ત્રણ મહિનાની નીચી સપાટીથી ઊછળેલા સોનાના ભાવ પર ફુગાવાએ બ્રેક લગાવી

14 November, 2019 10:19 AM IST  |  Mumbai

ત્રણ મહિનાની નીચી સપાટીથી ઊછળેલા સોનાના ભાવ પર ફુગાવાએ બ્રેક લગાવી

ગોલ્ડ

અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર સમજૂતીનો વિવાદ હજી પૂર્ણ નથી થયો અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ હળવા વ્યાજદરની નીતિની હિમાયત કરી રહ્યા છે એટલે સોનાના ભાવ ત્રણ મહિનાની નીચી સપાટીથી ગઈ કાલે વધ્યા હતા. જોકે ઑક્ટોબરમાં અમેરિકાનો ફુગાવાનો આંક ધારણા કરતાં વધારે આવતાં એમાં ઉપલા મથાળે ઘટાડો જોવા મળ્યો હતો. ઑક્ટોબરનો ફુગાવો માર્ચ મહિના પછી સૌથી ઊંચા સ્તરે જોવા મળ્યો હતો. ઊંચા ફુગાવાના કારણે વ્યાજદરમાં ઘટાડો અટકી શકે છે એટલે સોનું ઉપલા સ્તરેથી ઘટ્યું હતું.

વૈશ્વિક બજારમાં હાજર સોનું ૧૪૫૮ ડૉલરની સપાટીથી વધી ૧૪૮૫ થઈ ગઈ કાલે ૧૪૬૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ન્યુ યૉર્ક કોમેક્સ ગોલ્ડ ડિસેમ્બર વાયદો ૭.૭૫ ડૉલર કે ૦.૫૩ ટકા વધી ૧૪૬૧.૪૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ચાંદી પણ ૦.૭૫ ટકા વધી ૧૬.૮૧૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.

ડૉલર સામે રૂપિયો નબળો પડતાં અને વિદેશી બજારમાં ભાવ મક્કમ હોવાથી ભારતમાં પણ સોનાના ભાવ વધ્યા હતા. હાજરમાં મુંબઈ સોનું ૨૪૦ વધી ૩૯,૪૮૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૨૩૦ વધી ૩૯,૫૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતા. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭,૭૮૭ ખૂલી ઉપરમાં ૩૮,૧૩૮ અને નીચામાં ૩૭,૭૮૧ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૩૮૫ વધીને ૩૮,૧૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૬૬ વધીને ૮ ગ્રામદીઠ ૩૦,૬૪૫ રૂપિયા અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૧ વધીને ૧ ગ્રામદીઠ ૩૮૬૯ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૬૩ વધીને બંધમાં ૩૮,૧૦૩ રૂપિયાના ભાવ રહ્યા હતા.

હાજરમાં મુંબઈ ચાંદી ૪૧૦ વધી ૪૫,૮૮૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૪૫૦ વધી ૪૫,૯૯૦ રૂપિયા પ્રતિ કિલો બંધ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૪,૧૩૨ ખૂલી ઉપરમાં ૪૪,૫૮૮ અને નીચામાં ૪૪,૦૯૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૬૪૯ વધીને ૪૪,૫૩૬ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૬૫૩ વધીને ૪૪,૫૫૯ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૬૪૭ વધીને ૪૪,૫૫૨ રૂપિયા બંધ રહ્યા હતા.

રૂપિયો બે મહિનાના નીચલા સ્તરે

ભારતનો આર્થિક અને ઔદ્યોગિક વિકાસ નબળો પડી રહ્યો છે એની ચિંતાએ ડૉલર સામે રૂપિયો આજે બે મહિનાની નીચી સપાટીએ પટકાયો હતો. વિદેશી બજારમાં મજબૂત ડૉલર અને નબળા આર્થિક વિકાસના આંકડાઓ વચ્ચે રૂપિયો આજે ૭૧.૭૫ની સપાટીએ ખુલ્યો હતો. આ પછી સતત ઘટી દિવસના નીચલા સ્તર ૭૨.૧૦ થઈ દિવસના અંતે ૭૨.૦૯ની સપાટીએ બંધ આવ્યો હતો. ગઈ કાલે એક જ દિવસમાં રૂપિયો ૬૨ પૈસા ઘટી ગયો હતો. છેલ્લાં ત્રણ સત્રથી સતત ડૉલર સામે રૂપિયો ઘટી રહ્યો છે.

business news