કોરોનાના ડરથી શૅરબજારમાં સ્થાનિક ફન્ડ્સનું પ્રૉફિટ-બુકિંગ

14 February, 2020 01:48 PM IST  |  Mumbai Desk

કોરોનાના ડરથી શૅરબજારમાં સ્થાનિક ફન્ડ્સનું પ્રૉફિટ-બુકિંગ

વૈશ્વિક બજારોમાં કોરોના વાઇરસના કેસોમાં તીવ્ર વૃદ્ધિ અને ભારતના આર્થિક આંકડાઓ નબળા આવતાં ભારતીય શૅરબજારમાં આજે બે દિવસથી વધી રહેલા શૅરમાં વેચવાલી જોવા મળી હતી. સાવચેત રોકાણકારોએ નફો બુક કર્યો હતો. ફુગાવો છ વર્ષની સૌથી ઊંચી સપાટીએ આવતાં રિઝર્વ બૅન્ક વ્યાજદર નહીં ઘટાડે એવી અપેક્ષાએ ખાનગી બૅન્કો, ઑટો અને નાણાકંપનીઓના શૅરની આગેવાનીમાં ઘટાડો જોવા મળ્યો હતો. ચીનમાં કોરોના વાઇરસ ઘટી રહ્યો છે એવી ચર્ચા વચ્ચે આજે એકસાથે નવા ૧૪,૦૦૦ કેસ નોંધાયા હતા. વ્યાપ વધી રહ્યો હોવાથી એશિયા, યુરોપનાં શૅરબજાર ઘટ્યાં હતાં અને એની સાથે અમેરિકામાં શૅર ઘટીને ખૂલે એવું વાયદા સૂચવી રહ્યા છે.
આજે શૅરબજારમાં સ્થાનિક સંસ્થાઓની ભારે વેચવાલીના કારણે એક તબક્કે નબળા પડી રહેલા બજારમાં વિદેશી ફન્ડ્સની આક્રમક ખરીદી જોવા મળી હતી. સ્થાનિક સંસ્થાઓએ આજે ૯૬૦ કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી તો વિદેશી સંસ્થાઓએ ૧૦૬૧ કરોડ રૂપિયાના શૅર ખરીદ્યા હતા.
સત્રના અંતે સેન્સેક્સ ૧૦૬.૧૧ પૉઇન્ટ કે ૦.૨૬ ટકા ઘટી ૪૧,૪૫૯.૭૯ અને નિફ્ટી ૨૬.૫૫ પૉઇન્ટ ઘટી ૧૨,૧૭૪.૬૫ની સપાટીએ બંધ આવ્યા હતા. ક્રેડિટ રેટિંગમાં ઘટાડા પછી આજે બીજા દિવસે પણ ઇન્ડસઇન્ડ બૅન્ક ઘટ્યો હતો. આ ઉપરાંત સેન્સેક્સ કંપનીઓમાં એનટીપીસી, તાતા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બૅન્ક, કોટક બૅન્ક અને એચડીએફસી ઘટ્યા હતા. સામે ટાઇટન, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, ઇન્ફોસિસ, સન ફાર્મા અને ટેક મહિન્દ્ર વધીને બંધ આવ્યા હતા.
જોકે બજારમાં આગલા બે દિવસો કરતાં નાની અને મધ્યમ કંપનીઓના શૅરમાં થોડી ખરીદી જોવા મળી હતી અને વધેલા કરતાં શૅરોની સંખ્યા ઓછી હોવા છતાં બુધવાર કરતાં સ્થિતિ સુધરી હતી. આ ઉપરાંત રોકડ માર્કેટમાં વૉલ્યુમ ઓછાં હતાં અને નિફ્ટીમાં સાપ્તાહિક વાયદાની પતાવટની અસર રોકડાના શૅરો પર જોવા મળી રહી હતી.
આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧માંથી આઇટી, ફાર્માની આગેવાની હેઠળ પાંચમાં વધારો જોવા મળ્યો હતો. આજે ખાનગી બૅન્કોની આગેવાની હેઠળ છ ક્ષેત્રોમાં ઘટાડો થયો હતો. એક્સચેન્જ પર ૬૧ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૧૦૧ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૭૯ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૧૧૮ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ પર ૯૯ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૧૪૩ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૭૫ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૨૫૨માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૦૭ ટકા વધ્યો હતો અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૦૧ ટકા ઘટ્યો હતો. ગુરુવારે બીએસઈનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૫૫૮૭ કરોડ ઘટી ૧૫૯.૬૦ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
ખાનગી બૅન્કોમાં પ્રૉફિટ-બુકિંગ
