ફેસલેસ અસેસમેન્ટ સામે આવકવેરાના અધિકારીઓનો વિરોધ: સરકારને પત્ર લખ્યો

16 October, 2019 09:59 AM IST  |  નવી દિલ્હી

ફેસલેસ અસેસમેન્ટ સામે આવકવેરાના અધિકારીઓનો વિરોધ: સરકારને પત્ર લખ્યો

પ્રતીકાત્મક તસવીર

દેશમાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને આવકવેરો ભરતા લોકોની કનડગત બંધ કરવા માટે કેન્દ્ર સરકારે અમલમાં મૂકેલી ફેસલેસ અસેસમેન્ટ સિસ્ટમનો ખુદ આવકવેરાના અધિકારીઓએ જ વિરોધ કર્યો છે. ઇન્કમ-ટૅક્સ ગૅઝેટેડ ઑફિસર્સના એક સંગઠને આ વિશે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસને એક પત્ર લખીને નારજગી દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે. તેમની રજૂઆત છે કે સરકારે આ વિશે મસલતો કરી નથી અને એનો અમલ કરવા માટે જોઈએ એવી વ્યવસ્થા નથી.

૧ ઑક્ટોબરથી ભારત સરકારે દેશમાં ફેસલેસ અસેસમેન્ટની સુવિધા અમલમાં મૂકી છે. આ વ્યવસ્થા હેઠળ જે વ્યક્તિના કે કંપનીનાં આવકવેરાનાં રિટર્ન વિશે કોઈ તપાસ કે પૂછપરછ કરવાની થાય તો કરદાતાને ઑફિસે રૂબરૂ નહીં બોલાવી ઑનલાઇન જ નોટિસ મોકલવામાં આવશે અને એનો જવાબ પણ ઑનલાઇન જ લેવામાં આવશે. આ પ્રણાલી થકી વેરા અધિકારી કરદાતાની કનડગત કરે નહીં અથવા તો વ્યક્તિગત અધિકારની કોઈ ચોક્કસ માન્યતાની અસર થાય નહીં એવો સરકારનો પ્રયાસ છે.
‘આ યોજના ઉતાવળે અમલમાં મૂકવામાં આવી રહી છે અને એમાં અધિકારીઓની ચિંતા વિશે ધ્યાન રાખવામાં આવ્યું નથી. સરકારના એકપક્ષી નિર્ણયના અમલ વિશે નારાજ છીએ અને એનાથી આવકવેરા વિભાગની કાર્યક્ષમતા પર અસર પડી શકે છે’ એમ અધિકારીઓએ પોતાના પત્રમાં જણાવ્યું છે.

અધિકારીઓ એવું માને છે કે સરકારનાં આ પગલાંને કારણે કેન્દ્રની કરની આવકમાં ઘટાડો થશે અને અધિકારીઓ પર વધારે કર એકત્ર કરવાનો બોજ વધશે. જોકે કૅફે કૉફી ડેના સ્થાપક વી. જી. સિદ્ધાર્થના કેસમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ કરેલી આકરી પૂછપરછ અને કેટલાંક પગલાંની દેશમાં આકરી ટીકા કરવામાં આવી હતી.

business news income tax department