RBI વ્યાજનો દર ઘટાડશે ચોક્કસ, પણ તેની આર્થિક વિકાસમાં મોટી અસર થશે નહીં

05 December, 2019 10:47 AM IST  |  Mumbai

RBI વ્યાજનો દર ઘટાડશે ચોક્કસ, પણ તેની આર્થિક વિકાસમાં મોટી અસર થશે નહીં

રિઝર્વ બૅન્ક

રિઝર્વ બૅન્કની મોનેટરી પૉલિસી કમિટીની બેઠકમાં ગુરુવારે વ્યાજદરમાં ઘટાડો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. કેલૅન્ડર વર્ષ ૨૦૧૯માં સતત છઠ્ઠો ઘટાડો હશે. આ ઘટાડો થાય તો એશિયામાં કોઈ પણ દેશ કરતાં તે વધારે હશે અને વર્ષ ૨૦૦૮ના અમેરિકાના સબપ્રાઈમ ક્રાઈસીસ પછી ૨૦૦૯ના એક જ વર્ષમાં કરેલા ઘટાડા કરતાં પણ તે વધારે હશે. રિઝર્વ બૅન્ક વ્યાજનો દર ૦.૨૫ ટકા ઘટાડે તો તે ૪.૯૦ ટકા થઈ જશે જે છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી નીચો હશે અને સબપ્રાઇમ ક્રાઈસીસ પછી ૪.૭૫ ટકાના, દેશના ઇતિહાસના સૌથી નીચા દરની નજીક હશે.

જોકે, પાંચ ઘટાડા પછી પણ દેશના આર્થિક વિકાસના મામલે સરકાર અને રિઝર્વ બૅન્કને કોઈ સારા સમાચાર મળી રહ્યા નથી. એપ્રિલથી જૂનના પ્રથમ ક્વાર્ટરમાં આર્થિક વિકાસદર પાંચ ટકા રહ્યો હતો અને જુલાઈથી સપ્ટેમ્બરમાં તે વધારે ઘટી ૪.૫ ટકા થઈ ગયો છે. આર્થિક વિકાસનો દર એટલો નીચો છે કે દેશમાં દર વર્ષે નવા ઉમેરાતા લોકોને રોજગારી આપવી શક્ય નથી અને બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ લાખ કરોડ ડૉલરના અર્થતંત્રના કદનો વર્ષ ૨૦૨૪નો લક્ષ્યાંક પણ પૂર્ણ થઈ શકે એમ નથી.

દેશના આર્થિક વિકાસની દિશા અને તેવર નક્કી કરતા નીતિ આયોગે પણ આ પડકાર સિદ્ધ કરવો મુશ્કેલ હોવાનું કેન્દ્ર સરકારની એક સમિતિને જણાવ્યું છે.

નીતિ આયોગે જણાવ્યું હતું કે આ લક્ષ્ય પાર કરવા સામે ધીમો પડી રહેલો વર્તમાન આર્થિક વિકાસદર એક મોટી અડચણ છે. ફાઇનેન્સ વિભાગની સંસદની સ્ટેન્ડિંગ કમિટીને એક બેઠકમાં નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર અમિતાભ કાન્તે આ વિગતો આપી છે. નીતિ આયોગે જણાવ્યું છે કે આ લક્ષ્ય પાર પાડવા માટે દેશનો ફુગાવા સહિતનો આર્થિક વિકાસદર (વર્તમાન ભાવે જીડીપી) સરેરાશ ૧૨.૪ ટકા વધવો જોઈએ જે અત્યારે માત્ર ૭થી ૮ ટકા આસપાસ છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આર્થિક વિકાસ ઊંચો લઈ જવા માટે મૂડીરોકાણ અને વપરાશ (માગ) બે આધાર છે અને ત્યારે મૂડીરોકાણ સતત ઘટી રહ્યું છે.

રિઝર્વ બૅન્ક માટે મુશ્કેલી

રિઝર્વ બૅન્ક સામે અત્યારે એક મોટો પડકાર છે. આર્થિક વિકાસ દેશની ક્ષમતા કરતાં નીચો છે, ફુગાવો વધી રહ્યો છે અને સરકાર પાસે નાણાભીડના કારણે આર્થિક પ્રોત્સાહન આપવા માટે તક નથી. ફુગાવાનો દર કમિટી માટે ચાર ટકા આસપાસ રહેવો જોઈએ પણ છેલ્લા ૧૫ મહિનામાં પ્રથમ વખત ફુગાવો ૪.૬૨ ટકા પહોંચ્યો છે. આમ છતાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બૅન્ક તેને અવગણી વ્યાજનો દર ઘટાડી શકે છે.

