સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ અને નિફ્ટી ૧.૧ ટકા વધ્યા

14 September, 2019 12:48 PM IST  |  મુંબઈ ડેસ્ક

સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ અને નિફ્ટી ૧.૧ ટકા વધ્યા

પ્રતીકાત્મક તસવીર

સ્ટૉક-ટૉક

શૅરબજારમાં એક સપ્તાહમાં વહેણ બદલાયું છે. અગાઉ જેમ બધા જ ખરાબ સમાચાર આવી રહ્યા હતા એમ અત્યારે બધા જ સારા સમાચાર આવી રહ્યા છે. ગુરુવારે ભારતમાં ઔદ્યોગિક ઉપ્તાદનમાં વૃદ્ધિ અને ધારણા કરતાં ફુગાવો અંકુશમાં રહેવાની જાહેરાત થઈ હતી. આ બન્ને પરિબળ સાથે રિઝર્વ બૅન્ક આગામી મહિને બેઠકમાં વ્યાજદર ઘટાડશે એવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જોકે બજારમાં આ સમાચારની અસર ઓછી હતી અને સામાન્ય વૃદ્ધિ સાથે બજાર ખૂલ્યાં હતાં, પણ દિવસના મધ્ય ભાગમાં ચીને અમેરિકા સાથે વ્યાપાર અંગે મંત્રણા શરૂ કરતાં પહેલાં કેટલીક ચીજો પર વધારાની ટૅરિફની છૂટ આપતાં તેજીમય વાતાવરણ થયું હતું.

છેલ્લા એક કલાકમાં બૅન્કિંગ ક્ષેત્રના શૅરમાં જોવા મળેલી ખરીદીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બન્ને દિવસના નીચલા સ્તરથી વધીને બંધ આવ્યા હતા. નિફ્ટી બૅન્ક ૧.૦૧ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ૧.૦૧ ટકા અને નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૦.૨૫ ટકા વધ્યા હતા. બૅન્કિંગ શૅરના કારણે સેન્સેક્સમાં ૨૪૫ પૉઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. આઇસીઆઇસીઆઇ બૅન્કના શૅર છેલ્લા એક કલાકમાં ૪૦૮.૬૫થી વધીને ૪૧૩.૨૫ રૂપિયા બંધ આવ્યા હતા જે પાછલા દિવસ કરતાં ૨.૬૧ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

દિવસના અંતે સેન્સેક્સ ૨૮૦.૭૧ પૉઇન્ટ વધી ૩૭,૩૮૪.૯૯ અને નિફ્ટી ૯૩.૧૦ પૉઇન્ટ વધી ૧૧,૦૭૫.૯૦ની સપાટીએ બંધ આવ્યા હતા. નિફ્ટી ૧૧,૦૦૦ની ઉપર ખૂલ્યો હતો પણ એક તબક્કે એ ૧૦,૯૪૫ની નીચી સપાટીએ પહોંચ્યો હતો, પણ છેલ્લા કલાકની ખરીદીમાં એમાં ઉછાળો આવ્યો હતો. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ ૧.૧ ટકા અને નિફ્ટી ૧.૨ વધ્યા છે, જ્યારે નિફ્ટી ૫૦૦ ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો વધારો જોવા મળ્યો છે.

બીજી તરફ દિવસભર અટકળો અને બિનસત્તાવાર અહેવાલો વચ્ચે પણ બજારમાં કેટલીક કંપનીઓના શૅરમાં ઉછાળો જોવા મળ્યો હતો. આવી અટકળો કેટલી સાચી પુરવાર થાય એ જોવાનું રહ્યું. સપ્ટેમ્બરના અંતે દેશમાં નાણાકીય વર્ષના પ્રથમ ૬ મહિના પૂર્ણ થશે એટલે દરેક મ્યુચ્યુઅલ ફન્ડ પોતાની અસ્કયામતો અને રોકાણ જાહેર કરશે. આ જાહેરાતોમાં નેટ ઍસેટ વૅલ્યુ વધારે આવી કે સારી દેખાઈ એટલે પણ બજારમાં તેજીમય વાતાવરણ ઊભું કરવા માટે પ્રયાસ થઈ રહ્યા હોય એવી વાત પણ આવી રહી છે. આજે સ્થાનિક સંસ્થાઓએ ૨૦૯.૫૬ કરોડ રૂપિયાના શૅરની ખરીદી કરી હતી.

નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧ સેક્ટરના ઇન્ડેક્સમાંથી માત્ર ફાર્મા ઇન્ડેક્સ ૦.૮૫ ટકા ઘટ્યો હતો, બાકી બધામાં વધારો જોવા મળ્યો હતો. એક્સચેન્જ પર ૧૫ કંપનીઓના શૅર બાવન સપ્તાહની નવી ઊંચી સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૩૭ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૫૮ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૭૩માં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ પર ૩૫ કંપનીઓના શૅર બાવન સપ્તાહની નવી ઊંચી સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૮૩ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૩૯ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૧૭૬માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલકૅપ ઇન્ડેક્સ ૦.૮૨ ટકા અને મિડકૅપ ઇન્ડેક્સ ૦.૪૧ ટકા વધ્યા હતા.

સરકાર ભારત પેટ્રો વિદેશી કંપનીને વેચશે : શૅરમાં ઉછાળો
નરેન્દ્ર મોદી સરકાર એવી વિચારધારા ધરાવે છે કે સરકારે પોતે બિઝનેસ ન કરવો જોઈએ. આ વિચારધારા સાથે છેલ્લાં પાંચ વર્ષની વિવિધ સરકારી કંપનીઓમાં પોતે હિસ્સો વેચી રહી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે સરકારે ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશનમાં પોતાનો ૫૩.૩ ટકા હિસ્સો વેચવા માટે વિદેશી ખરીદદાર શોધવા માટે રૂપરેખા ઘડી છે. જોકે આ સમાચારને સરકાર તરફથી કે કંપની તરફથી કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. ભારતમાં ઊર્જાની માગ વધી રહી છે અને આગામી ૨૦ વર્ષમાં એ બમણી થઈ જશે એવું ઇન્ટરનૅશનલ એનર્જી એજન્સીનું માનવું છે. આ સ્થિતિમાં સાઉદી અરબને અરામ્કો (ભારતમાં રિફાઇનરી સ્થાપવા માટે અને રિલાયન્સમાં હિસ્સો ખરીદવા સાથે), રશિયાની રોઝનેફ્ટ (એસ્સારની ખરીદી સાથે) અને ડચની અગ્રણી કંપની શેલ અત્યારે ભારતમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત અમેરિકાની ટોટલ પણ ભારતમાં યોગ્ય ભાગીદાર શોધી રહી છે.

સરકારી માલિકીની રિફાઇનિંગ અને રીટેલ વેચાણ કરતી ભારત પેટ્રો દેશની બીજા ક્રમની કંપની છે. શૅરના વર્તમાન મૂલ્ય સાથે લગભગ ૬૦,૦૦૦ કરોડ જેટલી રકમ એક જ સોદામાં ભારતને મળી શકે છે. જોકે અગાઉ આ રીતે કરવામાં આવેલા પ્રયત્ન નિષ્ફળ ગયા હતા. વાજપેયી સરકાર સત્તામાં હતી ત્યારે ૨૦૦૩માં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કર્મચારીઓ અને રાજકીય વિરોધના કારણે હિન્દુસ્તાન પેટ્રો અને ભારત પેટ્રોનું વેચાણ બંધ રાખવાની ફરજ સરકારને પડી હતી.

આ સમાચારને પગલે આજે કંપનીના શૅરના ભાવમાં ઉછાળો આવ્યો હતો. ભારત પેટ્રોના શૅર આજે ૬.૪૨ ટકા વધી ૪૦૮.૯૦ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા, જે છેલ્લા ત્રણ મહિનાની સૌથી ઊંચી સપાટી છે.

