ભારે ખોટ કરી રહેલી ઍર ઇન્ડિયાને હસ્તગત કરવા તાતા ગ્રુપની વિચારણા

05 November, 2019 03:21 PM IST  |  New Delhi

ભારે ખોટ કરી રહેલી ઍર ઇન્ડિયાને હસ્તગત કરવા તાતા ગ્રુપની વિચારણા

ઍર ઇન્ડિયા

તાતા ગ્રુપના ચૅરમૅન એન. ચંદ્રશેખરને જણાવ્યું છે કે ઍર ઇન્ડિયા માટે બિડ લગાવવાનો ઇનકાર નથી કર્યો. તેમણે કહ્યું કે ‘હું ટીમ સાથે આ બાબતે વિચાર કરવાનું કહીશ. પોતાના પુસ્તક બ્રિજિટલ નેશનના વિમોચન દરમિયાન તેમણે આ વાત કહી. તેમણે કહ્યું કે વાસ્તવમાં આ નિર્ણય વિસ્તારા દ્વારા થશે. તાતા સન્સના નામથી નહીં થાય.’

ચંદ્રશેખરને કહ્યું કે ‘હું વિસ્તારા અને ઍર એશિયા સિવાય કોઈ ત્રીજી ઍરલાઇન્સનું સંચાલન કરવાનો નથી, જ્યાં સુધી એને મર્જ કરવામાં ન આવે. આમાં મુશ્કેલીઓ છે. હું ક્યારેય હા કે ના નથી કહેવાનો. મને આ બાબતે ખબર નથી. ઉલ્લેખનીય છે કે સરકારે ઍર ઇન્ડિયાને સંપૂર્ણપણે વેચવાનો નિર્ણય કર્યો છે. પહેલાં સરકારે ૨૪ ટકા હિસ્સો વિનિવેશ કરવાની યોજના બનાવી હતી. કોઈ ગ્રાહક નહીં મળતાં એની સીમા ૭૪ ટકા સુધી વધારી દેવામાં આવી. તાતાએ આમાં રસ ન દાખવ્યો કેમ કે એ સમયે એ જેટ બાબતે વિચાર કરી રહી હતી.

ચંદ્રશેખરને જણાવ્યું કે ‘આપણે આપણા એવિયેશન બિઝનેસ માટે કોઈ હલ કાઢવો જોઈએ. હું આને વધારવા ઇચ્છુ છું, પરંતુ આમાં નુકસાનની જ સંભાવનાઓ છે. ઍર ઇન્ડિયાને અધિગ્રહિત કરવાથી તાતા ગ્રુપને ઍરલાઇન બિઝનેસમાં ગ્રોથ કરવાની તક મળી શકે છે. ગ્રુપના બે જૉઇન્ટ વેન્ચર છે. એક સિંગાપોર ઍરલાઇન્સ સાથે અને બીજું ઍર એશિયા સાથે. બન્નેનું મળીને ૨૦૧૯માં તાતાને ૧૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

business news air india