ઑક્સફામઃ ભારતીય ધનપતિઓની સંપત્તિ દેશનાં એક વર્ષનાં બજેટથી પણ વધુ

20 January, 2020 06:55 PM IST  |  Mumbai Desk

ઑક્સફામઃ ભારતીય ધનપતિઓની સંપત્તિ દેશનાં એક વર્ષનાં બજેટથી પણ વધુ

ભારતનાં એક ટકો ધનપતિઓ દેશનાં 953 મિલિયન લોકો કરતાં ચાર ગણું ધન ધરાવે છે. આ 953 મિલિયન લોકો દેશની 70 ટકા વસ્તી છે. સોમવારે જ જાહેર કરેલા ઑક્સફામનાં એક સંશોધન અનુસાર બધાં ભારતીય અબજોપતિઓની સંપત્તિ એક આખા વર્ષનાં બજેટ કરતાં ય વધારે છે. આપણા દેશમાં આર્થિક અસમાનતાની ચોંકાવનારી વિગતો ઑક્સફામનાં રિપોર્ટમાં આવતી રહી છે. ઑક્સફામનું આ સંશોધન ‘ટાઇમ ટુ કેર’ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 50મી વાર્ષિક બેઠક પહેલાં બહાર પાડવામાં આવ્યો છે.

આ સંશોધન અનુસાર વિશ્વનાં 2,153 અબજપતિઓ પાસે 4.6 બિલિયન લોકો કરતાં એટલે કે આખી પૃથ્વીની 60 ટકા વસ્તી કરતાં વધારે સંપત્તિ છે. છેલ્લા દાયકામાં વિશ્વમાં અબજપતિઓની સંખ્યા બમણી થઇ છે પણ તેમની કુલ સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. ઑક્સફામ ઇન્ડિયાના સીઇઓ અમિતાભ બેહરે કહ્યું હતું કે, ‘ધનિકો અને ગરીબો વચ્ચેની ખાઇ અસમાનતા દૂર કરવાનાં લક્ષ્યથી બનેલી નીતિઓ દ્વારા જ દૂર થઇ શકે છે.’ આ સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે સુક્ષ્મ આર્થિક નબળાઇઓ અને આર્થિક અસમાનતા 2019નાં વર્ષમાં વૈશ્વિક સ્તરે વધારે ગંભીર બનેલી સમસ્યાઓ છે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં પાંચ દિવસનાં સમિટમાં જાતી આધારિત અસમાનતાનો મુદ્દો પણ ચર્ચાશે. વળી આખી દુનિયામાં વિવિધ દેશોમાં ચાલી રહેલા સામાજિક વિરોધો અને અરાજકતાનું મૂળ પણ આર્થિક અસમાનતા જ છે, પછી ભલે તે શરૂ થવાનુ કારણ ભ્રષ્ટાચાર, બંધારણિય ભૂલો કે ભાવ વધારો હોય.

છેલ્લા ત્રણ દાયકામાં વૈશ્વિક અસમાનતા ઘટી છે પણ આવકમાં ઘરેલુ અસમાનતા ઘણાં દેશોમાં વધી છે, ખાસ કરીને આગળ પડતાં અર્થતંત્રમાં આ ભેદ ઘણો વધારે છે તેવું ગ્લોબલ રિસ્ક રિપોર્ટમાં ગયા સપ્તાહે જાણવા મળ્યું હતું. ઑક્સફામનાં રિપોર્ટ અનુસાર ‘સેક્સિસ્ટ’ અર્થતંત્રનો પ્રસાર થવાથી ધનપતિઓ સાધારણ માણસનાં બળે, ખાસ કરીને ગરીબ સ્ત્રીઓ અને યુવતીઓનાં જોરે મોટા પાયે ધન એકઠું કરી રહ્યા છે.

ભારતનાં સંદર્ભે ઑક્સફામે કહ્યું કે 63 ભારતીય અબજોપતિની સંપત્તિ ભારતનાં 2018-19 યુનિયન બજેટ કરતાં પણ વધારે છે, જે 24,42,000 કરોડ હતું. બેહરે ટિપ્પણી કરી હતી કે, ‘સામાન્ય માણસ એમ વિચારે કે અબજોપતિનું અસ્તિત્વ હોવું જોઇએ કે કેમ એ સ્વાભાવિક છે કારણકે સાધારણ લોકોનાં જોર પર અબજો પતિનાં ખિસ્સાં તગડાં બની રહ્યાં છે.’