ઑક્ટોબરમાં છેલ્લી પૉલિસી બેઠકમાં રિઝર્વ બૅન્કે દેશનો આર્થિક વિકાસનો પોતાનો અંદાજ ૦.૮૦ ટકા ઘટાડી ૬.૧ ટકા રહેશે એવી આગાહી કરી હતી. જે રીતે ઑગસ્ટમાં ૧.૪ ટકા અને સપ્ટેમ્બરમાં ૪.૩ ટકા ઔદ્યોગિક ઉત્પાદન ઘટ્યું છે એ જોતાં રિઝર્વ બૅન્ક વધુ એક વખત જીડીપી વિકાસ દરનો અંદાજ ઘટાડી પણ શકે છે.

આની શું અસર?

રિઝર્વ બૅન્ક વ્યાજનો દર ઘટાડે (રેપો રેટ) એટલે બૅન્કો રિઝર્વ બૅન્ક પાસેથી જે નાણાં મેળવે છે તેનો ખર્ચ ઘટે છે. વ્યાજનો ખર્ચ ઘટે તો બૅન્કો ધિરાણ દર પણ ઘટાડે એવી માન્યતા હોય છે. આર્થિક વિકાસ માટે વ્યાજનો દર હળવો થાય તો નાણાં સસ્તાં થયાં છે એવું માની ગ્રાહકો લોન લઈ ખરીદી કરે અથવા તો ઉદ્યોગ સાહસિકો વધુ મૂડીરોકાણ કરે તેવી થિયરી છે. હકીકત આનાથી ઊલટી પણ હોઈ શકે.

જાન્યુઆરીથી ઑક્ટોબર વચ્ચે રિઝર્વ બૅન્કે રેપો રેટ ૧.૩૫ ટકા ઘટાડો, પણ એટલી માત્રામાં તો છોડો તેનાથી અડધા પણ વ્યાજના દર ઘટ્યા નથી. રિઝર્વ બૅન્કના ઉપલબ્ધ આંકડા અનુસાર જ જાન્યુઆરીમાં નવી લોન માટેનો વ્યાજનો દર ૯.૯૭ ટકા હતો તે હવે ઘટી ૯.૫૮ ટકા થયો છે એટલે કે ૦.૩૯ ટકા જ! ચાલુ લોન ઉપરનો વ્યાજનો દર જાન્યુઆરીમાં ૧૦.૩૮ ટકા હતો તે વધી ૧૦.૪૩ ટકા થયો છે એટલે કે ૦.૦૫ ટકાનો વધારો થયો છે. ધિરાણનો દર ઘટવાની સાથે થાપણો ઉપર પણ દર ઘટે છે. વર્તમાન સ્થિતિમાં તે ૬.૯૧ ટકા સામે ઘટી ૬.૮૪ ટકા થયો છે.

સીધા શબ્દોમાં કહીએ તો રિઝર્વ બૅન્કની ધારણા અનુસાર રિઝર્વ બૅન્કે કરેલા વ્યાજના ઘટાડાના પ્રમાણમાં વાસ્તવિક રીતે વ્યાજનો દર ઘટ્યો નથી.

બીજી તરફ બૅન્કોનું ધિરાણ ઘટી રહ્યું છે. ગત વર્ષે એપ્રિલથી નવેમ્બર વચ્ચે ધિરાણમાં ૫.૬ ટકાની વૃદ્ધિ હતી જે આ વર્ષે માત્ર ૦.૮ ટકા છે. સામે બૅન્કો પાસે જમા થતી થાપણોમાં વૃદ્ધિ ૩.૫ ટકાના દરે સ્થિર છે. આ દર્શાવે છે કે ધિરાણ માટે માગ નથી અથવા તો બૅન્કો ધિરાણ નથી કરી રહી.

આ પણ વાંચો : પૅનને બદલે આધાર કાર્ડ નંબર આપશો તો 10,000નો દંડ થશે

બન્ને સ્થિતિ કદાચ સાચી હોય. બૅન્કો એટલે માટે ધિરાણ નથી કરી રહી કે સપ્ટેમ્બર સુધી મોટા ભાગની સરકારી બૅન્કોને મૂડીની અછત હતી. પાંચ વર્ષથી એનપીએ માટે જોગવાઈઓ કરી તેમની મૂડી સાફ થઈ ગઈ છે. નફો લગભગ ખોટના સ્વરૂપમાં આવી ગયો છે. માગ એટલા માટે નથી કે સાહસિકોને આર્થિક મંદી નડી રહી છે. બજારમાં માગ છે નહીં એટલે તેમણે ક્ષમતા ઘટાડી છે અથવા તો ઉત્પાદન ઘટાડ્યું છે. જ્યારે વધારાની ક્ષમતા નકામી પડી રહી હોય ત્યારે નવું રોકાણ ક્યાં કરે? માગ એટલા માટે નથી કે લોકોની આવક ઘટી રહી છે, ભૂતકાળમાં લીધેલી લોનનો બોજ મોટો છે અને રોજગારી ઘટી રહી છે. આ વિષચક્રમાં સરકાર જ નાણાકીય રીતે મદદ કરી શકે છે અથવા તો હસ્તક્ષેપ કરી શકે છે.

reserve bank of india business news