સાંકડી વધ-ઘટ સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

28 September, 2019 11:55 AM IST  |  મુંબઈ

સાંકડી વધ-ઘટ સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : કોઈ મહત્ત્વનાં સકારાત્મક કે નકારાત્મક પરિબળોની ગેરહાજરી વચ્ચે ઑક્ટોબર મહિનામાં કંપનીઓ બીજા ક્વૉર્ટરનાં પરિણામ જાહેર થશે એ પહેલાં સાવચેતીના ભાગરૂપે આજે શૅરબજારમાં બન્ને તરફ અથડામણ જોવા મળી હતી. બજારમાં સાંકડી વધ-ઘટ વચ્ચે, વિદેશી સંસ્થાઓની વેચવાલી વચ્ચે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે સોમવારના ઉછાળાને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બન્ને વૃદ્ધિ સાથે બંધ આવ્યા હતા. 

સત્રના અંતે સેન્સેક્સ ૧૬૭.૧૭ પૉઇન્ટ કે ૦.૪૩ ટકા ઘટી ૩૮,૮૨૨.૫૭ અને નિફ્ટી ૫૮.૮૦ કે ૦.૫૧ ટકા ઘટી ૧૧,૫૧૨.૪૦ની સપાટીએ બંધ આવ્યા હતા. ગુરુવારે વિદેશી સંસ્થાઓએ ૭૩૭ કરોડ અને સ્થાનિક સંસ્થાઓએ ૩૩૯ કરોડ રૂપિયાના શૅરની ખરીદી કરી હતી. શુક્રવારે વિદેશી સંસ્થાઓએ ૨૧૪ કરોડના શૅરની વેચવાલી કરી હતી અને સ્થાનિક સંસ્થાઓએ ૪૫૯ કરોડના શૅરની ખરીદી કરી હતી.
બજારમાં આજે રોકડ અને વાયદામાં ટર્નઓવર ઓછાં હતાં. ગયા શુક્રવારે સરકારે કૉર્પોરેટ ટૅક્સમાં જે ઘટાડો જાહેર કર્યો હતો અને એ પછી આવેલી તેજીમાં ટર્નઓવર વિક્રમી સ્તરે પહોંચ્યા બાદ ફરી આજે સામાન્ય સ્તરે આવી ગયા હતા. કોઈ પરિબળની ગેરહાજરી વચ્ચે બજારમાં નિરુત્સાહ વાતાવરણ જોવા મળ્યું હતું.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં ૧૧ સેક્ટરના બધા જ ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ આવ્યા હતા જેમાં ઑટો, મેટલ્સ, રિયલ એસ્ટેટ અને ફાર્મામાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેન્જ પર ૩૧ કંપનીઓના શૅર બાવન સપ્તાહની નવી ઊંચી સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૮૯ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૬૭ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૧૪૭માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ પર ૫૯ કંપનીઓના શૅર બાવન સપ્તાહની નવી ઊંચી સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૧૩૭ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૧૬ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૨૬૦માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલકૅપ ઇન્ડેક્સ ૦.૮૧ ટકા અને મિડકૅપ ઇન્ડેક્સ ૦.૬૨ ટકા વધ્યા હતા.
