શૅરબજારમાં બજેટ પૂર્વેનો આશાવાદ યથાવત્ સેન્સેક્સ ૧૪૭ પૉઇન્ટ વધ્યો

11 January, 2020 11:51 AM IST  |  Mumbai Desk

શૅરબજારમાં બજેટ પૂર્વેનો આશાવાદ યથાવત્ સેન્સેક્સ ૧૪૭ પૉઇન્ટ વધ્યો

ભારતીય શૅરબજારમાં શુક્રવારે સતત બીજા દિવસે બજેટ પૂર્વેનો આશાવાદ ટકી રહેતાં બન્ને બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સમાં વૃદ્ધિ જોવા મળી હતી. દિવસના પ્રારંભિક સમયમાં સેન્સેક્સ ૩૦૦ પૉઇન્ટ કરતાં વધુ વધ્યો હતો, પરંતુ પાછલા ભાગમાં પ્રોફિટ બુકિંગને પગલે ઊંચેથી થોડો ઘટાડો નોંધાયો હતો. જોકે એકંદરે સેન્સેક્સ ૦.૩૬ ટકા એટલે કે ૧૪૭ પૉઇન્ટની વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૦.૩૩ ટકા એટલે કે ૪૦.૯૦ પૉઇન્ટના વધારા સાથે ૧૨૨૫૭ ઉપર બંધ રહ્યો હતો. તેની પહેલાં એ ૦.૭૮ ટકા એટલે કે ૯૫.૩૦ પૉઇન્ટના ઉછાળા સાથે ૧૨૩૧૧.૨૦ની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સના વધારામાં એફએમસીજી સ્ટૉક્સની વૃદ્ધિનો મોટો ભાગ હતો. 

