બજેટ બાદના એક મહિનામાં શૅરબજાર ક્યાંથી ક્યાં પહોંચી ગયું?

05 August, 2019 10:56 AM IST  |  મુંબઈ | શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

બજેટ બાદના એક મહિનામાં શૅરબજાર ક્યાંથી ક્યાં પહોંચી ગયું?

બીએસઈ

આગલા સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે સાધારણ પૉઝિટિવ થયા બાદ ગયા સોમવારે બજાર ફરી મંદીના માર્ગે આગળ વધ્યું હતું. સેન્ટિમેન્ટમાં મંદીનો જ માહોલ હતો. પરિણામે સેન્સેક્સ ૧૯૬ પૉઇન્ટ અને નિફફટી ૯૨ પૉઇન્ટ નીચે ઊતરી ગયા હતા. માર્કેટ બ્રેડ્થ સાવ જ નેગેટિવ રહી હતી. મંગળવારે બજારની નબળી દશા ચાલુ રહેતાં સેન્સેક્સ ૨૮૯ પૉઇન્ટ વધુ નીચે ઊતરી ગયો હતો, જ્યારે નિફ્ટી ૧૦૪ પૉઇન્ટ ડાઉન થયો હતો. માર્કેટ બ્રેડ્થ મંગળવારે પણ બહુ જ નેગેટિવ રહી હતી. નોંધનીય વાત એ હતી કે જાહેર ક્ષેત્રની બૅન્કોના શૅરોનું ધોવાણ સતત ચાલુ રહ્યું હતું. સ્થાનિક સંસ્થાકીય ઇન્વેસ્ટરો ઘટતા બજારમાં નેટ બાયર્સ રહ્યા હતા, જ્યારે ફૉરેન ઇન્વેસ્ટર્સ હજી નેટ સેલર્સ જ રહ્યા હતા. બુધવારે માર્કેટ સતત વૉલેટાઇલ રહ્યું હતું. જોકે આખરમાં સેન્સેક્સ ૮૪ પૉઇન્ટ અને નિફટી ૩૨ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. આ સુધારો સાધારણ હતો. બજાર ૨૦૦ પૉઇન્ટ ઉપર વધી ગયું હતું, પરંતુ ટકી ન શકતાં કરેક્શન તરત આવી ગયું હતું. તેમ છતાં, આશ્વાસન એટલું જ હતું કે બુધવારે એ પૉઝિટિવ બંધ રહ્યું હતું. જોકે માર્કેટ બ્રેડ્થ બુધવારે સુધારા પછી પણ નેગેટિવ જ હતી.

ગુરુવારનો મોટો આંચકો

ગુરુવારે બજારે મોટો આંચકો આપ્યો હતો. જુલાઈ મહિનો અત્યંત ખરાબ મહિનો રહ્યા બાદ ઑગસ્ટની શરૂઆત વધુ નબળી અને નેગેટિવ થઈ હતી. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં પા ટકાનો કાપ મુકાતાં યુએસ માર્કેટ સહિત યુરોપિયન-એશિયન માર્કેટ પણ તૂટ્યાં હતાં. ભારતીય બજારમાં સેન્સેક્સે ૪૬૩ પૉઇન્ટ અને નિફ્ટીએ ૧૩૮ પૉઇન્ટનું ગાબડું પાડ્યું હતું, જ્યારે કે માર્કેટ એ દિવસે આમ તો ૮૦૦ પૉઇન્ટ જેવું તૂટ્યું હતું. નિફ્ટી ૧૧૦૦૦ની નીચે ઊતરી ગયો હતો, જ્યારે સેન્સેક્સ ૩૭ હજાર આસપાસ પહોંચી ગયો હતો. લગભગ ૫૦૦ સ્ટોક્સ બાવન સપ્તાહની નીચલી સપાટીએ આવી ગયા હતા. આ દરમ્યાન ગુરુવારે રૂપિયો પણ ડૉલર સામે વધુ નબળો પડ્યો હતો. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી અને ફૉરેન ઇન્વેસ્ટરોની વેચવાલીનો દોર ચાલુ રહ્યો હતો. શુક્રવારે ગ્લોબલ નેગેટિવ અસર ચાલુ રહેતાં બજાર પણ નેગેટિવ ચાલ્યું હતું. જોકે અંતમાં એણે પૉઝિટિવ બંધ આપતાં સેન્સેક્સ ૧૦૦ પૉઇન્ટ અને નિફ્ટી ૧૭ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. અલબત્ત, નિફટી ૧૧ હજાર નીચે જ રહ્યો હતો. નોંધપાત્ર કરેક્શન બાદ આ રિકવરીથી બજારને થોડો હાશકારો થયો હતો.

