બજેટને કારણે રિઝર્વ બેંક દ્વારા રેટકટની આશા પર પાણી ફરી જવાની શક્યતા

05 February, 2019 08:56 AM IST  | 

બજેટને કારણે રિઝર્વ બેંક દ્વારા રેટકટની આશા પર પાણી ફરી જવાની શક્યતા

રિઝર્વ બેંક

શૅરબજારને બજેટ બાદ રિઝર્વ બેંકની પૉલિસીમાં રેટકટ આવવાની આશા છે જે બજારમાં પ્રવાહિતાને વેગ આપી શકે અને કૉર્પોરેટ સેક્ટરને પણ રાહત આપી શકે, પરંતુ હવે બજેટે જે રાહતો આપી છે એને લીધે વપરાશ વધવાની ધારણા બંધાઈ છે જેને પરિણામે ફુગાવો વધી શકે છે. આ સંજોગોમાં વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તો ફુગાવો વધવાની શક્યતા રહે છે. આને કારણે ચાલુ મહિનામાં રિઝર્વ બેંકની નાણાં નીતિમાં વ્યાજદરમાં કાપ આવવાની સંભાવના ઘટી ગઈ છે. જોકે આ પછી પણ બજારના વર્ગને રેટકટ આવવાની આશા છે, જે બૉન્ડ માર્કેટની સ્થિતિ જોઈને બંધાઈ છે. રિઝર્વ બેંકની નાણાં નીતિની જાહેરાત ગુરુવારે થવાની છે.

ફિસ્કલ ડેફિસિટ

સરકાર ફિસ્કલ ડેફિસિટના ટાર્ગેટને હાંસલ કરવામાં ફરી નિષ્ફળ રહી છે જે ૩.૩ ટકા પર લાવવાની ધારણા હતી, પરંતુ એ ૩.૪ ટકા રહી છે. આ ડેફિસિટ આમ તો ત્રણ ટકા પર લાવવાની દિશામાં જવાનું લક્ષ્ય હતું.

નાણાપ્રધાનની બેઠક

રિઝર્વ બેંકની પૉલિસીની બેઠક બાદ ૯ ફેબ્રુઆરીએ નાણાપ્રધાન પીયૂષ ગોયલ રિઝર્વ બેંકના બોર્ડ સાથે ચર્ચા કરે એવી શક્યતા છે. આમાં પીયૂષ ગોયલ ઇન્ટરિમ બજેટના મુખ્ય મુદ્દા ઉપરાંત રિઝર્વ બેંક પાસેથી ઇન્ટરિમ ડિવિડન્ડ મેળવવા વિશે ચર્ચા કરશે. આ ડિવિડન્ડ પેટે રિઝર્વ બૅન્કે હાલ ૨૮,૦૦૦ કરોડ રૂપિયા મેળવવાનો અંદાજ રાખ્યો છે. અગાઉ ઇન્ટરિમ ડિવિડન્ડપેટે ૪૦,૦૦૦ કરોડ રૂપિયા મેળવાયા છે. સરકારને વર્તમાન સંજોગોમાં આ નાણાંની સખત જરૂર છે.

આજથી રિઝર્વ બેંકની મૉનિટરી પૉલિસી કમિટીની બેઠક: ગવર્નરપદે શક્તિકાંત દાસ આવ્યા બાદની પહેલી મીટિંગ

રિઝર્વ બેંકના નવા ગવર્નર શક્તિકાંત દાસના વડપણ હેઠળની મૉનિટરી પૉલિસી કમિટીની પ્રથમ બેઠક આજે શરૂ થઈ રહી છે અને આ બેઠક સાત ફેબ્રુઆરી સુધી ચાલશે એમ કેન્દ્રીય બેંકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ગયા ઑક્ટોબરથી ડિસેમ્બર સુધીનો રીટેલ ફુગાવાનો દર ૨.૬ ટકા રહ્યો છે, જે રિઝર્વ બૅન્કે વાજબી ગણેલા ચાર ટકાના દર કરતાં ઘણો ઓછો છે. આથી આ કમિટી ધિરાણના નીતિવિષયક વ્યાજદરમાં કોઈ ફેરફાર કરે છે કે કેમ એ જોવું રહ્યું. ઘણા નિષ્ણાતો માને છે કે રાજકોષીય પડકારોને લીધે રિઝર્વ બેંક વ્યાજદરમાં ઘટાડો કરવાનું ટાળશે.

આ પણ વાંચો : અમેરિકાના સ્ટ્રૉન્ગ જૉબ મૅન્યુફૅક્ચરિંગ ડેટાથી સોનામાં પીછેહઠ

વૈશ્વિક સ્તરે અર્થતંત્રની મંદી હોવાથી ફુગાવાનો દર વર્ષ ૨૦૧૮-’૧૯ માટેના રિઝર્વ બેંકના ચાર ટકાના લક્ષ્યાંક કરતાં નીચો રહેવાનો અંદાજ છે.

reserve bank of india