તેજીની હૅટ-ટ્રિક થઈ : સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ટૉપ બનાવી

14 January, 2020 09:01 AM IST  |  Mumbai

તેજીની હૅટ-ટ્રિક થઈ : સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ટૉપ બનાવી

શૅરબજારનો બજેટ આશાવાદ ચાલુ રહેતાં ગઈ કાલે સપ્તાહના પ્રથમ દિવસે બજાર સર્વાંગી તેજીના મૂડમાં રહ્યું હતું. સ્મૉલ-મિડ કૅપ સ્ટૉક્સ પણ નોંધપાત્ર વધ્યા હતા. આજે પણ બુલિશ ટ્રેન્ડ ચાલુ રહેવાની આશા છે. જોકે ખરેખર તો પ્રૉફિટ-બુકિંગ આવવું જોઈએ.
ગયા સપ્તાહમાં પૉઝિટિવ બંધ રહેલા સ્ટૉક માર્કેટે ગઈ કાલે સપ્તાહના પ્રથમ દિવસે પણ પૉઝિટિવ શરૂઆત કરી તેજીનો ટ્રેન્ડ ચાલુ રાખ્યો હતો. સેન્સેક્સે ૨૬૦ પૉઇન્ટના વધારા સાથે ૪૧,૮૬૦ પૉઇન્ટ પર અને નિફ્ટીએ ૭૨ પૉઇન્ટના વધારા સાથે ૧૨,૩૨૯ પૉઇન્ટ પર બંધ નોંધાવતાં પહેલાં નવું ટૉપ લેવલ હાસિલ કર્યું હતું. બીએસઈ સ્મૉલ અને મિડ કૅપ પણ સવાસો પૉઇન્ટ વધ્યા હતા. આમ બજારમાં સાર્વત્રિક લેવાલી હતી. બીએસઈનું માર્કેટ કૅપ ગઈ કાલે (સોમવારે) એક લાખ કરોડ રૂપિયા જેટલું વધ્યું હતું. અર્થાત્ માર્કેટ કૅપ ૧૦ જાન્યુઆરીએ ૧૫૭.૬૭ લાખ કરોડ રૂપિયા સામે ૧૩ જાન્યુઆરીએ વધીને ૧૫૮.૭૪ લાખ કરોડ રૂપિયા થયું હતું. એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સની ૨૩ કંપનીઓ વધી અને ૭ કંપનીઓ ઘટી રહી હતી.
બજારના સુધારા માટે અમેરિકા-ચીનનું પરિબળ પણ સકારાત્મક રહ્યું હતું. આ બન્ને દેશો વચ્ચે બુધવારે વેપાર સંબંધી પ્રથમ તબક્કાના કરાર પર સહી થવાની હોવાથી ગ્લોબલ માર્કેટ પણ સુધારાતરફી હતું.  
ગઈ કાલે માર્કેટમાં બુલિશ ટ્રેન્ડની હૅટ-ટ્રિક હતી. ઇન્ફોસિસ ચાર ટકા જેવો વધ્યો હતો. જીએનએ, એવરેસ્ટ ઇન્ડ., ઇન્સેક્ટિસાઇડ્સ, બ્લુ ડાર્ટ વગેરે જેવા શૅરો સૌથી વધુ ઊંચા ગયા હતા, જ્યારે સૌથી વધુ ઘટનાર શૅરોમાં પેજ ઇન્ડ., કજારિયા સિરેમિક્સ, અદાણી ગ્રીન, તાતા કન્સલ્ટન્સી વગેરેનો સમાવેશ થતો હતો. જોકે માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહેતાં ૧૧૮૪ સ્ટૉક્સ વધ્યા હતા અને ૬૪૦ સ્ટૉક્સ ઘટ્યા હતા. સૌથી મહત્ત્વની વાત એ હતી કે હવે માત્ર લાર્જ કૅપ કે ઇન્ડેક્સ શૅરો જ નથી વધતા બલકે સ્કૉલ અને મિડ કૅપ સ્ટૉક્સે પણ રિકવરી શરૂ કરી દીધી છે. ગઈ કાલે રિયલ્ટી, આઇટી, ટેલિકૉમ અને એફએમસીજી ઇન્ડેક્સ પણ વધ્યા હતા.