ચારેબાજુથી આર્થિક ભીંસ

ઑટોમોબાઇલ સેક્ટરની દશા બેસી ગઈ હોવાથી બેરોજગારી આ સેક્ટરમાં પણ વધી રહી છે. આમ લગભગ દરેક ક્ષેત્રમાં બેકારી, ખર્ચકાપનો ટ્રેન્ડ ચાલુ થવાથી લોકોની આવકનું સ્તર ઘટી રહ્યું છે અને અસલામતીનું સ્તર વધી રહ્યું છે. આવામાં ઘટેલા બજારમાં પણ રોકાણ કરવાની હિંમત અને નાણાં ક્યાંથી આવે? ઘટેલા બજારને ખરીદવાની તક ગણવી એ વાતો હાલ તો સામાન્ય રોકાણકારોને ઠાલી લાગે છે. ઇન્ટરનૅશનલ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનો ગ્રોથ-રેટ આગામી ૧૨થી ૧૮ મહિના દરમ્યાન નબળો રહેવાની આગાહી કરી છે જે નિરાશામાં ઉમેરો કરશે. આમ ચારેકોરથી આર્થિક બાબતો માટે સવાલ, શંકા અને ભીંસ તેમ જ અવિશ્વાસ વધી રહ્યા છે. એમાં સેન્ટિમેન્ટ બગડવું સહજ છે. ફંડામેન્ટલ્સ તો નબળાં પડ્યાં જ છે અને પ્રવાહિતાની કમી પણ કાતિલ બની છે. કૉર્પોરેટ ડિફૉલ્ટના વધતા કિસ્સા દુકાળમાં અધિક માસ સમાન પીડા આપી રહ્યા છે.

ફૉરેન ઇન્વેસ્ટરોનું સૌથી વધુ વેચાણ ભારતમાં

જુલાઈમાં રજૂ થયેલા બજેટ બાદ ફૉરેન ઇન્વેસ્ટરોએ આશરે ૧૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુના શૅરો વેચી દીધા છે. ઊભરતાં બજારોમાં સૌથી વધુ વેચાણ ભારતીય બજારમાં થયું હોવાનું નોંધાયું છે. ભારતમાં આર્થિક મંદ ગતિ અને બજેટમાં આવેલા સુપર રિચ ટૅક્સના બોજને કારણે આમ થયું હોવાનું ચર્ચાય છે. કમસે કમ ફૉરેન ઇન્વેસ્ટરો ટૂંકા ગાળા માટે તો ભારતીય બજાર પ્રત્યે મંદીનો અભિગમ રાખે છે. આ ફૉરેન ઇન્વેસ્ટરોએ બ્રાઝિલમાં પણ ૧.૪ અબજ ડૉલર જેટલી કિંમતનું નોંધપાત્ર વેચાણ કર્યું છે જે ભારત બાદ બીજા ક્રમે છે.

મંદીનાં વાદળ વિસ્તરી રહ્યાં છે

નિફ્ટી માત્ર નવ ટ્રેડિંગ સત્રમાં ૫.૨ ટકા જેટલો ઘટી ગયો હતો. હાલ એ પાંચ મહિનાની સૌથી નીચી સપાટીએ છે. એટલું જ નહીં, એનએસઈ મિડ કૅપ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ પણ ફેબ્રુઆરી ૨૦૧૭થી લઈ અત્યાર સુધીમાં નિમ્નત્તમ સપાટીએ આવી ગયા છે. મેમાં ચૂંટણી બાદ મ્યુચ્યુઅલ ફંડે સ્મૉલ કૅપ અને મિડ કૅપ યોજના પર ફોક્સ વધાર્યું હતું એ આશાએ કે હવે આ સ્ટૉક્સ ચાલવા જોઈએ, પરંતુ આવી કેટલીક યોજના હાલ નેગેટિવ વળતર આપી રહી છે. પરિણામે મ્યુચ્યુઅલ ફંડથી પણ ઇન્વેસ્ટરો સખત નારાજ થયા છે.

