રિલાયન્સ, આઇટી શૅરોની આગેવાની હેઠળ શૅરબજારમાં ઘટાડો

25 December, 2019 10:55 AM IST  |  Mumbai Desk

રિલાયન્સ, આઇટી શૅરોની આગેવાની હેઠળ શૅરબજારમાં ઘટાડો

પાંખાં કામકાજ વચ્ચે બજારમાં જોવા મળેલી તાજેતરની તેજી બાદ રોકાણકારો નફો બાંધી રહ્યા હોવાથી આજે સતત બીજા દિવસે બજાર ઘટીને બંધ આવ્યાં છે. નિફ્ટી ૧૨૩૦૦ની સપાટી પાર કરવામાં એક સપ્તાહથી નિષ્ફળ જાય છે અને આજે એણે ૧૨,૨૫૦ની સપાટી તોડી હતી. ઘટીને બજાર ૧૨,૧૫૦ની વચ્ચે રહે એવી શક્યતા છે. આગામી દિવસોમાં ૧૨,૩૦૦ની સપાટી તૂટે છે કે નહીં એ જોવાનું રહ્યું. 

દિવસના અંતે સેન્સેક્સ ૧૮૧.૪૦ પૉઇન્ટ કે ૦.૪૪ ટકા ઘટી ૪૧,૪૬૧.૨૬ અને નિફ્ટી ૫૦.૭૫ પૉઇન્ટ કે ૦.૪૧ ટકા ઘટી ૧૨,૨૧૨ની સપાટીએ બંધ આવ્યા હતા. ઇન્ડેક્સની આગેવાન ત્રણ કંપનીઓમાં પ્રૉફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. રિલાયન્સ સતત બીજા દિવસે આજે ઘટીને બંધ આવ્યો હતો. સ્થાનિક અને વિદેશી સંસ્થાઓએ આજે શૅરબજારમાં માલ વેચ્યો હતો. અરામ્કો સાથે ભાગીદારીના હિસ્સા સામે સરકારે દિલ્હી હાઈ કોર્ટમાં ઉઠાવેલા વાંધાની અસરથી આજે રિલાયન્સના ૧.૫૯ ટકા ઘટી ૧૫૪૫.૯૫ રૂપિયા બંધ આવ્યા હતા. સોમવારે પણ રિલાયન્સ ૧.૭૮ ટકા ઘટ્યો હતો. સોમવારે બજારમાં એચડીએફસી અને એચડીએફસી બૅન્કે લાજ રાખી હતી તો આજે એમાં પણ ઘટાડો હતો. એચડીએફસીના શૅર ૦.૪૬ ટકા ઘટી ૨૪૧૧.૨૦ અને એચડીએફસી બૅન્ક એક ટકો ઘટીને ૧૨૮૯.૩૦ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા. બજારમાં આજે વૉલ્યુમ એકદમ ઓછાં હતાં. ક્રિસમસની રજાઓને કારણે અને કોઈ પણ આર્થિક ગતિવિધિઓ વિશે ડેટાના અભાવે બજારમાં સાવચેતીનો માહોલ હતો. ભારતનો આર્થિક વિકાસ નબળો રહેશે અને દેશની નાણાખાધ વધશે એવી દહેશત જોવા મળી રહી છે. ઑટો અને આઇટી ક્ષેત્રની કંપનીઓમાં પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. ક્રૂડ ઑઇલના વધી રહેલા ભાવ અને રૂપિયો નબળો પડી રહ્યો છે એની અસર પણ બજાર પર જોવા મળી રહી છે. સતત સાતમા દિવસે સ્થાનિક સંસ્થાઓએ મંગળવારે વેચવાલી કરી હતી. ૬ દિવસમાં ૫૬૯૮ કરોડ રૂપિયાની વેચવાલી કર્યા બાદ ૩૪૫ કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી. બીજી તરફ સાત સત્રમાં ૬૪૭૦ કરોડ રૂપિયાની ખરીદી કર્યા બાદ વિદેશી સંસ્થાઓએ પણ આજે ૧૧૮ કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં ૧૧ સેક્ટરમાંથી મેટલ્સ અને રિયલ એસ્ટેટની આગેવાની હેઠળ ચાર સેક્ટરમાં વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી ઑટો અને આઇટીની આગેવાની હેઠળ બાકીના ઘટ્યા હતા. એક્સચેન્જ પર ૨૧ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૫૪ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૦૭ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી અને ૯૪ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ પર ૪૪ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૧૨૧ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૦૬ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૨૧૧માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલકૅપ ઇન્ડેક્સ ૦.૦૨ ટકા વધ્યો હતો અને મિડકૅપ ઇન્ડેક્સ ૦.૦૨ ટકા વધ્યો હતો. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન મંગળવારે ૩૪,૦૨૧ કરોડ ઘટીને ૧૫૫.૦૩ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