બ્રોડ બેઝ્ડ ઇન્ડાઇસિસમાં બીએસઈ સેન્સેક્સ ૫૦ ઇન્ડેક્સ ૦.૬૪ ટકા, બીએસઈ ૧૦૦ ઇન્ડેક્સ ૦.૬૨ ટકા, બીએસઈ મિડ કૅપ ૦.૮૭ ટકા, બીએસઈ સ્મૉલ કૅપ ૦.૯૫ ટકા, બીએસઈ ૨૦૦ ઇન્ડેક્સ ૦.૬૪ ટકા, બીએસઈ ૫૦૦ ઇન્ડેક્સ ૦.૬૭ ટકા, બીએસઈ ઑલકૅપ ૦.૬૯ ટકા અને બીએસઈ લાર્જ કૅપ ૦.૬૩ ટકા વધ્યા હતા.
બીએસઈ આઇપીઓ ઇન્ડેક્સ ૧.૬૭ ટકા વધ્યો હતો અને બીએસઈ એસએમઈ આઇપીઓ ૦.૧૮ ટકા ઘટ્યો હતો.
સેક્ટરલ ઇન્ડાઇસિસમાં રિયલ્ટી ૨.૧૨ ટકા, આઇટી ૧.૮૫ ૦ટકા, ટેક ૧.૮૧ ટકા, ટેલિકૉમ ૧.૭૫ ટકા, એફએમસીજી ૧.૨૧ ટકા, યુટિલિટીઝ ૧.૧૯ ટકા, મેટલ ૧.૧૩ ટકા, પાવર ૧.૦૪ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૮૯ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૦.૭૩ ટકા, બેઝિક મટીરિયલ્સ ૦.૬૮ ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ ૦.૬૮ ટકા, કૅપિટલ ગુડ્સ ૦.૬૫ ટકા, સીડીજીએસ ૦.૪૨ ટકા, હેલ્થકૅર ૦.૪૨ ટકા, ફાઇનૅન્સ ૦.૪૧ ટકા, બૅન્કેક્સ ૦.૨૩ ટકા, એનર્જી ૦.૧૫ ટકા અને ૦.૧૦ ટકા વધ્યા હતા.
‘એ’ ગ્રુપની કંપનીઓમાંથી સોરિલ હોલ્ડિંગ્સ ઍન્ડ વેન્ચર્સ, ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ અને આઇટીડી સિમેન્ટેશન ઇન્ડિયાને ઊપલી, જ્યારે અદાણી ગ્રીન એનર્જી, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવરને ઊપલી સર્કિટ લાગી હતી.
આજે ‘બી’ ગ્રુપની ૪૩ કંપનીઓને ઊપલી અને ૨૮ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રુપની ૩૯૨ કંપનીમાંથી ૨૦૪ કંપનીઓને ઊપલી અને ૧૮૮ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.
બિગ બુલની આશા
ભારતીય માર્કેટના બિગ બુલ ગણાતા રાકેશ ઝૂનઝૂનવાલાએ પણ સ્મૉલ કૅપ અને મિડ કૅપ સ્ટૉક્સ માટે આ વરસે સારો આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ શૅરો ૨૦૨૦માં સારી કામગીરી બજાવશે. તેમણે બજેટમાં આ વખતે સરકાર કંઈક વધુ નક્કર કરશે એવો મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે બજેટ બાદ બજારમાં રિટેલ સહભાગીતા વધશે.
ટ્રેન્ડ તેજીનો
માર્કેટ એક્સપર્ટના કહેવાનુસાર આ લેવલે માર્કેટ કન્સોલિડેટ થવું જોઈએ. તેમ છતાં, એનો ટ્રેન્ડ વધારાતરફી રહેશે એવું જણાય છે. રોકાણકારોએ આ લેવલે સાવચેત પણ રહેવું જોઈશે, કારણ કે અહીં પ્રૉફિટ-બુકિંગ આવવાની શક્યતા વધુ છે, પરંતુ જો બુલિશ ટ્રેન્ડ આજે પણ ચાલુ રહ્યો તો નિફટી ૧૨,૪૦૦ સુધી જઈ શકે છે.
