એક દિવસમાં ૧.૪૪લાખ કરોડના વધારા સાથે રોકાણકારોની સંપત્તિ ૧૬મહિનાની ટોચે

03 January, 2020 01:34 PM IST  |  Mumbai Desk

એક દિવસમાં ૧.૪૪લાખ કરોડના વધારા સાથે રોકાણકારોની સંપત્તિ ૧૬મહિનાની ટોચે

ઇન્ફ્રા પ્રોજેક્ટની સિમેન્ટ, મેટલ્સ કંપનીઓને બૂસ્ટ મળશે, આર્થિક મંદી પૂર્ણ થઈ એવા આશાવાદ સાથે બજારમાં ચોમેર ખરીદી

વૈશ્વિક સ્તરે સારા સમાચાર અને દેશમાં કેન્દ્ર સરકારની જીએસટીની આવક વધી રહી છે તથા ઇન્ડસ્ટ્રિયલ પર્ચેઝિંગ મૅનેર્જ્સ ઇન્ડેક્સ સાત મહિનાની ઊંચી સપાટીએ જોવા મળતાં ચોમેર ખરીદી નીકળી હતી અને નિફ્ટી પોતાની સર્વકાલીન ઊંચી સપાટી પર બંધ આવ્યો હતો. આ સાથે રોકાણકારોની સંપત્તિમાં પણ વધારો જોવા મળ્યો હતો. વિદેશી સંસ્થાઓએ બે દિવસની વેચવાલી પછી આજે આક્રમક ખરીદી કરી હોવાથી બજારને ટેકો મળ્યો હતો.

