રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માર્ચ ક્વૉર્ટરમાં કર્યો ૧૦,૩૬૨ કરોડનો નફો કર્યો

19 April, 2019 10:27 AM IST  | 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માર્ચ ક્વૉર્ટરમાં કર્યો ૧૦,૩૬૨ કરોડનો નફો કર્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગયા જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરમાં ૧૦,૩૬૨ કરોડ રૂપિયાનો વિક્રમી ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીના રીટેલ અને ટેલિકૉમ બિઝનેસની આવક વધવાને પગલે નફો વધ્યો છે. કંપનીના ઑઇલ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ સેગમેન્ટમાં કમાણી ઘટી એની કમી રીટેલ અને ટેલિકૉમ બિઝનેસે પૂરી કરી દીધી છે.

આ નફો ગયા વર્ષના ૯૪૩૮ કરોડની તુલનાએ ૯.૮ ટકા વધારે હતો. પ્રતિ શૅર ૧૭.૫ રૂપિયાનો આ નફો થાય છે. પાછલા વર્ષે સમાન ક્વૉર્ટરમાં પ્રતિ શૅર નફો ૧૫.૯ રૂપિયાનો હતો.
કંપનીએ જણાવ્યા મુજબ ગ્રુપની કન્સોલિડેટેડ આવક ૧૯.૪ ટકા વધીને ૧,૫૪,૧૧૦ કરોડ રૂપિયા થઈ છે. રીટેલ બિઝનેસનો નફો ૭૭ ટકા વધીને ૧૯૨૩ કરોડ રૂપિયા અને ટેલિકૉમનો નફો ૭૮.૩ ટકા વધીને ૨૬૬૫ કરોડ રૂપિયા થયો છે.

નિવેદનમાં જણાવાયા મુજબ ગ્રુપનો કન્સોલિડેટેડ વાર્ષિક ચોખ્ખો નફો ૩૯,૫૮૮ કરોડ રૂપિયા થયો છે જે ૧૩.૧ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. રીટેલ બિઝનેસની આવક ૧,૦૦,૦૦૦ કરોડ રૂપિયાનો વિક્રમ સર્જનારી બની ગઈ છે.

કરવેરા પહેલાંનો નફો ૪.૬ ટકાની વૃદ્ધિ સાથે ૧૩,૮૫૮ કરોડ રૂપિયા થયો છે તથા રોકડ નફો ૬.૧ ટકાની વૃદ્ધિ સાથે ૧૬,૩૪૯ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે.

પાછલા ક્વૉર્ટરમાં કંપનીની નિકાસમાં ૪.૪ ટકાનો ઘટાડો થઈને આંકડો ૪૯,૦૫૨ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે.

કંપનીએ એમ પણ જણાવ્યું છે કે ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જેએમ ફાઇનૅન્શિયલ ઍસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડે આલોક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હસ્તગત કરવા માટે સુપરત કરેલો રેઝોલ્યુશન પ્લાન નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની અમદાવાદ બેન્ચે સ્વીકારી લીધો છે. વૈધાનિક અને નિયમનકારી મંજૂરીઓ મળ્યા બાદ એનો અમલ કરવામાં આવશે. ઉપરાંત, રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડે જેનેસિસ કલર્સ લિમિટેડમાં ૯.૪૪ ટકા હિસ્સો હસ્તગત કર્યો છે.’
પરિણામ વિશે ગ્રુપના ચૅરમૅન-મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અંબાણીએ કહ્યું હતું કે ‘નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯ દરમ્યાન અનેક સીમાચિહ્નો સર કરવામાં આવ્યાં હતાં. જીઓ ઇન્ફોકૉમ હવે ૩૦ કરોડ કરતાં વધુ ગ્રાહકો ધરાવે છે અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસે સર્વોચ્ચ કમાણી કરી આપી છે. ઊર્જા‍ની માર્કેટમાં વૉલેટિલિટી વધી હોવા છતાંકંપનીએ ૩૯,૫૮૮ કરોડ રૂપિયાનો વિક્રમી કન્સોલિડેટેડ ચોખ્ખો નફોકર્યો છે.
જીઓ ઇન્ફોકૉમ સૌથી વધુ ઝડપે ૩૦ કરોડ ગ્રાહકોનો આંક પ્રાપ્ત કરનારી કંપની બની

રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ ઇન્ફોકૉમના ગ્રાહકોની સંખ્યા ગયા માર્ચના અંતે ૩૦ કરોડનો આંક વટાવી જતાં આ સ્તર સુધી સૌથી વધુ ઝડપે પહોંચનાર ઑપરેટર તરીકેનું સીમાચિહ્ન એણે સર કર્યું છે.
કંપનીના નિવેદનમાં જણાવાયા અનુસાર ‘નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯ દરમ્યાન એણે ૩૮,૮૩૮ કરોડ રૂપિયાની ઑપરેટિંગ કમાણી કરી છે. ઉપરાંત આ ઉદ્યોગમાં સૌથી વધુ એટલે કે ૩૮.૯ ટકાનું ચ્ગ્ત્વ્Dએ માર્જિન પણ એણે હાંસલ કર્યું છે.

આ પણ વાંચો- હવે, બ્રિટનની 259 વર્ષ જુની કંપની પર રિલાન્યસ રિટેલની નજર

કંપનીના ગ્રાહકોએ પ્રતિ મહિના ૧૦.૯ ગીગાબાઇટ ડેટા અને ૮૨૩ મિનિટની વોલ્ટે વૉઇસ સેવાનો ઉપયોગ કર્યો હતો. એનો ગયા જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરનો ચોખ્ખો નફો ૮૪૦ કરોડ રૂપિયા થયો હતો જે વર્ષાનુવર્ષ ધોરણે ૬૪.૭ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ ક્વૉર્ટરની એની દરેક યુઝર દીઠ મહિનાની સરેરાશ આવક ૧૨૬.૨ રૂપિયા થઈ હતી અને કુલ વાયરલેસ ડેટા ટ્રાફિક ૯૫૬ કરોડ ગીગાબાઇટ અને કુલ વૉઇસ ટ્રાફિક ૭૨,૪૧૪ કરોડ મિનિટ થયો હતો.

mukesh ambani