ઇન્ડેક્સ હેવીવેઈટની આગેવાની હેઠળ સેન્સેક્સ, નિફ્ટીમાં ઉછાળો

13 February, 2020 11:08 AM IST  |  Mumbai

ઇન્ડેક્સ હેવીવેઈટની આગેવાની હેઠળ સેન્સેક્સ, નિફ્ટીમાં ઉછાળો

એશિયા અને યુરોપનાં વધી રહેલાં શૅરબજાર, કોરોના વાઇરસની અસર આગામી બે મહિનામાં ખત્મ થઈ જશે એવી આશા વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીને હેવીવેઇટ કંપનીઓમાં ભારે ખરીદી વચ્ચે સતત બીજા દિવસે ભારતીય શૅરબજાર વધીને બંધ આવ્યાં હતાં. જોકે મંગળવારની જેમ આજે પણ બજારમાં ભાવ વધ્યા હોય તેના કરતાં ભાવ ઘટ્યા હોય તેવી કંપનીઓની સંખ્યા વધારે હતી. આ દર્શાવે છે કે ઊંચા મથાળે રોકાણકારોમાં સાવચેતી જોવા મળી રહી છે કે તેઓ નફો બુક કરી રહ્યા છે. એટલે જ મિડ કૅપ અને સ્મોલ કૅપ ઇન્ડેક્સ આજે ઘટીને બંધ આવ્યા હતા.
સત્રના અંતે સેન્સેક્સ ૩૪૯.૭૬ પૉઇન્ટ કે ૦.૮૫ ટકા વધી ૪૧,૫૬૫.૯૦ અને નિફ્ટી ૯૩.૩૦ પૉઇન્ટ કે ૦.૭૭ ટકા વધી ૧૨,૨૦૧.૨૦ની સપાટીએ બંધ આવ્યા હતા. આજે સેન્સેક્સ કંપનીઓમાં ફરી એક વખત હિન્દુસ્તાન યુનીલીવર, આઇસીઆઇસીઆઇ બૅન્ક, રિલાયન્સ, કોટક મહિન્દ્રા બૅન્ક અને એચડીએફસી બૅન્કના શૅરોની આગેવાની હેઠળ ભારતીય શૅરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સામે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, ઇન્ડસઇન્ડ બૅન્ક, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ અને એનટીપીસી જેવા શૅરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
મંગળવારે વિદેશી સંસ્થાઓએ ૨૦૯ કરોડ રૂપિયાના શૅર વેચ્યા હતા તો સામે સ્થાનિક સંસ્થાઓએ ૩૪૫ કરોડ રૂપિયાના શૅરની ખરીદી કરી હતી. બુધવારે વિદેશી સંસ્થાઓની ખરીદી ૪૯ કરોડ અને સ્થાનિક સંસ્થાઓની ખરીદી ૩૩૯ કરોડ રૂપિયાની હતી.
આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧માંથી સરકારી બૅન્કો અને રિઅલ એસ્ટેટ સહિત ચારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સામે એફએમસીજી, ખાનગી બેંકો, ઓટો અને મેટલ્સ સહિત સાતમાં વધારો જોવા મળ્યો હતો. એક્સચેન્જ ઉપર ૬૦ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૮૬ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૯૪ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૧૨ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ ઉપર ૧૦૩ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૧૫૩ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૭૨ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૫૨માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મોલ કૅપ ઇન્ડેક્સ ૦.૧૩ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૨૯ ટકા ઘટ્યા હતા. બુધવારે બીએસઈનું માર્કેટ કેપિટલાઈઝેશન ૬૮,૫૧૩ કરોડ વધી ૧૫૯.૬૬ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
એફએમસીજી કંપનીઓમાં તેજી
ક્રૂડ ઑઈલ અને પામતેલના ભાવ ઘટ્યા હોવાથી કાચો માલ સસ્તો થશે તેમ જ કેન્દ્ર સરકારે બજેટમાં આપેલી રાહતના કારણે હવે દેશમાં ગ્રાહકોની ખરીદી વધશે એવી ધારણાએ ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (એફએમસીજી) કંપનીઓમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ આજે ૧.૮૮ ટકા વધીને બંધ આવ્યો હતો. ગ્લેક્સો ૫.૧૭ ટકા, હિન્દુસ્તાન યુનીલીવર ૫ ટકા, ગોદરેજ કન્ઝ્યુમર ૪.૬૩ ટકા, ડાબર ઇન્ડિયા ૨.૨૨ ટકા, નેસ્લે ૧.૮૪ ટકા, તાતા ગ્લોબલ બીવરેજીસ ૧.૧૧ ટકા, મેરિકો ૦.૧૭ અને કોલગેટ પામોલિવ ૦.૧૩ ટકા વધ્યા હતા.
ક્રૂડ, પામતેલના ઘટાડે હિન્દુસ્તાન યુનીલીવરમાં તેજી
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઑઈલ અને પામતેલના ઘટેલા ભાવના કારણે ઉત્પાદન ખર્ચ વધશે એવી ધારણાએ ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ ક્ષેત્રે દેશની સૌથી મોટી કંપની હિન્દુસ્તાન યુનીલીવરના શૅર આજે વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા અને તેની સાથે એક તબક્કે કંપનીનું મૂલ્ય રૂપિયા પાંચ લાખ કરોડ જેટલું થઈ ગયું હતું. આજે શૅરનો ભાવ કંપનીના ઇતિહાસની સૌથી ઊંચી સપાટી ૨૨૭૧ રૂપિયા પર પહોંચ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં કંપનીના શૅર ૧૧ ટકા જેટલા વધી ગયા છે જ્યારે સેન્સેક્સ માત્ર બે ટકા વધ્યો છે. સત્રના અંતે શૅરનો ભાવ પાંચ ટકા વધી ૨૨૬૦.૪૫ રૂપિયાની સપાટીએ બંધ આવ્યો હતો. દરમ્યાન ગ્લેક્સો કન્ઝ્યુમરના ભાવ પણ ૯૭૧૦ રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચી સત્રના અંતે ૫.૧૭ ટકા વધી ૯૭૦૧.૭૫ની સપાટીએ બંધ આવ્યા હતા.
ખાંડ કંપનીઓમાં તેજી
દેશમાં ખાંડનું ઉત્પાદન ગત વર્ષ કરતાં ઓછું થવાનું છે અને તેમાં વધારો થાય એવી કોઈ શક્યતા નહીં હોવાના ઇન્ડિયન સુગર મિલ્સ અસોસિએશનના નિવેદન બાદ ખાંડ ઉત્પાદકોના શૅરમાં આજે તેજી જોવા મળી હતી. છેલ્લાં ચાર સપ્તાહમાં ખાંડ ઉત્પાદકોના શૅર ૭ થી ૧૬ ટકા ઘટ્યા બાદ આ નિવદેનના કારણે નીચા મથાળે ખરીદી જોવા મળી હતી. આજે બલરામપુર ચીની ૮.૯૭ ટકા વધી ૧૭૩.૭૫, અવધ સુગર ૬.૧૭ ટકા વધી ૨૭૨.૬૦, ધામપુર સુગર ૬.૪૯ ટકા વધી ૨૦૨.૫૫, દાલમિયા ભારત સુગર ૫.૦૪ ટકા વધી ૧૧૩.૬૫, ઉત્તમ સુગર ૫.૧૩ ટકા વધી ૧૧૩.૮૦, દ્વારિકેશ સુગર ૩.૬૬ ટકા વધી ૩૮.૨૫ અને શક્તિ સુગર ૨.૯૯ ટકા વધી ૮.૬૦ રૂપિયા બંધ આવ્યા હતા.
અમેરિકાએ અરજી નકારી કાઢી, સન ફાર્મા એડવાન્સના શૅરમાં કડાકો
દેશની સૌથી મોટી જેનેરિક દવાઓ બનાવતી કંપની સન ફાર્માની પેટા કંપની સન ફાર્મા એડવાન્સ રિસર્ચના શૅર આજે તીવ્ર રીતે ઘટ્યા હતા. કંપનીએ અમેરિકન ડ્રગ રેગ્યુલેટર પાસે કૅન્સરની એક દવા બનાવવા માટે અરજી કરી હતી. બ્રેસ્ટ કૅન્સરની આ દવા કંપનીનું સંશોધન હતું. આ અરજી અમેરિકાએ નકારી કાઢી હોવાથી શૅરના ભાવ ૯.૬૫ ટકા ઘટી ૧૭૨.૭૦ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા. આની સાથે મૂળ કંપની સન ફાર્માના શૅર પણ ૦.૯૬ ટકા ઘટી ૪૧૪.૪૦ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા.

ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ, પાન કાર્ડની વિગતો સેબીને આપશે

શૅરબજારમાં ગેરરીતિ આચરતા લોકો અને અન્ય સામે તપાસ કરવામાં સરળતા રહે એ માટે ઇન્કમ ટૅક્સ વિભાગ હવેથી જામીનગીરી બજારની નિયમનકાર સેબીને પાન કાર્ડની વિગતો આપશે. આ માટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડિરેક્ટ ટૅક્સ અને સેબી વચ્ચે ટૂંક સમયમાં કરાર થશે. પાન કાર્ડની વિગતો આપમેળે, સામે ચાલીને અથવા સેબી માગે ત્યારે એમ ત્રણ પ્રકારે આપવામાં આવશે.
જે કિસ્સામાં ઇન્કમ ટૅક્સ વિભાગને એવું લાગે કે આવકવેરો ભરનાર વ્યક્તિ બજારમાં ગેરરીતિ કરી રહ્યો છે ત્યારે સામે ચાલીને આપવામાં આવશે. સેબી જ્યારે કોઈ વ્યક્તિ કે કંપની સામે તપાસ ચલાવી રહી હોય ત્યારે માગે ત્યારે વિગતો આપવામાં આવશે અને આવક વેરાના ફોર્મ ૬૧માં જે વિગતો કરદાતા ભરે છે તે આપમેળે સેબીને મળતી થઈ જશે જેથી કૃષિની આવક જાહેર કરી રિટર્ન ફાઈલ કરનાર વ્યક્તિ જો શૅરબજારમાં પણ રોકાણ કરતી હોય પણ રિટર્નમાં જાહેર કરતી હોય નહીં તો તેની જાણ બન્ને એજન્સીને થઈ જશે.

business news sensex nifty