અમેરિકા અને ચીન વચ્ચે પ્રથમ તબક્કાની સંધિના કારણે વૈશ્વિક શૅરબજારમાં જોવા મળેલા ઉત્સાહ, ભારત સરકારના ૧૦૨ લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રા પ્રોજેક્ટના વિઝનની જાહેરાત અને સ્ટીલ કંપનીઓએ કરેલા ભાવવધારાના કારણે આજે બજારમાં તેજી જોવા મળી હતી. સ્ટીલના ભાવવધારાનો સંકેત છે કે દેશમાં આર્થિક વિકાસ ફરીથી આગળ વધી શકે એવો આશાવાદ છે. આની અસરથી માત્ર સ્ટીલ કે મેટલ્સ જ નહ‌ીં, પણ સિમેન્ટ કંપનીઓના શૅરમાં પણ આજે વધારો જોવા મળ્યો હતો. મુખ્ય ઇન્ડેક્સમાં રિલાયન્સ ૧.૭૦ ટકા, એચડીએફસી ૧.૩૩ ટકા અને લાર્સન ઍન્ડ ટુબ્રો ૨.૬૬ ટકા વધ્યા હોવાથી બજારમાં વિક્રમી તેજી જોવા મળી હતી.
સત્રના અંતે સેન્સેક્સ ૩૨૦.૬૨ પૉઇન્ટ કે ૦.૭૮ ટકા વધી ૪૧,૬૨૬.૬૪ અને નિફ્ટી ૧૦૪.૪૫ પૉઇન્ટ કે ૦.૮૨ ટકા વધી ૧૨,૨૮૨.૯૫ની સપાટીએ બંધ આવ્યા હતા. આ નિફ્ટીની સૌથી ઊંચી બંધસપાટી છે. સેન્સેક્સ કંપનીઓમાં અલ્ટ્રાટેક સિમેન્ટના શૅર ૪.૩૭ ટકા વૃદ્ધિ સાથે સૌથી વધુ ઊછળ્યા હતા. અન્ય કંપનીઓમાં તાતા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બૅન્ક, લાર્સન ઍન્ડ ટુબ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બૅન્ક, એચડીએફસી, એચડીએફસી બૅન્ક, ઍક્સિસ બૅન્ક, ઓએનજીસી અને આઇટીસી વધ્યા હતા. ઘટેલા શૅરોમાં બજાજ ઑટો, ટીસીએસ, ઇન્ફોસિસ, એનટીપીસી, નેસ્લે, કોટક બૅન્ક અને હીરો મોટોકૉર્પનો સમાવેશ થાય છે.
બે વર્ષ સુધી રોકાણકારોને નેગેટિવ રિટર્ન આપનાર સ્મૉલ કૅપ અને મિડ કૅપ કંપનીઓમાં ફરી તેજી જોવા મળી રહી છે. સતત છ દિવસથી સ્મૉલ કૅપ અને મિડ કૅપ ઇન્ડેક્સ પણ વધી રહ્યા છે જે દર્શાવે છે કે વર્તમાન ખરીદી માત્ર કેટલીક મોટી કંપનીઓ પૂરતી સીમિત નથી.
આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં ૧૧ સેક્ટરમાંથી મેટલ્સ, બૅન્કિંગ અને રિયલ એસ્ટેટની આગેવાની હેઠળ કુલ ૧૦માં વૃદ્ધિ જોવા મળી હતી અને માત્ર આઇટી ઇન્ડેક્સ જ ઘટીને બંધ આવ્યો હતો. એક્સચેન્જ પર ૬૦ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૩૦ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૬૫ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૭૨ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ પર ૭૧ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૮૧ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૭૪ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૨૦૨માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧.૪૪ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૧.૨૩ ટકા વધ્યા હતા.
રોકાણકારોની સંપત્તિ ૧૬ મહિનાની ટોચે
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન ગઈ કાલે એક જ દિવસમાં ૧,૪૪,૧૭૪ કરોડ રૂપિયા વધી ૧૫૭.૨૬ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. નવા વર્ષમાં બજારમાં જોવા મળેલા ખરીદીના નવા ઉત્સાહ સાથે શૅરબજારમાં રોકાણકારોની સંપત્તિ ગઈ કાલે ૧૫૭.૨૬ લાખ કરોડ રૂપિયા પહોંચી છે જે ૧૬ મહિનાની સૌથી ઊંચી સપાટી છે. છેલ્લે ૨૦૧૮ની ૨૩ ઑગસ્ટે કુલ માર્કેટ કૅપિટલાઇઝેશન ૧૫૭.૨૭ લાખ કરોડ રૂપિયા જોવા મળ્યું હતું.
ટ્રેડ-વૉરના અંતથી મેટલ્સમાં
તેજી યથાવત્
મેટલ્સ કંપનીઓના શૅર અમેરિકા અને ચીન વચ્ચે દોઢ વર્ષ સુધી ચાલેલા ટ્રેડ-વૉરના કારણે સતત ઘટી રહ્યા હતા. ભારતમાં પણ આર્થિક વિકાસદર નબળો પડી રહ્યો હોવાથી ધાતુના ભાવ ગબડી ગયા હતા. કંપનીઓની કમાણી પણ નીરસ રહી હતી. ઇન્ફ્રા પ્રોજેક્ટના સરકારના વિઝનથી દેશમાં સ્ટીલ સહિતની ધાતુની માગણી વધશે તેમ જ વૈશ્વિક રીતે ચીન અને અમેરિકા વચ્ચે પ્રથમ તબક્કાની સંધિ થશે એવી આશા હવે ઉજ્જવળ બની રહી છે. સંધિની જાહેરાત ડિસેમ્બરના મધ્યમાં થઈ હતી અને ત્યારથી મેટલ્સ શૅરમાં ખરીદી જોવા મળી રહી છે. છેલ્લાં ૩૦ ટ્રેડિંગ સત્રમાં નિફ્ટી મેટલ્સ ઇન્ડેક્સ ૯ ટકા વધી ગયો છે. એમાં આજે સ્ટીલ કંપનીઓએ ભાવ વધારતાં તેજી વધુ વ્યાપક બની હતી. નિફ્ટી મેટલ્સ ઇન્ડેક્સ આજે ૨.૬૮ ટકા વધ્યો હતો.
