કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સૉલ્યુશન કા પતા નહીં

11 May, 2020 02:27 PM IST  |  Mumbai | Jayesh Chitalia

કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સૉલ્યુશન કા પતા નહીં

ભારતીય શૅર બજાર

વર્તમાન સમયના માર્કેટના હાલ અને ચાલ જોઈ ઘટતા બજારને ખરીદવાની તક ગણવી કે વધતા બજારે પ્રૉફિટ-બુકિંગ કરવું એ સ્પષ્ટ સમજાતું નથી. ૩૧,૦૦૦ ઉપરનો સેન્સેક્સ અને ૯૦૦૦ ઉપરનો નિફ્ટી ખરીદવા માટેના સમયનો સંકેત આપતો નથી. માર્કેટ હજી ઘટી શકે એવા અણસાર માથે ઊભા છે. વૉલેટિલિટી, ગ્લોબલ અનિશ્ચિતતા અને આર્થિક અવદશા વચ્ચે રોકાણકારોમાં માત્ર કન્ફ્યુઝન છે, સૉલ્યુશન કોઈને દેખાતું નથી. કોવિડ-19ના ઉપાય મળતા નથી તેમ આર્થિક રિકવરીના પણ કોઈ ઉકેલ દેખાતા નથી.  

આપણે ગયા વખતે કરેલી વાત મુજબ ચાર દિવસની ચાંદની બાદ બજાર વીતેલા સપ્તાહના પ્રથમ દિવસે જ ૨૦૦૦ પૉઇન્ટ જેટલું ભારેખમ તૂટીને ૩૧,૭૧૫ સુધી નીચે ઊતરી ગયું હતું. આગલા સપ્તાહમાં ચારેચાર દિવસ સતત બજાર વધ્યું હતું. લગભગ એટલા જ પ્રમાણમાં પહેલા જ દિવસે ધોવાઈ ગયું હતું. નિફ્ટી ૫૬૬ પૉઇન્ટના કડાકા સાથે  ૯૨૯૩ બંધ રહ્યો હતો. સ્મૉલ કૅપ અને મિડ કૅપમાં પણ નોંધપાત્ર ધોવાણ થયું હતું. એક જ દિવસમાં માર્કેટ કૅપમાં ૫.૮૫ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું હતું. ગયા સોમવારે બજાર તૂટશે એનાં એંધાણ શનિવારે જ આવી ગયાં હતાં. યુએસએ અને ચીન વચ્ચેનું વેપારયુદ્ધ આગળ વધતાં ગ્લોબલ સ્તરે અનિશ્ચિતતા વધતી  ગઈ હતી. યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પે ચીન પર કોરોના વિશે આક્ષેપ કરતાં અને ત્યાંથી થતી આયાત પર ટૅરિફ વધારવાના સંકેત આપતાં મામલો વધુ વિફર્યો હતો. બીજી બાજુ એશિયન રાષ્ટ્રોએ લૉકડાઉનનો સમયગાળો લંબાવતાં પણ બજાર નિરાશ થયું હતું. ભારતમાં પણ કોવિડ-19ના વધતા જતા કેસોને લીધે લૉકડાઉન બે સપ્તાહ લંબાવાયું હતું. જોકે આંશિક છુટછાટ અપાઈ હતી તેમ છતાં, આર્થિક પ્રવૃત્તિને વેગ પકડતા સમય લાગશે એવો સ્પષ્ટ સંકેત બજારના ઘટાડા માટે કારણભૂત બન્યો હતો. આ ઉપરાંત જાયન્ટ કંપનીઓના ક્વૉર્ટરલી પરિણામના નકારાત્મક આંકડા ઇકૉનૉમીની નર્વસનેસ વ્યક્ત કરતા રહ્યા હતા.