ખાદિમના શૅરમાં અકલ્પનીય ઉછાળો
ફુટવેર બનાવતી અગ્રણી બ્રૅન્ડ ખાદિમ ઇન્ડિયાના શૅરમાં અકલ્પનીય ઉછાળો જોવા મળી રહ્યો છે. બીએસઈ પર ‘બી’ ગ્રુપમાં સામેલ આ કંપનીના શૅર ૧૧ સપ્ટેમ્બરે ૧૮૭.૨૦ રૂપિયા પર બંધ આવ્યા છે. કંપનીએ બંગલા દેશમાં એક પેટાકંપની ખોલી હોવાની જાહેરાત અને એક ડિરેક્ટરે આપેલા રાજીનામા સિવાય અત્યારે કોઈ અન્ય ખબર નથી આવ્યા, પણ શૅર સતત વધી રહ્યા છે. શક્રવારે કંપનીના શૅર એક જ દિવસમાં ૧૫.૨૬ ટકા વધી ૨૬૯.૭૦ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા છે. ૧૧ સપ્ટેમ્બર પછી કંપનીના શૅરમાં ૧૨૧ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

ખાનગી બૅન્કો, રિયલ એસ્ટેટ અને ઑટોમાં ખરીદી
આજે વ્યાજ ઘટે તો ફાયદો થાય એવા દરેક ક્ષેત્રમાં ખરીદી જોવા મળી હતી. ખાનગી બૅન્કોમાં આઇસીઆઇસીઆઇ સિવાય કોટક બૅન્ક ૧.૭૯ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૭૪ ટકા, ફેડરલ બૅન્ક ૧.૪૦ ટકા, સિટી યુનિયન બૅન્ક ૧.૩૩ ટકા, આરબીએલ બૅન્ક ૧.૦૬ ટકા અને યસ બૅન્ક ૦.૯૬ ટકા વધ્યા હતા.

રિયલ એસ્ટેટ શૅરોમાં ડીબી રિયલ્ટી ૪.૯૯ ટકા, ડીએલએફ ૪.૧૦ ટકા, યુનિટેક ૨.૭૦ ટકા, અનંતરાજ ૨.૫૬ ટકા, ગોદરેજ પ્રૉપર્ટી ૧.૫૮ ટકા, પ્રેસ્ટિજ એસ્ટેટ ૦.૮૫ ટકા, મહિન્દ્ર લાઇફસ્પેસ ૦.૭૨ અને ફિનિક્સ મિલ્સ ૦.૩૩ ટકા વધ્યા હતા.

ઑટો શૅરમાં એસ્કોર્ટ્સ ૨.૨૮ ટકા, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ૧.૬૫ ટકા, એશોક લેલૅન્ડ ૧.૪૪ ટકા, તાતા મોટર્સ ૧.૨૫ ટકા, હીરો મોટોકૉર્પ ૧.૧૫ ટકા, મારુતિ ૦.૯૧ ટકા, બજાજા ઓટો ૦.૮૪ ટકા અને આઇશર મોટર્સ ૦.૧૪ ટકા વધ્યા હતા.

સમાચારોના આધારે વધારો
ગ્રેવિટાસ ઇન્ડિયાના શૅર આજે ૫.૭૫ ટકા વધ્યા હતા. કંપનીને લેડ રીસાઇકલ કરવા માટે ઘાના ખાતે પોતાની ક્ષમતા બમણી કરી હોવાથી શૅરના ભાવ વધ્યા હતા. દેવું ચૂકવવા માટે પ્રમોટર્સ દ્વારા શૅર ટ્રાન્સફર કરવાની શરૂઆત કરતાં ઝી એન્ટરટેઇનમેન્ટના શૅર ૧.૧૧ ટકા વધ્યા હતા. પીઆઇ ઇન્ડસ્ટ્રીઝના શૅર આજે ઇટલીની ઇસર્ગો ખરીદી લેવાની જાહેરાત પછી ૪.૩૬ ટકા વધ્યા હતા. દવા બનાવતી યુનિકેમ લૅબના શૅર આજે ૫.૦૯ ટકા વધ્યા હતા, કારણ કે કંપનીના પ્લાન્ટને અમેરિકન ડ્રગ રેગ્યુલેટર તરફથી મંજૂરી મળી હતી. મુંબઈ મેટ્રોની એક લાઇન બનાવવા માટે ૧૯૯૮ કરોડ રૂપિયાનો ઑર્ડર મળતાં જે. કુમાર ઇન્ફ્રાના શૅર ૧.૦૭ ટકા વધ્યા હતા.

business news