ડાંગરનો પાક : મહારાષ્ટ્રમાં વરસાદની ચિંતા જ્યારે ઓડિશામાં પૂરતો ભાવ નથી

27 July, 2019 11:15 AM IST  |  મુંબઈ

ડાંગરનો પાક : મહારાષ્ટ્રમાં વરસાદની ચિંતા જ્યારે ઓડિશામાં પૂરતો ભાવ નથી

ડાંગર

વરસાદ ખેંચાતાં કે વરસાદની ઘટને કારણે મહારાષ્ટ્રના પૂર્વ વિદર્ભ વિસ્તારના ખેડૂતોમાં ડાંગરના પાક માટે ચિંતા શરૂ થઈ છે. ખરીફ વાવેતરના પ્રારંભે વરસાદ શરૂ થયો હોવાથી ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું હતું, પણ હવે વરસાદ ખેંચાયો છે અને અત્યાર સુધી વરસાદ એકદમ ઓછો થયો છે. પિયત નહીં થવાને કારણે ડાંગરનો પાક સુકાવા માંડ્યો છે. જોકે મોસમ વિભાગે એવી આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસમાં આ ક્ષેત્રમાં વરસાદ શરૂ થશે.

વિદર્ભમાં સામાન્ય રીતે ૧ જૂનથી ૨૪ જુલાઈ દરમ્યાન ૪૦૫.૭૦ મિમી વરસાદ થાય છે, પણ આ વર્ષે અહીં માત્ર ૨૩૮.૫ મિમી વરસાદ પડ્યો છે જે ૪૧ ટકાની ખાધ દર્શાવે છે.

બીજી તરફ ઓડિશાના ખેડૂતો માટે ડાંગર બીજી એક સમસ્યા લઈને આવ્યો છે. રાજ્ય સરકારે આપેલી માહિતી અનુસાર રાજ્યમાં ખેડૂતોનો ડાંગરનો ઉત્પાદનખર્ચ ૨૪૦૩ રૂપિયા પ્રતિક્વિન્ટલ છે તો સામે સરકારે ટેકાનો ભાવ માત્ર ૧૮૧૫ રૂપિયા પ્રતિક્વિન્ટલ નક્કી કર્યા છે. બજારમાં ભાવ નીચા છે એટલે ટેકાના ભાવે માલ વેચવામાં આવે તો પણ પ્રતિક્વિન્ટલ ૫૮૮ રૂપિયાનું નુકસાન ખેડૂતોએ સહન કરવું પડે છે.

ઓડિશાના કૃષિપ્રધાન અરુણ કુમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કેન્દ્રને ડાંગરનો ટેકાનો ભાવ ૨૯૩૦ રૂપિયા નક્કી કરવા માટે ભલામણ કરી હતી, પરંતુ સરકારે એ સ્વીકારી નથી.

business news