સેન્સેક્સ, નિફ્ટી અને નિફ્ટી બૅન્ક નવી વિક્રમી સપાટીએ બંધ

19 December, 2019 10:58 AM IST  |  Mumbai Desk

સેન્સેક્સ, નિફ્ટી અને નિફ્ટી બૅન્ક નવી વિક્રમી સપાટીએ બંધ

પસંદગીની કંપનીઓમાં વિદેશી સંસ્થાઓની ધૂમ ખરીદીના કારણે સતત બીજા દિવસે સેન્સેક્સ, નિફ્ટી અને નિફ્ટી બૅન્ક વધુ એક નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ બંધ આવ્યા હતા. બજારમાં છેલ્લા ચાર દિવસથી વિદેશી સંસ્થાઓ ભારે માત્રામાં ખરીદી કરી રહી છે. આજની તેજી માટે રિલાયન્સ, એચડીએફસી બૅન્ક, રિલાયન્સ અને આઈટીસીના શૅરોમાં જોવા મળેલી તેજી મુખ્યત્વે જવાબદાર હતી. આજે મુખ્ય ઇન્ડેક્સ વધીને બંધ આવ્યા હોવા છતાં શૅરબજારમાં વધેલા કરતાં ઘટેલા શૅરની સંખ્યા વધારે હતી અને સ્મોલ કૅપ અને મિડ કૅપ શૅરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

