપ ૨.૯૨ લાખ કરોડ રૂપિયા છે તો સામે બજાજ ફાઇનૅન્સનું માર્કેટ કેપ ૨.૯૪ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. સ્ટેટ બૅન્કના શૅર એક વર્ષની નીચી સપાટી સામે ૩૫ ટકા જેટલા વધી આજે ૩૨૭.૬૫ની સપાટીએ બંધ આવ્યા હતા જયારે બજાજ ફાઇનૅન્સના ભાવ ૪૮૮૮.૭૦ રૂપિયા બંધ રહ્યા હતા.
મુથુટ ફાઇનૅન્સનું મૂલ્ય પંજાબ નૅશનલ બૅન્ક કરતાં વધુ
દેશમાં ગોલ્ડ લોન ક્ષેત્રની સૌથી મોટી કંપનીના શૅરમાં અણધાર્યા સારા પરિણામ પછી સતત તેજી જોવા મળી રહી છે. પરિણામની જાહેરાત પછી શૅરના ભાવ ૨૬ ટકા જેટલા વધી ગયા છે જેના કારણે કંપનીનું માર્કેટ કેપ પંજાબ નૅશનલ બૅન્ક કરતાં પણ વધી ગયું છે. આજે મુથુટ ફાઇનૅન્સના શૅર ૯૩૫.૨૦ રૂપિયાની સર્વોત્તમ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા અને સત્રના અંતે ૪.૩૯ ટકા વધી ૯૧૩.૩૦ની સપાટીએ બંધ આવ્યા હતા. સત્રના અંતે કંપનીનું માર્કેટ કૅપ ૩૬,૬૨૦ કરોડ રૂપિયા આવ્યું હતું.
અન્ય શૅરોમાં વધઘટ
ક્રૂડ ઑઈલના વધી રહેલા ભાવની વચ્ચે એશિયન પેઈન્ટના શૅરમાં આજે નફો બાંધવાની વૃત્તિ જોવા મળી હતી અને શૅર ૨.૩૦ ટકા ઘટી ૧૮૪૨.૮૫ની સપાટીએ બંધ આવ્યો હતો. મેક્સ ઇન્સ્યુરન્સ ચલાવતી મેક્સ ફાઇનૅન્શિયલ સર્વિસના શૅર ૯.૪૧ ટકા વધી ૫૬૫.૦૫ રૂપિયા બંધ આવ્યા હતા અને એક્સીસ બૅન્ક ૦.૫ ટકા વધી ૭૪૪.૯૦ બંધ આવ્યા હતા. બન્ને કંપનીઓ વચ્ચે કોઈ જોડાણ થઈ શકે એવી સત્તાવાર જાહેરાત છે. બજારમાં એવી ચર્ચા છે કે મેક્સમાં પ્રમોટરનો હિસ્સો એક્સીસ બૅન્ક ખરીદી લેશે. સિમ્પ્લેક્સ ઇન્ફ્રાના શૅર પાંચ ટકાની તેજીની સર્કિટ સાથે ૫૪ ઉપર બંધ આવ્યા હતા. એવી ચર્ચા છે કે અદાણી ગ્રુપ કંપનીમાં હિસ્સો ખરીદી રહી છે. બાયબેક અંગે આગામી સપ્તાહમાં બોર્ડની બેઠક થશે એવી જાહેરાતના કારણે થોમસ કૂકના શૅર ૨૦ ટકાની તેજીની સર્કિટ સાથે ૪૯.૩ ઉપર બંધ આવ્યા હતા.

business news