અમેરિકામાં ભારતીય કેરી અને દાડમની નિકાસ શરૂ થશે

11 January, 2022 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત-અમેરિકા વચ્ચે વેપાર સંબંધો વધારવા માટે બંને દેશોએ માળખાકીય કરારમાં સહી કરી છે જેમાં બંને દેશોનાં કૃષિ બજારોના એક્સેસનો સમાવેશ છે. આ કરારને પગલે ભારતીય કેરી અને દાડમની નિકાસ અમેરિકામાં થશે.

પ્રતીકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

ભારત-અમેરિકા વચ્ચે વેપાર સંબંધો વધારવા માટે બંને દેશોએ માળખાકીય કરારમાં સહી કરી છે જેમાં બંને દેશોનાં કૃષિ બજારોના એક્સેસનો સમાવેશ છે. આ કરારને પગલે ભારતીય કેરી અને દાડમની નિકાસ અમેરિકામાં થશે.
ભારતીય કેરીની અમેરિકામાં નિકાસ જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૨માં શરૂ થશે અને દાડમની નિકાસ એપ્રિલ ૨૦૨૨થી શરૂ થશે તેમ જ એપ્રિલ ૨૦૨૨થી અમેરિકામાં ભારતીય આલ્ફાલ્ફા હે (એક પ્રકારનું ઘાસ) અને ચેરીની નિકાસ પણ થશે.
ગયા વર્ષે ૨૩ નવેમ્બરે થયેલી મીટિંગમાં સૂચિત કરારમાં સહી ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ અને અમેરિકાના કૃષિ વિભાગે કરી છે. આ સિવાય પશુપાલન અને ડેરી ઉદ્યોગે પણ આ પ્રમાણે અમેરિકાના પોર્ક (ડુક્કરનું માસ) માટે નિકાસ કરવાની તૈયારી બતાવી છે. આ માટે અમેરિકાને વિનંતી કરવામાં આવી છે કે તેઓ યોજનાને અંતિમ સ્વરૂપ આપીને ફાઇનસ સેનિટરી સર્ટિફિકેટ પર સહીં કરે.
અમેરિકા નજીકના સમયમાં ભારત સાથે કોઈ નવા કરાર કરવા નહીં માગતી હોવાના અહેવાલને ગત સપ્તાહે જ વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ફગાવી દીધો હતો.
તાજેતરમાં જ સરકારી આંકડા દર્શાવે છે કે ભારતીય કૃષિ પેદાશ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં છેલ્લા દાયકામાં સ્થિરપણે વધારો થયો છે. લૉજિસ્ટિક સંબંધિત સમસ્યાઓની વચ્ચે પણ ભારતીય નિકાસ સારી રહી હતી. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૧માં ભારતીય નિકાસ ૩૦૦ અબજ ડૉલરને સ્પર્શી છે અને વર્તમાન નાણાકીય વર્ષમાં આ નિકાસ ૪૦૦ અબજ ડૉલરના સ્તરે પહોંચશે, એવો વિશ્વાસ પીયૂષ ગોયલે વ્યક્ત કર્યો છે.

business news