મંગળ, બુધ, ગુરુ માત્ર પ્લસ-માઇનસ

મંગળવારે બજારે રિકવરી નોંધાવાથી આરંભ કર્યો હતો. જોકે સેન્સેક્સ નોંધપાત્ર ઉપર જઈ ટ્રેડિંગ કલાકોના અંતિમ ભાગમાં રિવર્સ થઈ ગયો હતો અને અઢીસો પૉઇન્ટ માઇનસ થઈ બંધ રહ્યો હતો, જેનું મુખ્ય કારણ પ્રૉફિટ-બુકિંગ હતું. નિફ્ટી ૮૭ પૉઇન્ટ માઇનસ થઈ ૯૨૦૫ બંધ રહ્યો હતો. આર્થિક અનિશ્ચિતતા અને કોવિડ-19ની દશા માર્કેટને નિરાશામાં લઈ જવાનું કામ કરતી રહી હતી. બુધવારે બજારમાં સાધારણ સુધારો  થયો હતો. જોકે વધઘટ બાદ માર્કેટ એક તબક્કે વધીને નીચે પાછું ફર્યું હતું, પરંતુ બંધ વખતે સેન્સેક્સ પૉઝિટિવ રહીને ૨૩૨ પૉઇન્ટ અને નિફ્ટી ૬૫ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યો હતો. ગુરુવારે બજારમાં ફરી વાર આગલા દિવસ જેવો જ ટ્રેન્ડ રહ્યો હતો. શરૂમાં પૉઝિટિવ રહેલું બજાર પછીથી નેગેટિવ થઈને કોઈ પણ નક્કર પરિબળ અને વધઘટ વિના સેન્સેક્સ ૨૪૨ પૉઇન્ટ માઇનસ અને નિફ્ટી ૭૧ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. બજાર પાસે  કોવિડ-19ના બુરા સમાચાર સતત આવતા રહે છે જે સેન્ટિમેન્ટને નર્વસ ઝોનમાં રાખે છે. શુક્રવારે પણ બજારે સાધારણ વધઘટ દર્શાવી હતી. જોકે એકંદરે માર્કેટ પૉઝિટિવ રહ્યું હતું, પરંતુ વધીને પાછું ફર્યું હતું. તેમ છતાં અંતમાં સેન્સેક્સ ૧૯૯ પૉઇન્ટ વધીને ૩૧,૬૪૨ અને બાવન પૉઇન્ટ વધીને ૯૨૫૧ બંધ રહ્યો હતો. આમ માર્કેટ વીતેલા સપ્તાહમાં મોટી ચંચળતા વિનાનું રહ્યું હતું. આ સંજોગોને લીધે રોકાણકારોમાં સતત મૂંઝવણ પ્રવર્તી રહી હોવાનું જોવાય છે કે બજારમાં પ્રવેશ કરવો કે કેમ? વર્તમાન ભાવે ખરીદાય કે હજી ઘટવાની રાહ જોવાય? નીચામાં ખરીદાય એ સિધ્ધાંત હાલના માહોલમાં ક્યાંય ફીટ બેસતો નથી. લોકોએ ઍવરેજ કરતાં ય બે-ચાર વાર વિચારવું પડે એવી બજારની ચાલ છે.

બજાર પર લટકતી તલવાર કઈ?

શૅરબજારમાં કોઈ બાબતની કન્સિસ્ટન્સી (સાતત્ય) હોય તો એ છે અનિશ્ચિતતા, વૉલેટિલિટી, ઇકૉનૉમીની  માઠી દશા અને ગ્લોબલ સ્તરે પ્રવર્તતી અનિશ્ચિતતા. ૩૧,૦૦૦ ઉપરના સેન્સેક્સમાં કોઈને ખરીદીની તક જણાતી નથી, કારણ કે ઓવરઑલ આર્થિક સંજોગો અને એના સંભવિત ભાવિને ધ્યાનમાં રાખતાં બજાર નીચે જવાની શક્યતા ઊંચી જણાય છે. લૉકડાઉનની અને આર્થિક ગતિવિધિની અનિશ્ચિતતા બજારને અધ્ધર રાખે છે. કોવિડ-19ના વધતા કેસો ગંભીર સંકેત પણ આપે છે. રખેને લૉકડાઉન વધુ છૂટછાટ સાથે ખૂલ્યા બાદ કોરોનાનું આક્રમણ ક્યાંક વધુ ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે એવો ભય સતત લટકતી તલવારની જેમ ઊભો છે. દરમ્યાન વિવિધ દેશોમાંથી ભારતીયોને પાછા લાવવાની હિમાયત શરૂ થઈ છે, જેને લીધે એક ગર્ભિત ભય વધી રહ્યો છે, વિદેશથી આવનાર આ વર્ગ જ્યાં જશે ત્યાં કોરોના ફેલાવાનો ભય ઊભો થશે. આને પણ એક લટકતી તલવાર કહી શકાય. યુએસ-ચીનના વિવાદમાં વૈશ્વિક બજાર સાથે વિકસતા અર્થતંત્રનો પણ ખો નીકળશે એ ડર પણ ઓછો નથી. એમાં વળી યુએસમાં બેરોજગારીનો દર સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે, જે હાલ ગ્રેટ ડિપ્રેશનના સમય કરતાં પણ ઊંચો ગયો હોવાનો અંદાજ છે. ભારતીય કંપનીઓના ક્વૉર્ટરલી પરિણામ મિશ્ર રહ્યાં છે જેથી રોકાણકારો મહદ્અંશે સ્ટૉક સ્પેસિફિક અભિગમ રાખે છે. અલબત્ત, સાર પણ એમાં જ છે. રોકાણકારો માટે સાવચેતી એ જ સલામતી છે. સરકાર ઘણા દિવસોથી ખાસ કરીને નાના વેપાર-ઉદ્યોગ માટે રાહત-પૅકેજ લાવવાની વાત કરી રહી છે, પરંતુ એ પણ હજી અધ્ધર હોવાથી એની આશા ઊભી છે. સરકાર આ માટે ચોક્કસ સમયની રાહ જોઈ રહી હોવાનું કહેવાય છે. આ સંભવિત પૅકેજ જબરદસ્ત મોટું અને વ્યાપક હશે એવી અપેક્ષા ઊંચી છે, જે ઠગારી ન નીકળે એવી આશા રાખીએ.  