સેન્સેક્સ અને નિફ્ટીના મુખ્ય શૅરમાં રિલાયન્સ ૦.૯૪ ટકા, એચડીએફસી બૅન્ક ૦.૧૪ ટકા મજબૂત રહ્યા હોવાથી ઇન્ડેક્સમાં ઘટાડો રોકી શકાયો હતો. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં આજે નેસ્લે સામે થતા એના શૅર ૧.૭૦ ટકા વધ્યા હતા, જ્યારે ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટના શૅર નીકળી જતાં એના શૅરમાં ૬.૧૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ વધ-ઘટ માટે ઇન્ડેક્સ આધારિત ફન્ડમાં પણ ઍસેટ મૅનેજરને ફરજિયાત ખરીદી કે વેચાણ કરવું પડે એ કારણ જવાબદાર હતું. નૉન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓમાં બજાજ ગ્રુપની બજાજ ફાઇનૅન્સના શૅર આજે પોતાની સૌથી ઊંચી સપાટી ૪૦૮૪.૪૫ રૂપિયાએ પહોંચ્યા બાદ દિવસના અંતે ૪૦૬૫.૩૫ બંધ આવ્યા હતા જે આગલા બંધથી ૧.૬૧ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
લક્ષ્મી વિલાસ બૅન્કમાં સર્કિટ
રેલિગેર ‌ફિનવેસ્ટની લક્ષ્મી વિલાસ બૅન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ હતી. આ ડિપોઝિટમાં ગેરરીતિ થઈ હોવાની એક ફરિયાદ દિલ્હી પોલીસના આર્થિક ગુના નિવારણ શાખાએ બૅન્ક સામે નોંધી છે. આ જાહેરાતને પગલે બૅન્કના શૅર આજે પાંચ ટકાની મંદીની સર્કિટ સાથે ૩૬.૫૫ રૂપિયા પર બંધ આવ્યા હતા. બૅન્કના શૅર ૪ જુલાઈની ૭૦.૪૦ રૂપિયાની સપાટીથી સતત ઘટી રહ્યા છે. બૅન્કના ચૅરમૅને રાજીનામું આપવાની ફરજ બોર્ડે પાડી હોવા પછી શૅરના ભાવ સતત ઘટી રહ્યા છે.
તાતા મોટર્સના શૅરમાં કડાકો
તાતા જૂથની પેટાકંપની અને સૌથી વધુ આવક રળી આપતી જૅગ્વાર લૅન્ડરોવર દ્વારા વાહનોના ઘટી રહેલા વેચાણને કારણે બ્રિટનની ફૅક્ટરી એક સપ્તાહ બંધ રાખવાની જાહેરાત કરી છે. યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન કોઈ પણ પ્રકારના સોદા વગર બહાર નીકળી જાય એવી શક્યતાને કારણે કંપનીના વેચાણ પર અસર પડે નહીં એવી તૈયારી પણ ચાલી રહી છે. આથી કંપનીના શૅર આજે ૩.૬૯ ટકા ઘટી ૧૧૯.૯૦ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા. છેલ્લા એક વર્ષમાં સતત ખોટ કરી રહેલી આ કંપનીના શૅર ૪૯ ટકા જેટલા ઘટી ગયા છે.
મારુતિમાં પણ વેચાણ જોવા મળ્યું
મારુતિ સુઝુકીના શૅર આજે ૧.૨૭ ટકા ઘટી ૬૭૬૫.૩૦ બંધ આવ્યા હતા. કંપનીએ કૉર્પોરેટ ટૅક્સ ઘટતાં દરેક ગાડીઓના ભાવમાં ૫૦૦૦ રૂપિયાના ઘટાડાની અગાઉ જાહેરાત કરી છે. આજે કંપનીએ ત્રણ મહિના પહેલાં જ લૉન્ચ થયેલી બ્રેઝા આરએસના ભાવમાં ૧,૦૦,૦૦૦ (વતર્માન કિંમતથી ૧૧ ટકા) રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો હતો. બજારની ચર્ચા અનુસાર આ ગાડીનું વેચાણ સતત ઘટી રહ્યું છે અને કંપનીએ એનું ઉત્પાદન પણ અત્યારે અટકાવી દીધું છે. વેચાણ વધારવા માટે આટલો જંગી ભાવઘટાડો કરતાં કંપનીની નફાશક્તિ પર અસર પડે એવી ચર્ચા ચાલી રહી છે.
પિરામલ એન્ટરપ્રાઇઝના શૅરમાં કડાકો
જપાનની સૉફ્ટ બૅન્ક પિરામલ એન્ટરપ્રાઇઝમાં એક અબજ ડૉલરનું રોકાણ કરવા માટે વાટાઘાટ ચાલી રહી હતી. આજે એવા સમાચાર મળી રહ્યા હતા કે સૉફ્ટ બૅન્કે આ યોજના પડતી મૂકી છે. આ સમાચારના પગલે શૅરનો ભાવ એક તબક્કે ૮.૧ ટકા ઘટી રૂ.૧૭૧૦ થઈ ગયો હતો. કંપનીના શૅરમાં છેલ્લા ૯ મહિનામાં આ શૅરમાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો નથી. દિવસના અંતે શૅર ૭.૧૩ ટકા ઘટી ૧૭૨૬.૫૫ રૂપિયા પર બંધ આવ્યો હતો.

business news