80 ટકા લોન માફ થાય તો જેટમાં હિસ્સો ખરીદવા હિન્દુજા તૈયાર

25 May, 2019 01:11 PM IST  | 

80 ટકા લોન માફ થાય તો જેટમાં હિસ્સો ખરીદવા હિન્દુજા તૈયાર

જેટમાં હિસ્સો ખરીદવા હિન્દુજા તૈયાર થઈ શકે

દેશની એક સમયની સૌથી મોટી ખાનગી ઍરલાઇન્સ જેટ ઍરવેઝ ઉપરના દેવાનો બોજ બૅન્કો અને તેને ખરીદવા માટે તૈયાર કૉર્પોરેટ માટે વધુ ને વધુ પડકાર ફેંકી રહ્યો છે. લેણદારોને આપવાની રકમ, લોનનું વ્યાજ, કર્મચારીઓનો પગાર અને વિમાન જેમની પાસેથી લીઝ ઉપર લીધાં છે એવી કંપનીઓને ભાડું આપવામાં નિષ્ફળ રહેતાં જેટે પોતાની સેવાઓ લગભગ એક મહિના પહેલાં બંધ કરી છે.

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અને પંજાબ નૅશનલ બૅન્ક રૂ. ૨,૦૦૦ કરોડની લોન સાથે જેટ ઍરવેઝને રૂ. ૧૦,૦૦૦ કરોડની લોન આપનાર સૌથી મોટી બૅન્કો છે. આ બન્ને બૅન્કોની આગેવાની હેઠળ જેટ ઍરવેઝ કોઈ ખરીદી લે તો લોન પરત મળે અને ઍરલાઇન્સ ફરી જીવતી થાય એના માટે પ્રયત્ન ચાલી રહ્યા છે.

આ પ્રયત્નમાં એક મોટો ધક્કો લાગ્યો હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી અનુસાર સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા બ્રિટનમાં વસવાટ કરતા સૌથી ધનાઢ્ય હિન્દુજા બંધુઓનો ઍરલાઇન્સ ખરીદવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. જેટમાં ૨૪ ટકા હિસ્સો ધરાવતા સાઉદી અરબના એતિહાદ દ્વારા એમાં હિસ્સો વધારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે, પણ પોતાનું મૂડીરોકાણ રાખવા તૈયાર છે.

આ પણ વાંચો: અમેરિકા-ચીનની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉરથી વૈશ્વિક વૃદ્ધિને જોખમ

હિન્દુજા દ્વારા એવી શરત મૂકવામાં આવી છે કે બૅન્કો તેમના કુલ લેણાની રકમ રૂ. ૧૦,૦૦૦ કરોડમાંથી ૮૦ ટકા રકમનું દેવું માફ કરે, અથવા તેની માંડવાળ કરે તો તેઓ જેટ ઍરવેઝમાં હિસ્સો ખરીદશે. આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું હતું કે હિન્દુજા બંધુઓ ઍરલાઇન્સમાં થોડો જ હિસ્સો લેવામાં રસ ધરાવે છે. એનો મતલબ થયો કે બૅન્કો પાસે જ કંપનીનો મોટો હિસ્સો રહે અને ઉપરથી દેવું પણ માફ કરવું પડે.

હિન્દુજા બંધુઓની આ શરત સ્વીકારવા માટે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા કે પંજાબ નૅશનલ બૅન્ક તૈયાર નથી, એવું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, બન્ને પક્ષે વાતચીત ચાલુ છે એટલે હજુ પણ જેટ પુન: શરૂ થશે એવો કેટલાક લોકોનો મત છે.

business news