કેવાયસી કરાવો છો તો કેવાયબી પણ કરતાં શીખી જાઓ!

09 December, 2019 12:33 PM IST  |  Mumbai | Jayesh Chitaliya

કેવાયસી કરાવો છો તો કેવાયબી પણ કરતાં શીખી જાઓ!

ભારતીય શેર બજાર

શૅરના સોદાઓમાં પાવર ઑફ ઍટર્નીનો વિષય તાજેતરમાં ચર્ચા અને ચિંતાનો વિષય બન્યો છે. કાર્વી બ્રોકિંગ નામની જાણીતી કંપનીએ એનો વ્યાપક દુરુપયોગ કર્યા બાદ આ બાબત ગંભીર બની હોવાથી નિયમન તંત્ર સેબી પણ સક્રિય થઈને ઍક્શન લેવા લાગ્યું છે. એવામાં ગ્રાહક ઇન્વેસ્ટરે શું ધ્યાનમાં રાખવું એ સમજવું જોઈએ.

તમે મોટા ભાગે શાહરુખ ખાનની ‘બાઝીગર’ ફિલ્મ જોઈ હશે, જેમાં પોતાનાં માતા-પિતાનો બદલો લેવા માટે શાહરુખ ખાન પોતાના ભાવિ સસરાને બનાવટી પ્રેમ-લાગણીના બંધનમાં લઈને તેમનો વિશ્વાસ જીતી લે છે અને એક ચોક્કસ સમયે તેમના બિઝનેસની પાવર ઑફ ઍટર્ની મેળવી લે છે. જોકે સસરા વિશ્વાસથી પોતે બહારગામ જતા હોવાથી તેને બિઝનેસની સંપૂર્ણ પાવર ઑફ ઍટર્ની આપીને જાય છે. આ પાવર ઑફ ઍટર્નીનો ઉપયોગ કરી શાહરુખ ખાન સંપૂર્ણ બિઝનેસ-મિલકત પોતાના નામે કરી લે છે અને સસરાની સામે બરાબરનો બદલો લે છે. જોકે તમને થશે કે અમે અત્યારે ‘બાઝીગર’ ફિલ્મની વાત લઈને કેમ બેસી ગયા છીએ? અલબત્ત, આપણે આ ફિલ્મની કે શાહરુખ ખાનની વાત નથી કરવી. એ તો ફિલ્મ હતી, એમાં અભિનેતાએ પોતાનો બદલો લેવાનો હતો. અહીં આપણે વાત કરવી છે પાવર ‍ઑફ ઍટર્નીની. આપણે  આપણા  જીવનમાં જેને પણ ચોક્કસ કારણસર પાવર ‍ઑફ ઍટર્ની (પીઓએ) આપી હોય તે વ્યક્તિ તેનો કેવો દુરુપયોગ કરી શકે છે એ સરળતાથી સમજવા માટે આ ફિલ્મની વાત કરી છે.  મૂડીબજારમાં હાલ પાવર ‍ઑફ ઍટર્નીની ચર્ચા-ચિંતા કંઈક જુદા જ કારણસર થઈ રહી છે, જેને કરોડો રોકાણકારો સાથે સીધો સંબંધ છે. છેલ્લા કેટલાક સમયથી તમારાં નાણાં બૅન્કોમાં સલામત છે કે નહીં એનો ડર વધી રહ્યો છે. હવે તમારાં નાણાં અને શૅર્સ બ્રોકરો પાસે સલામત છે કે નહીં એવા સવાલ ઊભા થઈ રહ્યા છે. 

પાવર ઑફ ઍટર્નીનો દુરુપયોગ

તાજેતરમાં જેનો પર્દાફાશ થયો છે એ દલાલ-પેઢી કાર્વી બ્રોકિંગના કથિત કૌભાંડનો કિસ્સો પાવર ‍ઑફ ઍટર્નીના નામે જ બહાર આવ્યો છે. એટલું જ નહીં, આને પગલે નિયમનકાર સેબી (સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા) સફાળું જાગીને કડક કદમ લેવા માંડ્યું છે.  જ્યારે કાર્વીએ જે કાળાં કામ પોતાના ગ્રાહકો સાથે કર્યાં છે એવાં કામ કેટલાક અન્ય બ્રોકર્સ પણ નાના-મોટા પાયે  કરતા હોવાનું સેબીના ધ્યાનમાં આવ્યું છે, જે તેમના ગ્રાહક રોકાણકારો માટે જોખમી બની શકે છે. એક વાત ખાસ નોંધવી રહી કે દરેક બ્રોકરો આવું કરતા નથી. અમુક જ બ્રોકર આમ કરતા હોવાની ફરિયાદ છે, પરંતુ ઇન્વેસ્ટરે સજાગ યા સાવચેત તો રહેવું જ પડે, કારણ કે બ્રોકર પોતે જ આમ કરે એ જરૂરી નથી, બલકે આ વિષય સંભાળતો બ્રોકરનો કોઈ સ્ટાફ-કર્મચારી પણ ધારે તો આ કામ કરી શકે. આવા કિસ્સા અગાઉ બન્યા છે. 