૮૦ સ્ટૉક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ
આજે ૮૦થી વધુ સ્ટૉક્સે બાવન સપ્તાહની ઊંચી સપાટી બનાવી હતી જેમાં મુખ્યત્વે શ્રી સિમેન્ટ, એસઆરએફ, એનઆઇઆઇટી ટેક્નૉલૉજિસ, જ્યુબિલિયન્ટ ફૂડવર્ક્સ, અંબર એન્ટરપ્રાઇસિસ, બાલક્રિષ્ના ઇન્ડ., ટિમકેન ઇન્ડિયા અને બિરલા કૉર્પનો સમાવેશ થયો હતો. નિફ્ટીના ટૉપ ગેઇનર્સમાં ઇન્ફોસિસ, ગેઇલ ઇન્ડિયા, કૉલ ઇન્ડિયા અને ઇન્ડસઇન્ડ બૅન્ક સામેલ હતા, જ્યારે નિફ્ટી લુઝર્સમાં ટીસીએસ, ભારતી ઇન્ફ્રાટેલ, યુપીએલ અને યસ બૅન્ક સામેલ હતા.
વૉલ્યુમ વધ્યું
ટેક મહિન્દ્ર, ઇન્ફોસિસ, ડાબર ઇન્ડિયા, વિપ્રો, કોલગેટ જેવા સ્ટૉક્સમાં ૧૦૦થી ૪૦૦ ટકાનું વૉલ્યુમ વધ્યું હતું. ઇન્ફોસિસનાં સારાં પરિણામની અસરે એ ચાર ટકા ઊછળ્યો હતો.
એડલવાઇસ ફાઇનૅન્સની સ્પષ્ટતા
એડલવાઇસ ફાઇનૅન્સની ફૉરેક્સ સ્કેમના આરોપ વિશે સ્પષ્ટતા બાદ આ શૅરમાં ગઈ કાલે ૪ ટકા વધારો નોંધાયો હતો. યસ બૅન્કમાં સ્વતંત્ર ડિરેક્ટરના રાજીનામાને પગલે ગઈ કાલે વધુ ૬ ટકાનું ગાબડું પડ્યું હતું. તાતા ગ્લોબલ બિવરેજીસમાં ડિમર્જરને મંજૂરી મળતાં એ ૩ ટકા વૃદ્ધિ પામ્યો હતો.
ક્રૉસ માર્જિનિંગની સવલત
એક મહત્ત્વની જાહેરાત મુજબ એનએસઈ બાદ હવે ૧૫ જાન્યુઆરીથી બીએસઈ પણ ક્રૉસ માર્જિન સુવિધા દાખલ કરી રહ્યું છે જે મુજબ એક અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં માર્જિન ટ્રાન્સફર (ઍડ્જસ્ટ) કરવાની સવલત ઉપલબ્ધ થશે. એક્સચેન્જિસ આ સુવિધા સેબીની મંજૂરી મેળવીને આપી રહ્યું છે. આનાથી બ્રોકરો-ઇન્વેસ્ટર પર માર્જિનનો બોજ હળવો થશે.
ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગઈ કાલે કુલ ૨૦૦૫.૧૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૧૯૭૫ સોદાઓમાં ૧૯,૩૫૮ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૪,૦૭,૩૫ કૉન્ટ્રૅક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા.
ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ્સમાં ૭૧.૧૮ કરોડ રૂપિયાના ૬૪૩ સોદામાં ૬૭૯ કૉન્ટ્રૅક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ઓપન ઇન્ટરેસ્ટ ૪૦૧ કૉન્ટ્રૅક્ટ્સ હતા. ઇન્ડેક્સ કૉલ ઓપ્શનના ટ્રેડ થયેલા ૫૩૩ સોદામાં ૬૨૧૬ કૉન્ટ્રૅક્ટ્સ સાથે ૬૬૩.૬૧ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું અને ઇન્ડેક્સ પુટ ઓપ્શનના ટ્રેડ થયેલા ૭૯૪ સોદામાં ૧૨,૪૫૮ કૉન્ટ્રૅક્ટ્સ સાથે ૧૨૬૯.૯૪ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.
ઇક્વિટી ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ્સમાં ૦.૩૭ કરોડ રૂપિયાના ૫ કૉન્ટ્રૅક્ટ્સનું કામકાજ થયું હતું.

business news nifty sensex