એક ઉચ્ચ કોટીની ટેક્નોલોજી કંપનીનાં સીઇઓ જેટલું વર્ષે કમાય છે તેટલું કમાવા માટે ઘરઘરાઉ કામ કરનારી સ્ત્રીને 22,277 વર્ષ લાગશે. ઘરે ઘરે જઇને કામ કરનારી મહિલા એક વર્ષે જેટલું કમાય છે તેનાથી વધારે ટેક સીઇઓ દસ જ મિનીટમાં કમાઇ શકે છે. સંશોધનમાં એમ પણ કહ્યું છે કે સ્ત્રીઓ અને યુવતીઓ 3.26 બિલિયન કલાકો સુધી અનપેઇડ કેર વર્ક કરીને ભારતીય અર્થતંત્રમાં અંદાજે 19 લાખ કરોડ રૂપિયાનું યોગદાન આપે છે જે ભારતનાં ગત આર્થિક વર્ષનાં શિક્ષણ બજેટ કરતાં 20 ગણું વધારે છે.

કેર ઇકોનોમીમાં જીડીપીનાં બે ટકા જેટલું સીધું જાહેર રોકણ કરવાથી રોજગારીની 11 મિલિયન તકો સર્જાઇ શકે છે અને તે 2018માં ગુમાવાયેલી 11 મિલિયન નોકરીઓનું સાટું વાળી શકે છે. બેહરનાં મતે વિશ્વમાં બહુ ઓછી સરકારોને ગરીબો અને ધનિકો વચ્ચેની ખાઈ દૂર કરી શકે તેવી નીતિઓ ઘડવામાં રસ છે. વળી તેમણે કહ્યું હતું કે સ્ત્રીઓ અને યુવતીઓ સમાજનો એવો હિસ્સો છે જેમને આજના અર્થતંત્રનો સૌથી ઓછો લાભ મળે છે. તેમના મુજબ, “તેઓ લાખો કલાકો સુધી રાંધે છે, સફાઇ કરે છે અને બાળકો તથા વૃદ્ધોનું ધ્યાન રાખે છે. આવા અનપેઇડ કેર વર્કને કારણે આપણાં અર્થતંત્રનું એન્જિન, બિઝનેસિઝ અને સમાજ ચાલે છે. સ્ત્રીઓને શિક્ષણ અને કારકિર્દી માટે ઓછો સમય મળતો હોવાથી તેઓ હંમેશા અર્થતંત્રનાં તળિયે જ રહે છે.”

ઑક્સફામનાં મતે સરકાર ધનપતિઓ અને કોર્પોરેશન્સ પાસેથી નહિવત્ કરવેરા લે છે અને એ સ્તરે રેવન્યુ એકઠા કરવામાં પાછી પડે છે જેનાથી મહિલાઓની કાળજીની જવાબદારી ઉપાડી શકાય તથા ગરીબી અને અસમાનતાનો પ્રશ્ન કંઇક અંશે ઉકેલી શકાય. સરકાર જાહેર સેવાઓમાં પણ પુરતું ભંડોળ નથી આપતી , એમ થાય તો મહિલાઓ અને યુવતીઓનો કામનો બોજ ઘટાડી શકાય. વૈશ્વિક સરવે અનુસાર વિશ્વનાં 22 ધનાઢ્યો પાસે આફ્રિકાની મહિલા વસ્તી પાસે છે તેનાં કરતાં વધુ સંપત્તિ છે. વિશ્વના એક ટકા સૌથી વધુ ધનિકો આગામી દસ વર્ષ સુધી પોતાની સંપત્તિ પર માત્ર 0.5 ટકા કરવેરો પણ વધારે ભરશે તો રોજગારીની 117 મિલિયન તકો વૃદ્ધો અને બાળકોની કાળજી, શિક્ષણ અને સ્વાસ્થ્યનાં ક્ષેત્રે ખડી કરી શકાશે.

ઑક્સફામનું કહેવું છે કે તેમની આ ગણતરીઓ છેલ્લામાં છેલ્લા ઉપલબ્ધ ડેટા સોર્સને આધારે તૈયાર કરાયા છે જેમા ક્રેડિટ સુઇસ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ્સ ગ્લોબલ વેલ્થ ડેટાબુક 2019 અને ફોર્બ્ઝ બિલિયોનેર લિસ્ટ જેવા સ્રોતનો પણ સમાવેશ થાય છે.

business news