અમેરિકા અને ઈરાન વચ્ચેની તંગદિલી હળવી થતાં ક્રૂડ ઑઇલમાં ભાવનો ઘટાડો થયો, જેની અસર શુક્રવારે પણ જોવા મળી હતી. આવતા સપ્તાહથી બજારમાં ડિસેમ્બર ક્વૉર્ટરનાં પરિણામોની અસર જોવા મળી શકે છે. સેન્સેક્સના ઘટકોમાંથી ઇન્ફોસિસ ૧.૪૭ ટકાના વધારા સાથે ૭૩૮.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો, જ્યારે ટોચના અન્ય વધનારાઓમાં બજાજ ઈલેક્ટ્રિકલ્સમાં ૯.૩૦ ટકા, ચેન્નઈ પેટ્રોકેમિકલ્સમાં ૧૯.૫૩ ટકા, રેઇન ઇન્ડસ્ટ્રીઝમાં ૧૦.૯૩ ટકા અને સેન્ટ્રમ કેપિટલમાં ૭.૧૩ ટકાની વૃદ્ધિ સાથે બંધ ભાવ અનુક્રમે ૩૯૦.૩૫, ૧૩૫.૮૫, ૧૧૮.૨૦, ૨૪.૮૦ રૂપિયા રહ્યા હતા. સેન્સેક્સના ટોચના ઘટનારા શૅર રિલાયન્સ કેપિટલ (૫ ટકા ઘટીને ૧૧.૯૯), રિલાયન્સ ઇન્ફ્રા (૫ ટકા ઘટીને ૨૪.૯૦), આઇટીઆઇ (૪ ટકા ઘટીને ૯૮.૭૦) હતા.
ઇન્ફોસિસમાં વૃદ્ધિ
ઇન્ફોસિસના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સલિલ પારેખને વ્હીસલબ્લોઅરના કેસમાં ક્લીન ચિટ મળતાં તથા કંપનીના ત્રીજા ક્વૉર્ટરના નફામાં ૨૩.૫ ટકાની વૃદ્ધિ થઈને નફો ૪૪૫૭ કરોડ રૂપિયા થતાં સ્ટૉક વધ્યો હતો.
એડલવિઝ ફાઇનેશ્યલ સર્વિસિસમાં ઘટાડો
દરમ્યાન એડલવિઝ ફાઇનેશ્યલ સર્વિસિસના ચૅરમૅન રશેષ શાહને ૨૦૦૦ કરોડ રૂપિયાના કથિત ફોરેક્સ કૌભાંડ સંબંધે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે (ઈડી) સમન્સ મોકલ્યાના સમાચારને પગલે આ કંપનીનો સ્ટૉક ૯.૫૬ ટકા ઘટીને ૧૦૬ રૂપિયે બંધ રહ્યો હતો. કંપનીએ પછીથી જણાવ્યું હતું કે રશેષ શાહને ઈડીએ બોલાવ્યા છે, પરંતુ ફોરેક્સ કૌભાંડ જેવું કંઈ બન્યું નથી.
યસ બૅન્કમાં ઘટાડો
યસ બૅન્કના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર ઉત્તમ પ્રકાશ અગરવાલે કૉર્પોરેટ ગવર્નન્સના મુદ્દે આપેલા રાજીનામાને પગલે બૅન્કનો સ્ટૉક ૫ ટકા ઘટીને ૪૪.૮૦ રૂપિયે બંધ રહ્યો હતો. બીએસઈમાં માર્કેટ કૅપ ૧૫૭.૬૭ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું, જે ગુરુવારે ૧૫૭.૦૬ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઇન્ડેક્સમાં બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૩૭ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૩૩ ટકા, બીએસઈ મિડ કૅપ ૦.૪૦ ટકા, બીએસઈ સ્મોલ કૅપ ૦.૪૨ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૩૪ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૩૫ ટકા, બીએસઈ સ્મોલ કૅપ ૦.૩૬ ટકા અને બીએસઈ લાર્જ કૅપ ૦.૩૪ ટકા વધ્યા હતા. બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૫૬ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૬૩ ટકા વધ્યા હતા.
સેક્ટરલ ઇન્ડેક્સમાં બેઝિક મટિરિયલ્સ ૦.૬૯ ટકા, સીડીજીએસ ૦.૫૫ ટકા, એનર્જી ૦.૨૧ ટકા, એફએમસીજી ૦.૮૩ ટકા, ફાઈનેન્સ ૦.૦૯ ટકા, હેલ્થકેર ૦.૩૪ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૬૩ ટકા, આઈટી ૦.૫૪ ટકા, યુટિલિટીઝ ૦.૩૦ ટકા, ઑટો ૦.૮૧ ટકા, બેન્કેક્સ ૦.૦૨ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૫૯ ટકા, મેટલ ૧.૨૦ ટકા, ઑઈલ અૅન્ડ ગૅસ ૦.૨૧ ટકા, પાવર ૦.૪૦ ટકા, રિયલ્ટી ૧.૮૬ ટકા અને ટેક ૦.૩૪ ટકા વધ્યા હતા, જ્યારે ટેલિકોમ ૦.૬૧ ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૧૬ ટકા ઘટ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અર્થતંત્રને વધુ મજબૂતી આપવા માટેની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી તેની પણ સાનુકૂળ અસર શૅરબજાર પર પડી હતી. જોકે અમુક મૂડી સોના તરફ વળી હોવાથી વૃદ્ધિ સીમિત રહી હતી. આગામી નાણાકીય વર્ષનું બજેટ પહેલી ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવે તેની પહેલાં બજારમાં ભાવચંચળતા રહેવાની ધારણા છે. છેલ્લા પાંચ દિવસોમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ એકંદરે ૧૦૫ મિલ્યન ડૉલરની ઈક્વિટી ખરીદી છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ૨૬ મિલ્યન ડૉલરના શૅર વેચ્યા છે.
ઇન્ફોસિસના સારા પરિણામ ઉપરાંત દેશમાં ફૅક્ટરી ઉત્પાદનમાં સતત ત્રણ મહિનાના ઘટાડા બાદ થયેલી વૃદ્ધિની સારી અસર બજાર પર થઈ શકે છે. તાતા સમૂહના સ્ટૉક્સમાં પણ સુધારાની શક્યતા છે, કારણ કે સર્વોચ્ચ અદાલતે સાયરસ મિસ્ત્રીને એક્ઝિક્યુટિવ ચૅરમૅનપદે બહાલ કરવાના એનક્લેટના આદેશ પર શુક્રવારે સ્ટે મૂકી દીધો છે.

sensex business news