કંપનીઓમાં હિન્દુસ્તાન કોપર ૧૯.૯૩ ટકા, નૅશનલ ઍલ્યુમિનિયમ ૬.૨૪ ટકા, તાતા સ્ટીલ ૩.૬૮ ટકા, વેદાન્ત ૩.૨૦ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૩.૦૯ ટકા, હિન્દાલ્કો ૨.૭૫ ટકા, નૅશનલ મિનરલ ૨.૦૬ ટકા અને હિન્દુસ્તાન ઝિન્ક ૧.૯૫ ટકા વધ્યા હતા. ડિસેમ્બર મહિનામાં સ્ટીલનું વેચાણ ૪૭ ટકા વધી ૧૬.૮૦ લાખ ટન થયું હોવાની જાહેરાતના કારણે સ્ટીલ ઑથોરિટીના શૅર ૯.૬૭ ટકા વધ્યા હતા. જિન્દાલ સ્ટીલનું શૅર વેચાણ ૨૨ ટકા વધ્યું હોવાની જાહેરાતથી ૪.૨૭ ટકા વધ્યા હતા. મૅન્ગેનીઝ ઓરના ભાવવધારાના કારણે ઑઇલના શૅર ૫.૭૫ ટકા વધ્યા હતા.
સિમેન્ટ કંપનીઓના શૅરમાં
ત્રણ મહિને પ્રથમ ઉછાળો
છેલ્લા ત્રણ મહિનાથી સિમેન્ટનું ઘટી રહેલું વેચાણ, ઘટી રહેલા ભાવના કારણે સતત દબાણમાં રહેલી સિમેન્ટ કંપનીઓના શૅરમાં આજે તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. કેન્દ્ર સરકારે જાહેર કરેલા ૧૦૨ લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટના વિઝનના કારણે દેશભરમાં ઇન્ફ્રા અને અન્ય બાંધકામ માટે સિમેન્ટની માગણી વધશે એવી ધારણાએ સિમેન્ટ કંપનીઓના શૅર વધ્યા હતા. આજે અલ્ટ્રાટેક સિમેન્ટ ૪.૨૭ ટકા વધી ૪૨૩૬.૧૦ રૂપિયા, અંબુજા સિમેન્ટ ૪.૩૪ ટકા વધી ૨૦૫.૪૦ રૂપિયા, એસીસી ૩.૭૩ ટકા વધી ૧૪૯૩.૧૦ રૂપિયા, ઓરિયેન્ટ સિમેન્ટ ૬.૫૯ ટકા વધી ૭૬.૮૦ રૂપિયા, સ્ટાર સિમેન્ટ ૫.૦૧ ટકા વધી ૯૩.૨૫ રૂપિયા, ઇન્ડિયા સિમેન્ટ ૫.૪૦ ટકા વધી ૭૭.૧૦ રૂપિયા, જેકે લક્ષ્મી સિમેન્ટ ૫.૩૬ ટકા વધી ૩૦૩.૮૦ રૂપિયા, પ્રિસ્મ જ્હોન્સન ૫.૯૭ ટકા વધી ૬૭.૪૦ રૂપિયા, હેડલબર્ગ ઇન્ડિયા ૪.૧૭ ટકા વધી ૧૮૨.૩૫ રૂપિયા, રામકો સિમેન્ટ ૨.૨૩ ટકા વધી ૭૬૯.૧૦ રૂપિયા, શ્રી સિમેન્ટ ૪.૪૦ ટકા વધી ૨૧,૨૨૦.૫૫ રૂપિયા અને દાલમિયા ભારત ૧.૭૩ ટકા વધી ૮૧૬.૭૫ રૂપિયા બંધ આવ્યા હતા.
ઑટો કંપનીઓમાં પણ ખરીદી
નિફ્ટી ઑટો ઇન્ડેક્સ આજે ૦.૬૪ ટકા વધ્યો હતો. એસ્કોર્ટના શૅર ૨.૨૦ ટકા, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ૦.૬૧ ટકા, મારુતિ સુઝુકી ૦.૨૭ ટકા વધ્યા હતા. તાતા મોટર્સના શૅર ૫.૧૨ ટકા વધ્યા હતા. કંપનીનાં વાહનોનું વેચાણ ભારતમાં ડિસેમ્બરમાં ૧૩.૮૪ ટકા ઘટ્યું હતું. જેગુઆર અને લૅન્ડ રોવરનું વેચાણ ત્રણ મહિનાથી સુધરી રહ્યું હોવાથી શૅરના ભાવ વધ્યા હતા. ટીવીએસ મોટર્સના શૅર આજે વાહનોનું વેચાણ ૧૪.૭૬ ટકા ઘટી જતાં ૨.૧૧ ટકા ઘટ્યા હતા. બજાજ ઑટોના શૅર પણ ૧૬.૬૬ ટકા વાહનોના વેચાણઘટાડાના નિરાશાજનક આંકડા સાથે ૦.૯૦ ટકા ઘટ્યા હતા.
અન્ય કંપનીઓમાં વધઘટ
અપોલો હૉસ્પિટલ એન્ટરપ્રાઇઝના શૅર આજે ૪.૭૩ ટકા વધ્યા હતા. કંપનીનો અપોલો મ્યુનિક હેલ્થ ઇન્શ્યૉરન્સમાં ૫૦.૮ ટકા હિસ્સો વેચવાની એચડીએફસીની ઑફરને વીમા નિયમનકાર ઇરડા તરફથી બુધવારે મંજૂરી મળી હતી. તેલંગણ સરકારના ૧૮૦૦ કરોડ રૂપિયાના ગ્રામ પંચાયતમાં બ્રૉડબેન્ડ નેટવર્કની જાળવણી માટે મળેલા ઑર્ડરથી સ્ટરલાઇટ ટેક્નૉલૉજીસના શૅર ૬.૭૭ ટકા વધ્યા હતા. પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝના શૅર એની ૧.૬૯ લાખ ટનની કિલ્ન માટે કોલસાનો પુરવઠો મેળવવાનો કરાર કરતાં ૧૮.૨૭
ટકા વધ્યા હતા. મેરીકોના શૅર સપ્ટેમ્બરથી ડિસેમ્બર ક્વૉર્ટરમાં ધારણા કરતાં નબળો બિઝનેસ થયો હોવાની જાહેરાતથી ૨.૫૩ ટકા ઘટી ગયા હતા.

business news nifty