કેન્દ્ર સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય હાંસલ નહીં કરી શકે

03 January, 2020 01:40 PM IST  |  Mumbai Desk

કેન્દ્ર સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય હાંસલ નહીં કરી શકે

કેન્દ્ર સરકાર જ્યારે નાણાખાધ ઘટાડવા માટે કરની આવક વધે એવો પ્રયત્ન કરી રહી છે ત્યાં જ ડિસઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે એક માઠા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રની નાણાખાધ એપ્રિલથી નવેમ્બર મહિનામાં બજેટના અંદાજ સામે ૧૧૫ ટકા જેટલી તો અત્યારે પણ પહોંચી છે ત્યારે એવા સમાચાર આવ્યા છે કે કેન્દ્ર સરકાર એનું ૧.૦૫ લાખ કરોડ રૂપિયાની રકમ ડિસઇન્વેસ્ટમેન્ટ (એટલે કે સરકારી કંપનીઓમાં હિસ્સો એકત્ર કરી મૂડી ઊભી કરવાનું) લક્ષ્ય ચૂકી જશે. 

અત્યાર સુધીમાં ૧.૦૫ લાખ કરોડ રૂપિયાના લક્ષ્ય સામે માત્ર ૧૭,૩૬૫ કરોડ રૂપિયાની રકમ ડિસઇન્વેસ્ટમેન્ટ થકી એકત્ર કરવામાં કેન્દ્ર સરકારને સફળતા મળી છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે ભારત પેટ્રોલિયમ, કન્ટેનર કૉર્પોરેશન અને ઍર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ માર્ચ સુધીમાં પૂર્ણ થશે નહીં એટલે સરકાર એના કુલ લક્ષ્યાંક સામે મોટી ખાધની અપેક્ષા રાખી રહી છે.
ભારત સરકારે નવેમ્બર મહિનામાં ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશનમાં ૫૩.૩ ટકા હિસ્સો વેચી વર્તમાન બજારભાવે ૫૬,૪૮૦ કરોડ રૂપિયા ઊભા કરવાની યોજના બનાવી છે. આ ઉપરાંત આટલી મોટી મિલકત હોવાથી સરકારને પ્રીમિયમ પણ મળી શકે છે, પરંતુ કંપની ખરીદવા માટેની પ્રક્રિયા લાંબી હોવાથી આટલી ઝડપથી પતે એવી શક્યતા નથી. આવી જ રીતે કન્ટેનર કૉર્પોરેશનમાં સરકાર ૩૧ ટકા હિસ્સો વેચી ૧૦,૭૨૪ કરોડ રૂપિયા એકત્ર કરવા માગી રહી છે. જોકે બન્ને મિલકતોનું વેચાણ માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જાય એટલે સરકારને ૧.૦૫ લાખ કરોડ રૂપિયાના લક્ષ્ય સામે ૬૭,૨૦૪ કરોડ રૂપિયાની ખાધ રહે એવી
શક્યતા છે.

business news