અનિલ અંબાણીએ માન્યો મુકેશભાઈ અને નીતાભાભીનો આભાર

19 March, 2019 10:26 AM IST  | 

અનિલ અંબાણીએ માન્યો મુકેશભાઈ અને નીતાભાભીનો આભાર

અનિલ અંબાણી

સ્વીડિશ ટેલિકૉમ ઇક્વિપમેન્ટ્સ કંપની એરિક્સનને રિલાયન્સ કમ્યુનિકેશને પેમેન્ટ કરી દેતાં હવે અનિલ અંબાણીને જેલમાં જવાની જરૂર નહીં પડે. અન્યથા સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એરિક્સનને પેમેન્ટ ન કરવા પર અનિલ અંબાણીની ધરપકડ થવાની શકયતા હતી, જેનો ૧૯ માર્ચે આખરી દિવસ હતો.

અનિલ અંબાણીને આ મુસીબતમાંથી ઉગારવાનું શ્રેય તેમના મોટા ભાઈ મુકેશ અંબાણી અને ભાભી નીતા અંબાણીએ કરેલી મદદને જાય છે. અનિલ અંબાણીએ તેમનાં મોટાં ભાઈ-ભાભીનો આભાર માનતાં જણાવ્યું હતું કે ‘કસોટીના કપરા સમયમાં મારો સાથ દેવા માટે હું મારાં ભાઈ અને ભાભીનો આભાર માનું છું. સમય પર મને મદદ કરીને તેમણે અમારા પારિવારિક સંબંધોની સબળતા દેખાડી છે. હું અને મારો પરિવાર તેમના ખૂબ-ખૂબ આભારી છીએ.’

આ પણ વાંચો : શૅરબજારની સારી શરૂઆત, સેન્સેક્સમાં 80 પોઈન્ટનો ઉછાળો

અનિલ અંબાણી ગ્રુપે એરિક્સનને પેનલ્ટી સહિત ૪૬૨ કરોડ રૂપિયાની ચુકવણી કરવાની હતી. આર.કૉમ અને એરિક્સન વચ્ચે છેલ્લાં અમુક વરસથી પેમેન્ટ ડિફૉલ્ટ અંગે કાયદાકીય યુદ્ધ ચાલી રહ્યું હતું, જેના ભાગરૂપે સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને ૧૯ માર્ચ સુધીનો અંતિમ સમય આપ્યો હતો. જો આ સમય સુધીમાં તેઓ પેમેન્ટ કરવામાં નિષ્ફળ જાય તો તેમને જેલ થવાની શક્યતા ઊભી થઈ હતી. હવે આ મામલાનો અંત આવ્યો છે.

anil ambani nita ambani mukesh ambani reliance