ચીનમાંથી કંપનીઓ ભારત આવશે?

ચીનમાંથી શિફ્ટ થઈને ભારતમાં પ્લાન્ટ સ્થાપવા માગતી કંપનીઓને મોદી સરકારે મોટેપાયે જમીનની ઑફર કરવાનું શરૂ કર્યું હોવાના અહેવાલ ફરતા થયા છે. આશરે હજારેક કંપનીઓને ચીનમાંથી ભારત તરફ આકર્ષવાની ગતિવિધિ થઈ રહી હોવાની ચર્ચા છે. અમુક જમીન તો પર્યાપ્ત માળખાકીય સવલત સાથે ઉપલબ્ધ છે. હવે આ મામલે ભારતને કેટલો લાભ મળે છે અથવા ભારત કેટલા દેશોની કંપનીઓને આકર્ષી શકે છે એ જોવાનું રહેશે. આ કાર્ય સરળ નથી તેમ જ ભારત હજી તો પોતાની સમસ્યા સામે લડી રહ્યું છે ત્યાં એ આ મહાકાય વિષય પર ક્યાંથી અને કેટલું ધ્યાન આપી શકશે એવી શંકા પ્રવર્તે છે. અલબત્ત, ભારત માટે મેક ઇન ઇન્ડિયાને સફળ બનાવવાની આ ઉત્તમ તક કહી શકાય. જો આમાં ભારતને સફળતા મળે તો ભારતની ઇકૉનૉમીની દશા અને દિશા પણ બદલાઈ શકે, પરંતુ અત્યારે તો આ એક કલ્પના અને આશાવાદ ગણવા રહ્યા. આમાં જ્યાં સુધી નક્કર પ્રગતિ ન થાય ત્યાં સુધી આની સંભવિત અસરને ગંભીર રીતે લઈ શકાય નહીં.

ભારતીય ઇન્વેસ્ટરો યુએસ સ્ટૉક્સમાં લેવાલ

તાજેતરમાં એક નવી બાબત એ પણ ધ્યાનમાં આવી છે કે ભારતીય સંપન્ન ઇન્વેસ્ટરો યુએસ સ્ટૉક્સમાં પોતાનું રોકાણ વધારી રહ્યાં છે. ખાસ કરીને આ ઇન્વેસ્ટરો ભારતીય માર્કેટમાં પર્યાપ્ત એક્સપોઝર ધરાવતા હોવાથી અને યુએસ સ્ટૉક્સમાં મોટી રિકવરીની આશા રાખતા હોવાથી આ દિશામાં યુએસના અગ્રણી શૅર જમા કરી રહ્યા છે. છેલ્લા અમુક સમયગાળામાં યુએસ માર્કેટમાં પણ ભાવ નોંધપાત્ર નીચે ગયા હોવાની બાબતને આ ભારતીય ઇન્વેસ્ટરો ખરીદીની તક માને છે.  આ વર્ગ ફેસબુક, ગૂગલ, નેટફ્લિક્સ, ઍમેઝૉન, એડોબ, માઇક્રોસૉફ્ટ, માસ્ટરકાર્ડ વગેરે જેવા સ્ટૉક્સ ખરીદી રહ્યા છે. યુએસ માર્કેટમાં શૅર ખરીદવા આ હાઈ નેટવર્થ ઇન્ડિવિઝ્યુઅલ (એચએનઆઇ) ભારતીય ઇન્વેસ્ટરોની સંખ્યા છેલ્લા અમુક દિવસોમાં ખાસ્સી વધી છે. આ વર્ગે માર્ચ અંતના ક્વૉર્ટરમાં યુએસ સ્ટૉક્સમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. રૂપિયા સામે ડૉલરની મજબૂતાઈને કારણે પણ ભારતીય ઇન્વેસ્ટરોને લાભ થાય છે. આ સંજોગોમાં ટોચના ભારતીય બ્રોકરેજ હાઉસે તાજેતરમાં એક ગ્લોબલ ફંડ પણ ઑફર કર્યું છે, જેમાં નાના–રિટેલ રોકાણકારો પણ નાની રકમ સાથે ભાગ લઈ શકે એવી જોગવાઈ છે. અમુક મ્યુચ્યુઅલ ફંડના ગ્લોબલ ફંડ ઑલરેડી બજારમાં છે. 

sensex nifty business news jayesh chitalia