આઇટી કંપનીઓના સહારે ભારતીય શૅરબજારમાં વધારો જોવાયો

12 December, 2019 11:04 AM IST  |  Mumbai Desk

આઇટી કંપનીઓના સહારે ભારતીય શૅરબજારમાં વધારો જોવાયો

ત્રણ દિવસના ઘટાડા બાદ આઇટી કંપનીઓમાં નીચા મથાળે ખરીદી અને અગ્રણી બૅન્કો અને નાણાસંસ્થાઓની છેલ્લી ઘડીએ નીકળેલી ખરીદીના કારણે ભારતીય શૅરબજાર ગઈ કાલે વૃદ્ધિ સાથે બંધ આવ્યાં હતાં. બજારની નજર ભારતમાં આજે ગુરુવારે જાહેર થનારા ઔદ્યોગિક ઉત્પાદન અને ફુગાવાના આંક પર છે અને વૈશ્વિક રીતે અમેરિકામાં ફેડરલ રિઝર્વ અમેરિકન અર્થતંત્ર અંગે કેવો વિચાર રજુ કરે છે એના ઉપર રહેલી છે. વિદેશી અને સ્થાનિક સંસ્થાઓની ખરીદીનો બજારને ટેકો હતો. 

બજારમાં ગઈ કાલે છેલ્લી ઘડીએ આવેલો ઉછાળો જોકે કેન્દ્ર સરકારે ‌રિયલ એસ્ટેટ માટેની ક્રેડિટ ગૅરન્ટી સ્કીમમાં ફેરફાર કરી રહી છે અને એમાં વધુ હાઉસિંગ પ્રોજેક્ટનો સમાવેશ થઈ શકશે એવી આશાને આભારી હતો. બજારમાં કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થાને પુનઃ ઊભી કરવા માટે તાકીદે પગલાં લેશે એવી આશાઓ પણ છે.
ગઈ કાલેની નીચી સપાટી ૪૦,૧૩૫.૩૭ની સપાટી પરથી સેન્સેક્સ દિવસના અંતે ૧૭૨.૬૯ પૉઇન્ટ કે ૦.૪૩ ટકા વધી ૪૦,૪૧૨.૫૭ પૉઇન્ટ અને નિફ્ટી નીચી સપાટી ૧૧,૮૩૨.૩૦ની સામે સત્રના અંતે ૫૩.૩૫ પૉઇન્ટ કે ૦.૪૫ ટકા વધી ૧૧,૯૧૦.૧૫ની સપાટીએ બંધ આવ્યો હતો. મિડ કૅપ અને સ્મૉલ કૅપ કંપનીઓના ઇન્ડેક્સ પણ વધ્યા હતા. આમ છતાં, બજારમાં વધેલી કરતાં ઘટેલી કંપનીઓની સંખ્યા વધારે હતી.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં ૧૧ સેક્ટરમાંથી મેટલ્સ અને પીએસયુ બૅન્ક સિવાય તમામ ક્ષેત્રના ઇન્ડેક્સ વધ્યા હતા. સૌથી વધુ વધારો આઇટી અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જોવા મળ્યો હતો. એક્સચેન્જ પર ૧૧ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૧૫૦ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૫૫ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૧૫૩ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ પર ૩૭ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૨૪૯ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૪૩ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૨૭૧માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૦૧ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૫૨ ટકા વધ્યા હતા. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન બુધવારે ૫૪,૭૬૬ કરોડ વધી ૧૫૧.૦૨ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
આઇટી શૅરોમાં રિકવરી
ત્રણ દિવસમાં નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ડૉલર સામે રૂપિયો સતત વધી રહ્યો હોવાથી ૨.૭૪ ટકા ઘટી ગયો હતો. આજે એમાં નીચા મથાળે ખરીદી જોવા મળી હતી અને ઇન્ડેક્સ ૧.૨૩ ટકા વધ્યો હતો. આજે માઇન્ડટ્રીના શૅર ૨.૨૫ ટકા, ટેક મહિન્દ્ર ૧.૯૭ ટકા, ટીસીએસ ૧.૪૩ ટકા, હેક્ઝાવેર ૧.૨૧ ટકા, ઇન્ફોસિસ ૦.૯૨ ટકા, પર્સીસ્ટન્ટ સિસ્ટમ ૦.૭૯ ટકા, વિપ્રો ૦.૭૮ ટકા અને ઓરેકલ ૦.૨૯ ટકા વધ્યા હતા.
