ક્રૂડની કિંમત 4.56 ટકાના વધારા સાથે 65.54 ડૉલર પ્રતિ બેરલે

09 January, 2020 10:49 AM IST  |  New Delhi

ક્રૂડની કિંમત 4.56 ટકાના વધારા સાથે 65.54 ડૉલર પ્રતિ બેરલે

ક્રૂડ ઑઈલ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાને હવે કોઈ રોકી શકે તેમ નથી. બુધવારે સવારે ઈરાન દ્વારા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરાયા બાદ ક્રૂડ ઑઈલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આ હુમલા પછી ક્રૂડ ઑઇલમાં ૪.૫ ટકાનો વધારો નોંધાયો છે. બ્રેન્ટ ઇન્ડેક્સ પર ક્રૂડની કિંમત ૪.૫૬ ટકાના વધારા સાથે ૬૫.૫૪ ડૉલર પ્રતિ બેરલ પહોંચી છે. જેનો સીધો અર્થ એ થાય છે કે આગામી કેટલાક દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળશે.

પહેલી જાન્યુઆરીથી લઈને દેશના તમામ પેટ્રોલ પમ્પોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેલ વિતરણ કંપનીઓ રોજ ભાવમાં વધારો કરી રહી છે. મંગળવારે મહાનગરોમાં પેટ્રોલના ભાવમાં પાંચ પૈસા વધ્યા હતા. જ્યારે ડીઝલના ભાવમાં દિલ્હી, કલકત્તા અને ચેન્નઈમાં ૧૧ પૈસા અને મુંબઈમાં ૧૨ પૈસા વધારો થયો હતો. જોકે આજના ભાવ જોવા જઈએ તો આજે તેલ કંપનીઓએ ભાવ વધાર્યા નથી.

business news iran iraq