દિવસની ઊંચી સપાટી ૪૧,૬૧૪.૭૭ થઈ સત્રના અંતે સેન્સેક્સ ૨૦૬.૪૦ પૉઇન્ટ કે ૦.૫૦ ટકા વધી ૪૧,૫૫૮.૫૭ પૉઇન્ટ બંધ આવ્યો હતો. નિફ્ટી પણ ૧૨,૨૩૭.૭૦ની ઊંચી સપાટી પછી ૦.૪૭ ટકા કે ૫૬.૬૫ પૉઇન્ટ વધી ૧૨,૨૨૧.૬૫ની સપાટીએ બંધ આવ્યો હતો. નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ પણ ૦.૩૨ ટકા વધી ૩૨,૨૪૪.૨૫ની પોતાની સૌથી ઉંચી સપાટીએ બંધ આવ્યો હતો.
ઇન્ડેક્સની મહત્ત્વની કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૩૭ ટકા, સન ફાર્મા ૨.૫૩ ટકા એક્સીસ બૅન્ક ૧.૮૮ ટકા, આઇટીસી ૧.૭૦ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૫૮ ટકા અને એચસીએલ ટેક ૧.૪૬ ટકા વધ્યા હતા. રિલાયન્સના શૅર પણ આજે ૦.૮૭ ટકા વધી ૧૫૭૫.૭૦ બંધ આવ્યા હતા. સામે તાતા મોટર્સ ૩.૦૫ ટકા, હિન્દુસ્તાન યુનીલીવર, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અને યસ બૅન્ક ૧.૭૯ ટકા ઘટ્યા હતા.
શુક્રવારથી મંગળવાર સુધીના ત્રણ સત્રમાં વિદેશી સંસ્થાઓએ ૨૦૯૨ કરોડ રૂપિયાના શૅરની ખરીદી કરી હતી તો આજે એક જ દિવસમાં વધુ ૧૮૩૭ કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. છેલ્લા ચાર મહિનામાં વિદેશી સંસ્થાઓ બૅન્કિંગ, નાણાકીય સેવાઓ, ઑઈલ એન્ડ ગૅસ અને વીમા કંપનીઓના શૅર સતત ખરીદી રહી છે અને એટલે જ એવી કંપનીઓના સહારે ઇન્ડેક્સ નવી અને નવી વિક્રમી સપાટી સર કરી રહ્યો છે.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧ સેક્ટરમાંથી પીએસયુ બૅન્ક અને મીડિયા સિવાય બધા જ ઇન્ડેક્સમાં વૃદ્ધિ જોવા મળી હતી. સૌથી વધારે ફાયદો ફાર્મા, ઑટો અને મેટલ્સ શૅરમાં જોવા મળ્યો હતો. એક્સચેન્જ ઉપર ૨૧ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૪૭ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૦૭ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૮૭ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ ઉપર ૫૩ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૧૧૬ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૮૫ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૧૩માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મોલ કૅપ ઇન્ડેક્સ ૦.૦૫ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૧૯ ટકા ઘટ્યા હતા. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઈઝેશન બુધવારે ૨૯,૯૩૧ કરોડ વધી ૧૫૪.૫૭ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
તાતા જૂથના શૅરમાં ઝટકો
એપેલેટ ટ્રિબ્યુનલનો ચુકાદો તાતા જૂથની વિરુદ્ધ આવતા મોટાભાગની તાતા જૂથની કંપનીઓના શૅરમાં ઘટાડો જોવા મળ્યો હતો. એપેલેટ ટ્રિબ્યુનલે આજે ચુકાદામાં જણાવ્યું હતું કે આગામી ચાર સપ્તાહમાં તાતા સન્સના ચૅરમૅન તરીકે સાયરસ મિસ્ત્રીને બહાલ કરી આપો. જૂથની કંપનીઓમાં તાતા ગ્લોબલ બીવરેજીસ ૪.૧૪ ટકા, તાતા કોફી ૩.૮૮ ટકા, તાતા મોટર્સ ૩.૦૫ ટકા, વોલ્ટાસ ૨.૨૬ ટકા, ટીઆરએફ ૧.૯૩ ટકા, તાતા કેમિકલ્સ ૧.૬૫ ટકા, તાતા ટેલી ૧.૬૪ ટકા, તાતા ઇન્વેસ્ટમેન્ટ ૧.૨૨ ટકા, તાતા પાવર ૦.૯૮ ટકા અને ટ્રેન્ટ ૦.૩૯ ટકા ઘટ્યા હતા. સામે તાતા મેટાલીક્સ ૨.૦૭ ટકા, તાતા સ્ટીલ લોંગ પ્રોડક્ટ ૧.૮૫ ટકા, તાતા સ્ટીલ ૧.૧૬ ટકા, તાતા કોમ ૧.૬૮ ટકા, ટીનપ્લેટ ૧.૬૧ ટકા અને ટાઈટન ૦.૦૯ ટકા વધ્યા હતા.
ફાર્મા શૅર વધ્યા તો પીએસયુ બૅન્ક ઘટ્યા
આજે ફાર્મા કંપનીઓના શૅર અમેરિકામાં નિકાસ નવેમ્બર મહિનામાં ૨૦ ટકા વધી હોવાના અહેવાલ સાથે વધ્યા હતા. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૧.૨૦ ટકા વધ્યો હતો. કંપનીઓમાં સન ફાર્મા ૨.૫૩ ટકા, ગ્લેનમાર્ક ૨.૨૪ ટકા, વોકહાર્ટ ૧.૭૮ ટકા, ડૉ. રેડ્ડીઝ ૧.૬૪ ટકા, લુપીન ૧.૬ ટકા, આલેક્ન લેબ ૧.૩૫ ટકા, ઓરોબિંદો ૧.૨૦ ટકા અને સિપ્લા ૦.૯૭ ટકા વધ્યા હતા.
બીજી તરફ પીએસયુ બૅન્કના શૅરમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૧.૮૯ ટકા ઘટી ગયો હતો. શૅરમાં બૅન્ક ઑફ બરોડા ૩.૨૮ ટકા, યુનિયન બૅન્ક ૨.૮૪ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૨.૬૫ ટકા, કૅનેરા બૅન્ક ૨.૪૨ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૨.૩૨ ટકા, યુકો બૅન્ક ૧.૮ ટકા અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૭૯ ટકા ઘટ્યા હતા.

business news nifty sensex