સોના કરતાં પણ વધારે તેજી પેલેડિયમમાં જોવા મળી રહી છે

30 October, 2019 01:39 PM IST  |  મુંબઈ

સોના કરતાં પણ વધારે તેજી પેલેડિયમમાં જોવા મળી રહી છે

પેલેડિયમ

વાહનોના પ્રદૂષણનું સ્તર નિયંત્રિત રાખવા માટેના સાધનોમાં વપરાશમાં લેવાની ધાતુ પેલેડિયમના ભાવ સોના કરતાં પણ વધારે છે અને વધારે ઝડપથી વધી રહ્યા છે. સોમવારે પેલેડિયમના ભાવ વિક્રમી સપાટી ૧૮૦૦ ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયા હતા જે કેલેન્ડર વર્ષ ૨૦૧૯માં ૪૦ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. સોમવારે પેલેડિયમના હાજરમાં ભાવ ૧૮૦૨.૫૨ ડૉલર પ્રતિ ઔંસ અને વાયદામાં ૧૮૧૦.૨૦ ડૉલર પ્રતિ ઔંસની વિક્રમી સપાટી ઉપર હતા. જો કે આજે ભાવ થોડા ઘટી ૧૭૮૦ ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યા છે.

યુરોપ અને ચીનમાં પર્યાવરણના નિયમો કડક બની રહ્યા છે એટલે વાહનોનું વેચાણ થોડું નરમ હોવા છતાં ધાતુના ભાવ વધી રહ્યા છે. બીજી તરફ ઉત્પાદન કરતાં માગ વધારે હોવાથી ભાવમાં વૃદ્ધિ છે. આ સ્થિતિમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉરનો અંત આવે તો પેલેડિયમની માગ હજી પણ વધી શકે છે.

પેલેડિયમનું ઉત્પાદન રશિયા અને દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ થાય છે. આફ્રિકામાં ઑગસ્ટ મહિનામાં ઉત્પાદન છેલ્લા ૧૮ મહિનામાં સૌથી ઓછું થયું હતું અને રશિયામાં પણ ઉત્પાદન વધતું અટકી ગયું છે. બીજી તરફ આફ્રિકામાં ખાણકામ વિસ્તારોમાં વીજળીના પુરવઠામાં વિક્ષેપના કારણે પણ ઉત્પાદન વધે એવું લાગી રહ્યું નથી.

ડીઝલ વાહનોમાં ઇંધણથી થતું પ્રદૂષણ અટકાવવા માટે વપરાતા કન્વર્ટરમાં પેલેડિયમ અથવા તો સસ્તી પ્લેટિનમનો ઉપયોગ કરવામાં આવે છે, પણ પેલેડિયમની ગુણવત્તા વધારે ચડિયાતી હોવાથી ઊંચા ભાવે પણ ઑટો ઉત્પાદકો તેનો ઉપયોગ ઘટાડી રહ્યા નથી.

business news