ટ્રેડ-વૉરના અંતની શક્યતાને લીધે ક્રૂડ ઑઈલમાં તેજીની આગેકૂચ યથાવત

06 November, 2019 11:56 AM IST  |  Mumbai

ટ્રેડ-વૉરના અંતની શક્યતાને લીધે ક્રૂડ ઑઈલમાં તેજીની આગેકૂચ યથાવત

ક્રૂડ ઑઈલ

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉરનો અંત આવે અને તેના કારણે વૈશ્વિક અર્થતંત્રનું ભાવિ પણ ઉજ્જવળ બની શકે તેવી આશાએ સતત ત્રીજા દિવસે ક્રૂડ ઑઈલના ભાવ વધ્યા હતા. સોમવારે જોવા મળેલી મહિનાથી ઊંચી સપાટીથી પણ ભાવ આજે વધ્યા હતા. 

ન્યુ યૉર્ક ખાતે નાઇમેકસ ક્રૂડ વાયદો ૫૫ સેન્ટ કે ૦.૯ ટકા વધી ૫૭.૦૬ ડૉલર અને બ્રેન્ટ ક્રૂડ વાયદો ૬૨ સેન્ટ કે ૧ ટકો વધી ૬૨.૭૪ ડૉલર પ્રતિ બેરલની સપાટીએ છે. ભારતમાં ક્રૂડ ઑઈલ નવેમ્બર કૉન્ટ્રૅક્ટ બેરલદીઠ ૪૦૩૫ રૂપિયા ખૂલી, ઉપરમાં ૪૦૪૦ અને નીચામાં ૩૯૮૨ બોલાઈ પ્રથમ સત્રના અંતે ૨૨ ઘટીને ૪૦૨૮ રૂપિયા બંધ રહ્યો હતો, જ્યારે નેચરલ ગૅસ નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૪.૭ રૂપિયા વધીને બંધમાં ૨૦૫ રૂપિયા રહ્યો હતો. ભારતમાં ડૉલર સામે રૂપિયો મજબૂત થતાં ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો.

વિશ્વની સૌથી મોટી બે આર્થિક મહાસત્તા વચ્ચે પ્રથમ તબક્કાની સહમતી આગળ વધી રહી છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે પ્રથમ તબક્કાની સંધિ ઉપર હસ્તાક્ષર કરવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પે, ચીનના વડા શી જિનપિંગને અમેરિકા યાત્રાનું આમંત્રણ મોકલ્યું છે. એવી પણ વાત છે કે સંધિનો રસ્તો સાફ કરવા માટે ચીને અમેરિકાને સપ્ટેમ્બર મહિનામાં લાદેલા વધારાના ટેરીફ દૂર કરવા જણાવ્યું છે. જો કે આ અંગે સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી.

દરમ્યાન ક્રૂડ ઑઈલની માગ વધી રહી હોવાના ચિહનો પણ મળ્યા છે. ઑપેકના મહાસચિવ મોહમ્મદ બર્કિન્ડોએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦માં માગ વધી શકે છે. બજારમાં એવી પણ ચર્ચા છે કે ઑપેક બજારમાં ભાવ ઊંચા આવે એ માટે આગામી મહિનાની બેઠકમાં વધારે ઉત્પાદનકાપ મૂકી શકે છે. ઑપેક રાષ્ટ્રો અને રશિયા સાથે મળી ક્રૂડના ભાવ હજુ પણ વધે તે માટે ૧૨ લાખ બેરલ પ્રતિ દિવસનો ઉત્પાદનકાપ છે તે વધારે એવા સંકેતો બજારને મળી રહ્યા છે. ઑક્ટોબરમાં ઑપેકનું કુલ ઉત્પાદન આઠ વર્ષની સૌથી નીચી સપાટીએ રહ્યું હતું. ઈરાન હજુ પણ ઉત્પાદન ઘટે એવી હિમાયત કરી રહ્યું છે. ઑપેકની દૃષ્ટિએ ૨૦૨૪ સુધીમાં વિશ્વમાં ક્રૂડ અને અન્ય ઑઈલ જેવી ચીજોનું ઉત્પાદન ઘટીને ૩.૨૮ કરોડ બેરલ જેટલું થઈ શકે છે.

business news