સુધારાના આશ્વાસનનાં પરિબળો

આગામી સપ્તાહમાં બજારમાં કોઈ સુધારાની આશા બહુ જણાતી નથી, પરંતુ કેટલાક આશ્વાસન લેવા જેવા મુદ્દા છે જે બજારને ઘટતા રોકે અથવા સુધારાને આગળ વધારે એવું બની શકે. એક તો પ્રાઇમ મિનિસ્ટર ઑફિસ અને નાણાં ખાતાએ એફપીઆઇ પરના ઊંચા સરચાર્જ ટૅક્સ વિશે વિચારણા શરૂ કરી હોવાના અહેવાલ છે. આ સંબંધમાં તેમને એફપીઆઇ વર્ગ તરફથી રજૂઆત મળી છે. સરકાર આને કારણે શૅરબજારમાં તેમની ચાલેલી વેચવાલીની અસર અંગે વિચાર કરી રહી છે. બીજું, સરકાર લિસ્ટેડ કંપનીઓમાં મિનિમમ પબ્લિક હોલ્ડિંગ ૨૫ ટકાથી વધારી ૩૫ ટકા કરવા અંગેનો પ્રસ્તાવ પણ લંબાવવા વિચારે છે. આ પ્રસ્તાવની અસરરૂપે મલ્ટિનૅશનલ કંપનીઓ સહિતની ઘણી કંપનીઓને તેમના ભાવ ઘટવાનો ભય સતાવતો રહ્યો છે. આ ઉપરાંત એક નાનું આશ્વાસન એ પણ છે કે રિઝર્વ બૅન્ક ફુગાવો નીચો રહેવાથી ધિરાણ પર વ્યાજદરમાં કાપ મૂકે એવી આશા વધી છે. જો રેટ-કટ થાય તો કૉર્પોરેટ સેક્ટરને રાહત થઈ શકે.

નાની-મોટી જાણવા જેવી વાત

નાણાપ્રધાને વિદેશોમાં સૉવરિન બૉન્ડ ઇશ્યુ કરવાની તૈયારી થઈ રહી હોવાના મક્કમ સંકેત આપ્યા છે.
સરકાર લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન (એલઆઇસી)નું લિસ્ટિંગ કરાવવાનું વિચારે છે. જો આ લિસ્ટિંગ થાય તો એ માર્કેટ માટે બહુ મોટી ઘટના ગણાશે.

પાંચ બૅન્કો આ વરસે ૬૨ હજાર કરોડ રૂપિયાની મૂડી ઊભી કરવા બજારમાં આવવાની યોજના ધરાવે છે. આ બૅન્કોમાં એસબીઆઇ, ઍક્સિસ બૅન્ક, કૅનેરા બૅન્ક, આરબીએલ બૅન્ક અને બૅન્ક ઑફ બરોડાનો સમાવેશ થાય છે.મુખ્ય ક્ષેત્રોનો વિકાસદર ચાર વરસનો સૌથી નીચો રહ્યો છે જે ઔદ્યોગિક મંદ ગતિનો સંકેત આપે છે.

રિઝર્વ બૅન્કે બૅન્કોને તેમની એનપીએ (નૉન-પર્ફોર્મિંગ એસેટ્સ) વન ટાઇમ સેટલમેન્ટ રૂપે વિદેશોમાં વેચવાની છૂટ આપવાનું વિચાર્યું છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ તેની વિવિધ મુદતની ડિપોઝિટ્સ પરના વ્યાજદરમાં કાપ મૂક્યો છે.ઇન્ડિયા બુલ્સ સામે પણ આર્થિક ગોટાળાના ગંભીર આક્ષેપ થયા છે.

sensex nifty business news