શૅરબજારમાં પાવર ઑફ ઍટર્નીનું મહત્વ

શૅરબજારમાં પાવર ‍ઑફ ઍટર્નીનું મહત્વ સમજીએ. શૅરના સોદા કરનાર ઇન્વેસ્ટર જ્યારે ખરીદીનો સોદો કરે ત્યારે તેણે બ્રોકરને બે દિવસમાં એનું પેમેન્ટ જમા કરાવી દેવાનું રહે છે, જ્યારે વેચાણનો સોદો કર્યો હોય ત્યારે વેચેલા શૅરની ડિમેટ ડિલિવરી બે જ દિવસમાં બ્રોકરને જમા કરાવી દેવાની હોય છે. આમાં વિલંબ થાય તો ગ્રાહકે આર્થિક નુકસાન કરવાનું આવી શકે છે. ધારો કે ગ્રાહકે શૅર ખરીદવા કે વેચવાનો સોદો કર્યો, પરંતુ તે પોતે એ સમયે બહારગામ છે અથવા અન્ય કોઈ પણ અંગત કારણસર ગ્રાહક બ્રોકરે ખરીદેલા શૅરનાં નાણાં પહોંચાડી શકે એમ નથી યા વેચેલા શૅરની ડિલિવરી માટેની ડિમેટ ઇન્સ્ટ્રક્શન-સ્લિપ પહોંચાડી શકે એમ નથી, તો શું કરવું? વળી ગ્રાહકે નાણાકીય નુકસાન સહન કરવાનું આવી શકે. આવા સંજોગોને ટાળવા પાવર ‍ઑફ ઍટર્ની નામની સુવિધા ઊભી કરાઈ છે. જો ગ્રાહક એના બ્રોકર પાસે જ પોતાનું ડિમેટ અકાઉન્ટ રાખે અને તેને પાવર ‍ઑફ ઍટર્ની આપી રાખે તો બ્રોકર એ શૅરની ડિલિવરી એમાંથી પોતાના પાવરના ઉપયોગ દ્વારા કરી શકે. એ જ રીતે બૅન્ક-અકાઉન્ટની પાવર ‍ઑફ ઍટર્ની આપી હોય તો બ્રોકર એમાંથી પેમેન્ટ પણ કરી શકે. જોકે પેમેન્ટ માટે તો હવે અન્ય માધ્યમ ઘણાં ઉપલબ્ધ છે. આ બાબત પરસ્પર વિશ્વાસ પર ચાલતી હોય છે. બીજું, હવેના સમયમાં વ્યવહારુ દૃષ્ટિએ પણ આ સુવિધાનો ઉપયોગ સરળતા પૂરી પાડી શકે, એથી આસુવિધા બહેતર જ ગણાય, પરંતુ આમાં સૌથી મોટું જોખમ પાવર ‍ઑફ ઍટર્નીના દુરુપયોગનું ઊભું રહે છે.

સેબીના ધ્યાનમાં આવેલા કિસ્સા

સંખ્યાબંધ શૅરદલાલો તાજેતરમાં સેબીની નજરમાં આવ્યા છે, જેઓ પર ગ્રાહકોનાં નાણાં અને સ્ટૉક્સનો પોતાના સ્વાર્થમાં દુરુપયોગ કરવાનો આક્ષેપ છે. આવા કેટલાક કેસમાં પુરવાર પણ થયું છે અને અમુક કેસમાં સેબીની સઘન તપાસ પણ ચાલુ છે. આશરે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલા ગ્રાહકોનાં નાણાંનો દલાલોએ પોતાના કામકાજ માટે ઉપયોગ કર્યો હોવાનો અંદાજ છે.