જોકે મેટલ્સ કંપનીઓમાં આજે પણ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉરની અનિશ્ચિતતાના કારણે ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી મેટલ્સ ઇન્ડેક્સ આજે ૦.૨૫ ટકા ઘટ્યો હતો. હિન્દુસ્તાન કોપર ૩.૦૭ ટકા, વેદાન્ત ૧.૬૩ ટકા, નાલ્કો ૧.૨૮ ટકા, હિન્દાલ્કો ૧.૧૩ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૪૪ ટકા, હિન્દ્સ્તાન ઝિન્ક ૦.૩૯ ટકા અને સ્ટીલ ઑથોરિટી ૦.૧૩ ટકા ઘટ્યા હતા. સામે એનએમડીસી ૧.૫૫ ટકા, તાતા સ્ટીલ ૦.૮૦ ટકા અને જિન્દલ સ્ટીલ ૨.૪૫ ટકા વધ્યા હતા.
પાંચ સત્રના ઘટાડા પછી એચડીએફસી ઍસેટ મૅનેજમેન્ટમાં ખરીદી
પાંચ સત્રમાં એચડીએફસી ઍસેટ મૅનેજમેન્ટના શૅર ૧૫.૯૯ ટકા ઘટી ૨૮૯૦.૯૦ રૂપિયાની સપાટીએ મંગળવારે બંધ આવ્યા હતા. કંપનીના પ્રમોટર સ્ટાન્ડરડ લાઇફ દ્વારા ૩.૧૧ ટકા હિસ્સો વેચવાની જાહેરાત અને એના વેચાણના કારણે શૅર ઘટી રહ્યા હતા. ગઈ કાલે કંપનીમાં એક વિદેશી બ્રોકરેજ હાઉસે ખરીદીની સલાહ આપતાં શૅરનો ભાવ ૪.૭૭ ટકા વધી ૩૦૨૮.૮૫ રૂપિયાની સપાટીએ બંધ આવ્યો હતો.
યસ બૅન્કના શૅરમાં ૧૫ ટકાનો કડાકો
દેશની ખાનગી બૅન્કોમાં ચોથી એવી યસ બૅન્કના શૅરધારકો માટે નવા સમાચારમાં કોઈ રાહત મળી રહી નથી. સતત વધી રહેલી નબળી લોનનું પ્રમાણ, પ્રમોટર રાણા કપૂરની એક્ઝિટ પછી નવા મૂડીરોકાણકારના મામલે પણ બૅન્ક માટે સારા સમાચાર આવી રહ્યા નથી. મંગળવારે બૅન્કના બોર્ડની બેઠકમાં સાયટેક્સ હોલ્ડિંગની ૫૦ કરોડ ડૉલરની ઑફર બૅન્કે સ્વીકારી રિઝર્વ બૅન્કની મંજૂરી માટે મોકલી હતી, પણ કૅનેડાના બિઝનેસમૅનની ૧.૨ અબજ ડૉલર અંગે કોઈ નિર્ણય લીધો નથી.
લાર્સન ઍન્ડ ટુબ્રો નવ મહિનાની નીચી સપાટીએ
દેશની ઇન્ફ્રાસ્ટ્રકચર અને એન્જિનિયરિંગ ક્ષેત્રની સૌથી મોટી કંપની લાર્સન ઍન્ડ ટુબ્રોના શૅરમાં અત્યારે વેચવાલી હાવી થઈ ગયેલી જોવા મળી રહી છે. બજારમાં કંપનીની આવકવૃદ્ધિ અને નવા ઑર્ડરના પ્રવાહની ચિંતા જોવા મળી રહી હોવાથી શૅરમાં વેચવાલી જોવા મળી રહી છે. કંપનીના શૅર ગઈ કાલે એક તબક્કે નવ મહિનાની નીચી સપાટી ૧૨૫૬ રૂપિયા પર પહોંચ્યો હતો. સપ્ટેમ્બર ૨૯ના રોજ કંપનીના શૅર ૧૫૨૮ રૂપિયાની ઊંચી સપાટી પર પહોંચ્યા પછી સતત ૧૮ ટકા જેટલા ઘટી ગયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની નાણાકીય સ્થિતિ તંગ હોવાના કારણે ઇન્ફ્રા પ્રોજેક્ટની ફાળવણીમાં વિલંબ થશે એવી બજારની ગણતરી છે. આ ઉપરાંત, મહારાષ્ટ્રની નવી સરકારે અગાઉ ફાળવેલા પ્રોજેક્ટની સમીક્ષા કરવાનો નિર્યણ કર્યો હોવાથી પણ શૅરના ભાવ ઘટી રહ્યા છે. દિવસના અંતે લાર્સનના શૅર ૧.૨૧ ટકા ઘટી ૧૨૬૩.૬૦ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા.
ઍવન્યુ સુપર માર્કેટમાં પાંચમા દિવસે ઘટાડો
ડીમાર્ટ સુપર સ્ટોરના માલિક ઍવન્યુ સુપર માર્કેટના શૅર સતત પાંચ દિવસથી ઘટી ગઈ કાલે ૧૨ સપ્તાહની નીચી સપાટીએ જોવા મળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં શૅરનો ભાવ આઠ ટકા ઘટ્યો છે સામે સેન્સેક્સ એક ટકો વધ્યો છે. કંપનીના ફાઉન્ડર રાધાક્રુષ્ણ દામાણી સેબીના નિયમો અનુસાર હિસ્સો ઘટાડી રહ્યા છે એટલે શૅરના ભાવમાં વેચવાલીથી દબાણ આવી શકે એવી માન્યતા બજારમાં છે. ગઈ કાલે શૅરનો ભાવ ઘટી ૧૭૦૧ રૂપિયા થયા બાદ દિવસના અંતે ૦.૫૯ ટકા ઘટી ૧૭૨૬.૨૫ રૂપિયાની સપાટીએ બંધ આવ્યો હતો. ઑક્ટોબર ૩૧ના રોજ એક વર્ષની ઊંચી સપાટીએથી શૅરનો ભાવ અત્યારે ૧૫ ટકા ઘટેલો છે.

business news