ટેલિકૉમ કંપનીઓને સુપ્રીમ કોર્ટનો 1.33 લાખ કરોડનો ઝટકો

25 October, 2019 12:02 PM IST  |  મુંબઈ

ટેલિકૉમ કંપનીઓને સુપ્રીમ કોર્ટનો 1.33 લાખ કરોડનો ઝટકો

સુપ્રીમ કોર્ટ

દેવાના બોજ હેઠળ દબાયેલી અને ભારે સ્પર્ધાનો સામનો કરી રહેલી મોબાઇલ-સેવાઓ આપતી કંપનીઓ માટે સુપ્રીમ કોર્ટ તરફથી માઠા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ની ગણતરી અંગે ચાલતા ૧૪ વર્ષ જૂના વિવાદમાં આપેલા ચુકાદાથી કંપનીઓ ઉપર ૧,૩૩,૦૦૦ કરોડ રૂપિયાનું ભારણ આવી પડ્યું છે. આ કંપનીઓ ખોટ કરી રહી છે, ગ્રાહકો ઘટી રહ્યા છે ત્યારે તેમના માટે માત્ર આ બાકી ચુકવણી નહીં, પણ ભવિષ્યમાં પણ વધારાનો બોજ આવી પડ્યો છે. આ ચુકાદાની સૌથી મોટી અસર વોડાફોન આઇડિયા અને ભારતી ઍરટેલને પડશે.

કંપનીઓની એવી માગણી હતી કે માત્ર ટેલિકૉમ સેવાથી થતી રકમ જ એજીઆર તરીકે ગણવી, જ્યારે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમના મત અનુસાર કંપનીઓએ ટેલિકૉમ સેવા ઉપરાંત ડિવિડન્ડ, ભાડું, કોઈ ભંગારનું વેચાણ કર્યું હોય તો એ અને હેન્ડસેટ વેચાણથી જે રકમ રળી હોય એને એજીઆરમાં ગણી સરકાર સાથે પ્રૉફિટમાં હિસ્સો લાઇસન્સ ફી તરીકે આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આજે ચુકાદામાં કંપનીઓની દલીલ નકારી કાઢી અને કંપનીઓને ડિપાર્ટમેન્ટની માગણી અનુસાર રકમ લાઇસન્સ ફી તરીકે આપવાનો આદેશ કર્યો છે.

સુપ્રીમના ચુકાદા અનુસાર કંપનીઓએ એજીઆરના આઠ ટકા અને સ્પેક્ટ્રમ યુઝેજ ચાર્જના ત્રણ ટકા ફી તરીકે આપવાના રહેશે. આ મુજબ કંપનીઓ ઉપર એજીઆર પેટે ૯૨,૦૦૦ કરોડ રૂપિયા અને સ્પેક્ટ્રમ ફી તરીકે વધારાના ૪૧,૦૦૦ કરોડ રૂપિયાનો બોજ આવી પડશે એવું ઉદ્યોગના વિશ્લેષકોએ જણાવ્યું હતું.

ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમના મતે કંપનીઓએ મોબાઇલ-સેવાઓ ઉપરાંત જે પણ રકમ ગ્રાહકો પાસેથી અન્ય પ્રકારની સેવા માટે વસૂલવામાં આવે છે એનો ઍડ્જસ્ટેડ રેવન્યુમાં ઉમેરો થવો જોઈએ અને એમાંથી સરકારને ટેલિકૉમ પૉલિસી અનુસાર હિસ્સો આપવો જોઈએ એવું વલણ હતું. આ મામલે ટેલિકૉમ કંપનીઓએ સરકાર અને વિભાગ સામે કોર્ટમાં કેસ કર્યો હતો અને એનો આજે ચુકાદો આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે કેસના ચુકાદામાં જણાવ્યું છે કે ઍડ્જસ્ટેડ રેવન્યુની વ્યાખ્યામાં કંપની મોબાઇલ-સેવા સિવાય પણ કોઈ રકમ ગ્રાહક પાસેથી વસૂલે તો એનો સમાવેશ થવો જોઈએ. ડિપાર્ટમેન્ટે કંપનીઓ પાસેથી ૯૨,૦૦૦ કરોડ રૂપિયાની રકમની વસૂલાત કરી હતી જેમાંથી ભારતી ઍરટેલે ૨૧,૬૮૨ કરોડ રૂપિયા, વોડાફોન આઇડિયાએ ૨૮,૩૦૯ કરોડ રૂપિયાની રકમ સરકારને આપવી પડશે.

supreme court business news