અનિલ અંબાણી ગ્રુપના ગિરવી મુકાયેલા શૅરોના વેચાણ બાબતે તપાસ શરૂ

12 February, 2019 08:47 AM IST  | 

અનિલ અંબાણી ગ્રુપના ગિરવી મુકાયેલા શૅરોના વેચાણ બાબતે તપાસ શરૂ

અનિલ અંબાણી

અનિલ અંબાણીના વડપણ હેઠળના રિલાયન્સ ગ્રુપની ત્રણ લિસ્ટેડ કંપનીઓના ગિરવી મુકાયેલા શૅર બે લેણદારોએ વેચી દીધા એ વિશેના આક્ષેપો અને પ્રતિઆક્ષેપોની બાબતે સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સેબીએ તપાસ હાથ ધરી છે.

રિલાયન્સ ગ્રુપે કરેલા આક્ષેપ મુજબ LT ફાઇનૅન્સ અને એડલવાઇસ ગ્રુપે ઉક્ત ત્રણ કંપનીઓના શૅર ઓપન માર્કેટમાં વેચી દીધા એને કારણે એ સ્ટૉક્સના મૂલ્યમાં ધરખમ ઘટાડો થયો હતો. બીજી બાજુ LT ફાઇનૅન્સ અને એડલવાઇસ ગ્રુપે આક્ષેપોને નકારી કાઢતાં સામે આક્ષેપ કર્યો છે કે રિલાયન્સ ગ્રુપે સમયસર ચુકવણી કરી ન હોવાથી એણે નાછૂટકે શૅર વેચી દેવા પડ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યા મુજબ સેબીએ સોદાઓની વિગતો ચકાસીને સંબંધિત એન્ટિટીઝ પાસેથી ખુલાસો લેવાનું એક્સચેન્જોને કહ્યું છે. એની પાછળનો ઉદ્દેશ આ પ્રક્રિયામાં ક્યાંય નિયમભંગ થયો હોય તો એ જાણવાનો છે.

રિલાયન્સ પાવર, રિલાયન્સ કૅપિટલ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે આ બાબતે તપાસ કરાવવા માટે સેબીને પત્ર લખ્યો છે.

રિલાયન્સ ગ્રુપના પ્રવક્તાનો સંપર્ક સધાતાં તેમણે જણાવ્યું હતું કે અલગ-અલગ ગ્રુપ-કંપનીઓના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે કરેલા ઠરાવ મુજબ શૅરધારકોના હિતનું રક્ષણ કરવા માટે તમામ કાનૂની પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચોઃ આનંદો, હવે માત્ર 899 રુપિયામાં કરો હવાઈ સફર !

રિલાયન્સ ગ્રુપે ગત શુક્રવારે કહ્યું હતું કે ઉક્ત બંન્ને એન્ટિટીઝે લીધેલા ગેરકાયદે, ઈરાદાપૂર્વકના અને ગેરવાજબી પગલાને કારણે ગ્રુપનું મૂલ્ય ૧૩,૦૦૦ કરોડ રૂપિયા ઘટી ગયું છે. ૭૨ લાખ સંસ્થાકીય તથા રીટેલ શૅરધારકોને ઘણું મોટું નુકસાન થયું છે.

anil ambani