NSEL કેસમાં તપાસ વારંવાર ગેરમાર્ગે ચડવાથી નાણાં મળતાં નથી

22 January, 2019 10:48 AM IST  | 

NSEL કેસમાં તપાસ વારંવાર ગેરમાર્ગે ચડવાથી નાણાં મળતાં નથી

નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ

બ્રોકરોએ અમને ફસાવ્યા અને ડિફૉલ્ટરો અમારાં નાણાં લઈ ગયાં એવું બહાર આવવા લાગ્યું અને અમને ડિફૉલ્ટરોની જપ્ત મિલકતો વેચીને નાણાં પાછાં આપવામાં આવશે એવી આશા જાગી ત્યાં જ મુંબઈ પોલીસની આર્થિક ગુનાશાખાએ યુ-ટર્ન માર્યો અને ફરી એક્સચેન્જની તરફ નિશાન તાક્યું એવા શબ્દોમાં રોકાણકારોની નિરાશા પ્રગટ થઈ છે.

5600 કરોડ રૂપિયાની કથિત NSEL પેમેન્ટ કટોકટીની બાબતે હાલમાં આર્થિક ગુનાશાખાએ એક્સચેન્જના ભૂતપૂર્વ નૉન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જોસેફ મેસીને કેસમાં ઘસડ્યા એને કારણે બ્રોકરો તરફ ચીંધાયેલી આંગળી પાછી એક્સચેન્જ તરફ વળી છે, જે કહે છે કે એણે રોકાણકારોને ન્યાય અપાવવા માટે પોતાનાથી થઈ શકે એટલા બધા પ્રયાસ કર્યા છે.

રોકાણકારો હવે કહેવા લાગ્યા છે કે તપાસ આગળ વધે અને નાણાં પાછાં મળે એવું કોઈ જ પગલું ભરવામાં નથી આવી રહ્યું.

કેન્દ્ર સરકારની સ્પેશ્યલ ફ્રૉડ ઇન્વેસ્ટિગેશન ઑફિસે બ્રોકરોની ગેરરીતિઓ પર પ્રકાશ ફેંક્યો અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની સેબીને ભલામણ કરી ત્યારે તપાસ કોઈ તાર્કિક અંજામ સુધી પહોંચશે એવી આશા જાગી હતી. વળી ડિફૉલ્ટરોની 6૦૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ટાંચમાં લેવાઈ હોવાથી હવે તો એના લિલામ દ્વારા નાણાં મેળવવામાં આવશે એવું લાગવા માંડ્યું ત્યારે જ તપાસની દિશા ફરી બદલી દેવાઈ અને જૈસે થેની સ્થિતિ આવી ગઈ.

એક રોકાણકારે કહ્યું છે કે NSEL કેસ બન્યા બાદ પંજાબ નૅશનલ બૅન્ક કૌભાંડ, ILFSનો પેમેન્ટ ડિફૉલ્ટ, બૅન્કોની નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ, વિજય માલ્યા ભાગી ગયાની ઘટના વગેરે અનેક કેસ ઉમેરાયા, પરંતુ હજી સુધી સામાન્ય રોકાણકારોને ન્યાય મળે એવી સ્થિતિ કોઈ પણ કેસમાં સર્જા‍ઈ નથી.

NSEL કેસમાં તો જાણે સાપસીડીની રમત રમાઈ રહી છે. એમાં વચ્ચે-વચ્ચેનાં ખાનાંમાં નહીં, પણ દરેક ખાનામાં સાપ બેઠો છે, જે તપાસને આગળ વધવા નથી દેતો અને એથી રોકાણકારોને તેમની રકમ પાછી નથી મળી રહી એમ અન્ય એક રોકાણકારે નામ નહીં જણાવવાની શરતે કહ્યું હતું.

sensex