ફુગાવો વધ્યો હોવાથી રિઝર્વ બૅન્ક વ્યાજના દર નહીં ઘટાડે એવી ધારણાએ ખાનગી બૅન્કોના શૅરમાં આજે ઘટાડો હતો. નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૧.૩૬ ટકા ઘટી ગયો હતો. ઇન્ડસઇન્ડ બૅન્ક ૩.૬૮ ટકા, સિટી યુનિયન ૨.૪૨ ટકા, આરબીએલ ૧.૯૭ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૫૧ ટકા, ફેડરલ બૅન્ક ૧.૪૯ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૪૪ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૨ ટકા અને એચડીએફસી બૅન્ક ૦.૬૩ ટકા ઘટ્યા હતા.
નવી મૂડી મળશે એવી આશાએ યસ બૅન્ક વધ્યો
બુધવારે ખાનગી ક્ષેત્રની તકલીફમાં પડેલી યસ બૅન્કે પરિણામ મોડાં જાહેર કરવા માટે અને ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની વધારાની મૂડી ઊભી કરવા માટે ત્રણ ઑફર આવી હોવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ ત્રણ દિવસથી ઘટી રહેલા શૅરના ભાવ આજે વધ્યા હતા. આજે યસ બૅન્કના શૅર ૫.૬૮ ટકા વધી ૩૭.૨૦ રૂપિયાની સપાટીએ બંધ રહ્યા હતા.
વધેલાં ક્ષેત્રોમાં આઇટી કંપનીઓમાં ખરીદી જોવા મળી હતી. આઇટી ઇન્ડેક્સ ૦.૮૨ ટકા વધ્યો હતો જેમાં ઇન્ફોસિસ ૧.૪૫ ટકા, માઇન્ડટ્રી ૧.૪૦ ટકા, ટેક મહિન્દ્ર ૦.૯૮ ટકા, ટીસીએસ ૦.૯૭ ટકા અને એમ્ફેસિસ ૦.૨૪ ટકા વધ્યા હતા.
આઇઆરસીટીસી ૧૧.૪ ટકા ઊછળ્યો
ભારતીય રેલવેની કેટરિંગ અને બુકિંગ ચલાવતી કંપની આઇઆરસીટીસીના ડિસેમ્બર ક્વૉર્ટરનાં પરિણામ જાહેર થયાં હતાં. કંપનીનો નફો ૧૭૮ ટકા વધ્યો હતો અને આવક ૬૨ ટકા વધી હતી. વિક્રમી પરિણામ બાદ કંપનીના શૅર આજે ૧૧.૪૨ ટકા વધી ૧૫૮૦.૯૫ રૂપિયાની સપાટીએ બંધ રહ્યા હતા. ઑક્ટોબરમાં લિસ્ટ થયેલા કંપનીના શૅર ઇશ્યુ પ્રાઇસ ૩૨૦ રૂપિયા સામે આજે ત્રણ ગણા વધી ગયા છે અને સરકારી કંપનીના ભાવ જાણે ખાનગી કંપની હોય એ રીતે વધી રહ્યા છે.
એમડીના રાજીનામાથી કૅર રેટિંગ ગગડ્યો
સેબીએ આઇએલઍન્ડએફએસ કેસમાં સંડોવણી બદલ કૅર રેટિંગ્સના મૅનેજિંગ ડિરેક્ટર એસ. બી. માનિયાકને હટાવવા કૅર રેટિંગ્સને જાણ કરી હતી. આ પછી તેમણે રાજીનામું આપી દીધું હતું. ડિસેમ્બરમાં સેબીએ કૅર રેટિંગ્સને ૨૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. અગાઉ ઑગસ્ટમાં નરેશ ટક્કરે પણ મૅનેજિંગ ડિરેક્ટરપદેથી રાજીનામું આપી દીધું હતું. એવું જાણવા મળી રહ્યું છે કે એસ. બી. માનિયાકે આઇએલઍન્ડએફએસનું રેટિંગ નહીં બદલવા માટે સ્ટાફ પર દબાણ કર્યું હતું. આ નકારાત્મક સમાચારના કારણે કૅર રેટિંગ્સના શૅર આજે ૬.૦૧ ટકા ઘટી ૫૪૬.૫૦ રૂપિયા બંધ રહ્યા હતા.
અન્ય શૅરોમાં વધઘટ
બજારની ધારણા કરતાં અશોક લેલૅન્ડનાં ડિસેમ્બર ક્વૉર્ટરનાં પરિણામો સારાં હતાં. કંપનીનો નફો ૮૬ ટકા અને આવક ૩૦ ટકા ઘટી હોવા છતાં શૅરનો ભાવ ૦.૨૫ ટકા વધ્યો હતો. નાટકો ફાર્માનો નફો ૩૪.૫ ટકા અને વેચાણ ૧૩.૪ ટકા ઘટી જતાં શૅરના ભાવ ૪.૮૦ ટકા ઘટ્યા હતા. ટોરેન્ટ પાવરનો નફો ૭૭ ટકા વધ્યો હતો અને વેચાણ ૫.૭ ટકા ઘટ્યું હતું એટલે શૅર ૭.૫૫ ટકા વધ્યા હતા. જીલેટ ઇન્ડિયાનો નફો ૩૧.૬ ટકા વધ્યો હોવાથી શૅરનો ભાવ ૦.૭૮ ટકા ઘટ્યો હતો. પીઆઇ ઇન્ડસ્ટ્રીઝના શૅર પણ નફો ૧૨.૪ ટકા વધ્યો હોવા છતાં ૦.૮૭ ટકા ઘટ્યા હતા. આરતી ઇન્ડસ્ટ્રીઝનો નફો ૪.૬ ટકા વધ્યો હતો પણ વેચાણ ૪.૫ ટકા ઘટ્યું હોવાથી શૅર ૧.૪૬ ટકા ઘટ્યા હતા. સ્ટર્લિંગ વિલ્સન સોલારનો નફો ૭૩ ટકા અને વેચાણ ૩૪.૫૨ ટકા ઘટી જતાં શૅરનો ભાવ ૮.૪૦ ટકા ઘટ્યો હતો.
એમએસસીઆઇના ઇન્ડેક્સમાંથી બાકાત રહી જતા ચલેત હોટેલ્સના શૅર ૧.૭૭ ટકા ઘટ્યા હતા. ભેલના શૅર રશિયન કંપની સાથે સંયુક્ત સાહસની જાહેરાત બાદ ૧.૯૩ ટકા વધ્યા હતા તો જનરલ ઇન્શ્યૉરન્સના શૅર રશિયામાં પેટા કંપની ખોલવાની પરવાનગી મળતાં ૪.૧૧ ટકા ઘટ્યા હતા.

business news