ગ્રાહકોનાં નાણાં-શૅર્સનો મનસ્વી ઉપયોગ

કાર્વી બ્રોકિંગ કંપનીના ડિફૉલ્ટનો કિસ્સો બહાર આવ્યા બાદ આ મામલે વધુ ચિંતા અને ચર્ચા ફેલાઈ છે. કાર્વીએ ગ્રાહકોનાં નાણાં અને સ્ટૉક્સ સાથે ચેડાં કર્યાં હતાં અને પછી ડિફૉલ્ટ જાહેર થઈ ગઈ હતી. તેણે ૯૦,૦૦૦થી વધુ ગ્રાહકોના શૅર્સ પોતાને માટે ગીરવી મૂક્યા હતા. સેબીના ધ્યાનમાં આવ્યા મુજબ ઘણા દલાલો પાસે ગ્રાહકોની પાવર ‍ઑફ ઍટર્ની પડેલી હોય છે, જે આજના સમયમાં જરૂરી બની ગઈ છે. અલબત્ત એ ફરજિયાત નથી, પરંતુ આ હોવાથી સોદાનાં કામકાજ સરળતાથી થાય છે. જોકે કમનસીબે આ પાવરના આધારે કેટલાક લેભાગુ દલાલો ગ્રાહકોનાં નાણાં પોતાના કામકાજ માટે ઉપયોગમાં લઈ લે છે અથવા પોતાના જ બીજા ગ્રાહક માટે પણ વાપરી લે છે. એટલું જ નહીં, ગ્રાહકોના શૅર પણ પોતાના સ્વાર્થ માટે વાપરી લે છે. ગ્રાહકો શૅરદલાલ પાસે માર્જિન ટ્રેડિંગ માટે કૉલેટરલ તરીકે શૅર રાખી મૂકતા હોય છે, જેનો ઉપયોગ બ્રોકર જે-તે સમયે પોતાના સોદા માટે અથવા પોતાના બીજા ગ્રાહકોના કામ માટે ઉપયોગ કરી નાખતા હોવાનું બહાર આવ્યું છે. આ જ રીતે ઘણા બ્રોકરો ગ્રાહકોનાં સેટલમેન્ટનાં જમા થયેલાં નાણાં તેને આપી દેવાને બદલે પોતાની પાસે રાખી મૂકીને સ્વ-ઉપયોગ માટે વાપરે છે. ઘણા તો વળી ગ્રાહકોના સ્ટૉક્સ બૅન્કો યા નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની પાસે ગીરવી મૂકી પોતાને માટે નાણાં ઊભાં કરી લે છે. કેટલાંક આ નાણાં પોતાના બીજા બિઝનેસ માટે પણ વાપરતા હોવાનું નોંધાયું છે. 

સેબીએ તો સૂચના આપી હતી, પણ...

વાસ્તવમાં સેબીએ આ વિષયમાં જૂનમાં એક સર્ક્યુલર બહાર પાડીને ગ્રાહકોનાં નાણાંના ઉપયોગ  વિશે બ્રોકરો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે ગ્રાહકોનાં પોતાની પાસે પડેલાં નાણાં પાછાં કરી દેવા માટે  ૩૧ ઑગસ્ટની ડેડલાઇન નક્કી કરવામાં આવી હતી, પરંતુ ઘણા દલાલોએ એનું પાલન કર્યું નહોતું, જેથી હવે સેબી આવા બ્રોકર્સ સામે ઍક્શન લેવા માંડ્યું છે. જો દલાલો આમ નહીં કરે તો તેમની પાસેથી સેબી દંડ વસૂલ કરશે એવું જાણવા મળી રહ્યું છે. સેબીના ચૅરમૅન અજય ત્યાગીએ તાજેતરમાં કરેલા નિવેદન મુજબ સેબી આ વિષયને ગંભીરતાથી હાથ ધરીને વધુ અંકુશાત્મક પગલાં લેવાનું વિચારે છે. 

કાર્વીને કારણે ધિરાણદારો મુશ્કેલીમાં

બજાર પર હાલમાં કાર્વી બ્રોકિંગના ડિફૉલ્ટની તલવાર લટકી રહી છે. સેબીએ એના પરના અંકુશો ઉઠાવી લેવા વિશે કાર્વીએ કરેલી અરજી રિજેક્ટ કરી નાખી છે. બીજી બાજુ બીએસઈ અને એનએસઈએ કાર્વી બ્રોકિંગને એક્સચેન્જ પર કામકાજ કરવા માટે સસ્પેન્ડ કરી છે. જોકે કાર્વી સામેની ઍક્શનમાં કેટલીક નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ - બૅન્કોની દશા બગડી શકે એવી નોબત ઊભી થઈ છે, કેમ કે કાર્વીએ તેમની પાસે ગીરવી મૂકેલા શૅર્સ ભલે ક્લાયન્ટ્સના હતા, પરંતુ આખરે તો એ કાર્વીએ તેમની પાસે મૂકેલી  (ગીરવી ઍસેટ્સ) કૉલેટરલ ઍસેટ્સ હતી. હવે આ જ શૅર્સ સેબીના આદેશથી ગ્રાહકોને પાછા કરી દેવાથી કેટલાક ગ્રાહકોનું હિત સચવાઈ રહ્યું એ ખરું, પરંતુ આ શૅર્સ સામે ધિરાણ આપનાર બૅન્કો-એનબીએફસીની ઊંઘ ઊડી ગઈ છે, કેમ કે જો  કાર્વી આ લોનમાં ડિફૉલ્ટ કરે તો ધિરાણકર્તા પાસે સિક્યૉરિટી કંઈ જ નથી, જેમાંથી તે લોનની વસૂલી કરી શકે.

