જેટ ઍરવેઝ પાસે આજે ડિબેન્ચરધારકોને વ્યાજ ચૂકવવા પણ પૈસા નથી

19 March, 2019 09:28 AM IST  | 

જેટ ઍરવેઝ પાસે આજે ડિબેન્ચરધારકોને વ્યાજ ચૂકવવા પણ પૈસા નથી

જેટ ઍરવેઝ

જેટ ઍરવેઝે આજે અર્થાત મંગળવારે પોતાના ડિબેન્ચરધારકોને ચૂકવવા માટે પોતાની પાસે નાણાં ન હોવાનું સોમવારે જાહેર કર્યું હતું.

આ ઍરલાઇને અગાઉ બીજી જાન્યુઆરીએ વિદેશી કરજનું વ્યાજ ચૂકવવા અસમર્થતા દર્શાવી હતી. કંપનીનું દેવું ૮૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ છે. મંગળવારે કેટલું વ્યાજ ચૂકવવાનું આવે છે એ એણે જણાવ્યું નહોતું. એણે સ્ટૉક એક્સચેન્જને મોકલેલા ફાઇલિંગમાં કહ્યું હતું કે પ્રવાહિતાની તંગીને કારણે વિમાનો બંધ રાખવાં પડ્યાં છે તથા પાઇલટ અને એન્જિનિયરોના તથા અન્ય વરિષ્ઠ સ્ટાફના પગારની ચુકવણીમાં વિલંબ થયો છે.

૧૪ ફેબ્રુઆરીએ કંપનીના બોર્ડે કરજની ચુકવણી માટે બૅન્કોએ તૈયાર કરેલા પ્લાનને મંજૂરી આપી હતી. એ અનુસાર ધિરાણકર્તાઓ આ ઍરલાઇનમાં સૌથી મોટા શૅરધારકો બનશે અને ચૅરમૅન નરેશ ગોયલ ઍરલાઇનને છોડીને જશે.

શૅરધારકોની મંજૂરીને પગલે બૅન્કો હવે પોતે આપેલા કરજના એક હિસ્સાને ૧૧.૪ કરોડ શૅરમાં પરિવર્તિત કરશે. દરેક શૅર એક રૂપિયાનો હશે. આ કામ રિઝર્વ બૅન્કના નિયમો પ્રમાણે કરવામાં આવશે.

આ પણ વાંચો : રતન તાતા વિરુદ્ધ નસલી વાડિયાએ કરેલા બદનક્ષીના કેસમાં વડી અદાલતનો સ્ટે

ગયા સપ્તાહે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આશા વ્યક્ત કરી હતી કે આ કરજગ્રસ્ત કંપનીની સમસ્યાનો જલદીથી હલ આવશે. આઠ માર્ચે ગોયલે એતિહાદ ઍરવેઝ ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ટૉની ડગ્લસને પત્ર લખીને કહ્યું હતું કે કંપનીને ૭૫૦ કરોડ રૂપિયાની તાકીદની જરૂર છે. એતિહાદે એ સંબંધે હજી કોઈ નિર્ણય લીધો નથી.

jet airways