સાત સત્રની તેજી પછી આઇટી શૅરોમાં નફો બંધાયો
આઇટી શૅરો છેલ્લાં ૭ ટ્રેડિંગ સત્રમાં ૫.૯૬ ટકા વધી ગયા હતા. આજે ડૉલર સામે રૂપિયો નબળો હોવા છતાં આઇટી શૅરોમાં પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું હતું અને નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ૦.૫૪ ટકા ઘટ્યો હતો. કંપનીઓમાં એચસીએલ ટેક ૧.૮૮ ટકા, એમ્ફેસિસ ૧.૧૧ ટકા, માઇન્ડ ટ્રી ૦.૮૪ ટકા, ટીસીએસ ૦.૭૮ ટકા, ટેક મહિન્દ્ર ૦.૭૫ ટકા, વિપ્રો ૦.૫૯ ટકા, ઇન્ફોસિસ ૦.૩૫ ટકા અને ઓરેકલ ફાઇનૅન્સ ૦.૨૨ ટકા ઘટ્યા હતા.
મેટલ્સ શૅરોમાં ખરીદી
નિફ્ટી મેટલ્સ ઇન્ડેક્સ આજે ૦.૫૨ ટકા વધ્યો હતો. કંપનીઓમાં નાલ્કો ૩.૮૮ ટકા, જિન્દલ સ્ટીલ ૧.૪૯ ટકા, જેએસડબ્લ્યુ ૧.૧ ટકા, નૅશનલ મિનરલ ડેવલપમેન્ટ ૦.૭૩ ટકા, સ્ટીલ ઑથોરિટી ૦.૨૪ ટકા, તાતા સ્ટીલ ૦.૧૮ ટકા અને વેદાન્તા ૦.૧૭ ટકા વધ્યા હતા. ઝારખંડમાં બંધ પડેલી ઍલ્યુમિના રિફાઇનરી ફરી શરૂ થઈ જતાં હિન્દાલ્કોના શૅર પણ ૦.૫૮ ટકા વધ્યા હતા.
ભારત પેટ્રોમાં ઘટાડો
ભારત સરકાર ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશનમાં પોતાનો હિસ્સો વેચવા જઈ રહી છે. આ સંદર્ભે કેન્દ્રીય પ્રધાનમંડળમાં નિર્ણય લેવાયો છે અને આ જાહેરાત પહેલાં શૅરના ભાવ સતત વધી રહ્યા હતા. જોકે આજે એવા અહેવાલ આવી રહ્યા છે કે વેચાણપ્રક્રિયા ધારણા કરતાં વધારે સમય ચાલી શકે એમ છે. આ અહેવાલને કારણે શૅરના ભાવ ૩.૧૨ ટકા ઘટી ૪૭૭.૭૦ રૂપિયા બંધ આવ્યા હતા. આની સાથે અન્ય જાહેર સાહસોના શૅર પણ ઘટ્યા હતા જેમાં શિપિંગ કૉર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રો, કન્ટેનર કૉર્પોરેશન અને ગૅસ ઑથોરિટીના શૅર પણ ઘટ્યા હતા.
અન્ય શૅરોમાં વધ-ઘટ
૧૭૨૫ રૂપિયાના ભાવે ૧૯.૫૬ લાખ શૅર બાયબૅક કરવાની જાહેરાત સાથે એનઆઇઆઇટી ટેકના શૅર ૧.૨૬ ટકા વધી ૧૫૯૭.૭૦ રૂપિયા બંધ રહ્યા હતા. પોતાની એક પેટાકંપની વેચી દેવાની જાહેરાતથી જીઈ ટીઍન્ડડીના શૅર આજે ૨.૩૯ ટકા વધ્યા હતા. આઇઆરસીટીસીના શૅર આજે ૨.૬૫ ટકા વધ્યા હતા. ભારતીય રેલવેએ ટ્રેનમાં મળતા ભોજનના મેન્યૂના ભાવમાં ફેરફાર કરતાં કંપનીના શૅરને ટેકો મળ્યો હતો. લેમન ટ્રીના શૅર પણ દાર્જીલિંગમાં નવી હોટેલના કરારના કારણે ૩.૭૨ ટકા વધ્યા હતા. ચીનની કંપની સાથે સંયુક્ત સાહસની જાહેરાતને કારણે સ્ટર્લિંગ ટૂલ્સના શૅર ૨૦ ટકાની તેજીની સર્કિટ સાથે ૨૧૫ રૂપિયા બંધ આવ્યા હતા. કંપનીના પ્રમોટર તરીકે હાઇનાકેને હિસ્સો વધારવાની દરખાસ્ત કરી હોવાથી યુનાઇટેડ બ્રેવરીના શૅર ૪.૭૯ ટકા વધ્યા હતા.

business news reliance