પીઓએ મર્યાદિત સ્વરૂપે આપો

ગ્રાહક રોકાણકારોએ એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે તેમણે પોતાના બ્રોકરને ઍબ્સૉલ્યુટ (સંપૂર્ણ) પાવર ‍ઑફ ઍટર્ની આપવી જોઈએ નહીં. આ પીઓએ મર્યાદિત હેતુ માટે અપાતી હોય છે, જેમ તમે બ્લૅન્ક ચેક આપો ત્યારે નોટ ઓવર લખીને એક મર્યાદા રાખી શકો છો એમ પીઓએમાં પણ મર્યાદા રાખી શકાય. રોકાણકારે પીઓએ આપવાનું ફરજિયાત નથી, જેથી સંભવ હોય તો પીઓએ આપવાનું ટાળવું જોઈએ. જો આપવી પડે તો એના પર સતત નજર રાખવી  જોઈએ. ઘણા લોકો સરળતા માટે બ્રોકર પાસે જ ડિમેટ અકાઉન્ટ રાખે છે, જે પણ ફરજિયાત નથી, તમે બૅન્કમાં પણ ડિમેટ અકાઉન્ટ રાખી શકો છો. સંભવ હોય ગ્રાહકે બૅન્ક-અકાઉન્ટની પીઓએ આપવાનું ટાળવું જોઈએ અને શૅર-વેચાણનાં નાણાં પોતાના બૅન્ક-ખાતામાં સમયસર જમા થાય એની ખાસ કાળજી લેવી જોઈએ. 

બ્રોકર પાસે અકાઉન્ટ ખોલતી વખતે ધ્યાનમાં રાખો...

ઇન શૉર્ટ, ગ્રાહકે શૅરદલાલ પાસે ટ્રેડિંગ અકાઉન્ટ ખોલાવતી વખતે જે કરાર થાય એ બરાબર વાંચીને સહી કરવો જોઈએ, જેમાં પાવર ‍ઑફ ઍટર્નીની વાત પણ આવી જાય છે. આ કરારમાં એવું લખ્યું હોય છે કે તમે (ગ્રાહક) ડેરિવેટિવ્ઝ, કરન્સી વગેરે  સેગમેન્ટમાં પણ કામ કરવા માગો છો. પરંતુ જો તમે આ સેગમેન્ટમાં કામ ન કરવા વિશે સ્પષ્ટ હો તો કરારમાં એ જગ્યાએ ના લખાવી યા ક્રૉસ કરીને ઇનકાર કરી દો. કારણ કે જો ભવિષ્યમાં તમે એ સેગમેન્ટમાં સોદા નહીં કર્યા હોય તો પણ બ્રોકર કે તેનો કર્મચારી એ જગ્યાએ તમે ના લખ્યું ન હોવાથી એનો ગેરલાભ ઉઠાવી શકશે. આમ આ કરારની બારીકાઈ સમજીને જ સહી કરવી જરૂરી બને છે. યાદ રહે કે જો તમે અ સમજ્યા વિના કરાર કરી લીધો તો એમાં તમે હજી પણ સુધારા કરાવી શકો છો. યાદ રહે કે બ્રોકર તમારી પાસે કેવાયસી કરાવે છે એમ તમે પણ બ્રોકર સાથે જોડતાં પહેલાં કેવાયબી (નો યૉર બ્રોકર) કરી શકો, અર્થાત્ તમારા બ્રોકરને બરાબર જાણી લો.

એ પણ યાદ રાખો કે તમારા જે પણ સોદા થાય છે એના મોબાઇલ પર એસએમએસ પહોંચવા જરૂરી હોય છે એથી આવા મેસેજ પર પણ ધ્યાન આપો. ક્યાંક તમે પોતે સોદો કર્યો જ નથી અને તમને સોદાનો મેસેજ આવી જાય તો તરત અલર્ટ થઈ બ્રોકરનો સંપર્ક કરો. તમે આ વિષયની ફરિયાદ એક્સચેન્જને પણ કરી શકો છો. તમને શંકા જાય તો અકાઉન્ટ બંધ કરાવીને બીજા બ્રોકર પાસે ટ્રાન્સફર પણ કરાવી શકો છો.  

business news sensex nifty